રાષ્ટ્રીય શાયર, લોકસંસ્કૃતિના ઉપાસક અને સંવર્ધક ઝવેરચંદ મેઘાણીનું 125મું જન્મજયંતી વર્ષ ઉજવાઈ રહ્યું છે ત્યારે આકાશવાણી રાજકોટ દ્વારા તા.10ને ગુરૂવારે ‘રઢિયાળી રાત’ નામક વિશેષ સંગીતમય દસ્તાવેજી રૂપક પ્રસારિત કરવામાં આવશે.
ગુજરાતીઓને ખરા અર્થમાં લોકસાહિત્ય અને લોકસંગીત પ્રત્યે જાગૃત કરી મમત્વ જગાડનાર ઝવેરચંદ મેઘાણીનું 125મું જન્મજયંતી વર્ષ ઉજવાઈ રહ્યું છે તે નિમિત્તે આકાશવાળી રાજકોટ દ્વારા તા.10 જુન રાત્રે 9:30 વાગ્યે જાણીતા લોકગાયક, પત્રકાર નીલેશ પંડ્યા લીખીત વિશેષ સંગીતમય દસ્તાવેજી રૂપક ‘રઢિયાળી રાત’ પ્રસ્તુત થશે. પરિકલ્પન, નિર્માણ અને પ્રસ્તુતિ સુધીર દત્તાના છે. તો રૂપકમાં સ્વરાભિનય પરેશ વડગામા અને પૂનમ ચૌહાણે આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઝવેરચંદ મેઘાણીએ આજથી લગભગ સો વર્ષ પહેલા અત્ર-તત્ર-સર્વત્રથી લોકગીતો મેળવી તેના પર મહેનત કરી તેના અર્થો શોધવા પ્રયાસ કર્યો અને આવાં 700થી વધુ લોકગીતો તેમણે ‘રઢિયાળી રાત’ નામના ચાર ભાગમાં વિભાજિત કર્યાં. સમયાંતરે આ ચાર ભાગનો એક સમૂચો ભાગ તૈયાર થયો અને તેના પરથી એક લઘુ આવૃત્તિ પણ પ્રગટ કરવામાં આવી. આ રૂપકમાં ‘રઢિયાળી રાત’ને લગતી ખૂબ જ રસપ્રદ વાતો ગૂંથી લેવામાં આવી છે.