ગોંડલ રોડ પર આવેલા બાલાજી કુરિયર એન્ડ કાર્ગો નામની પેઢીમાં એકાદ માસ પહેલાં થયેલી રૂા.21 લાખની દિલ ધડક લૂંટના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ રોડ પર આવેલા બાલાજી કુરિયર એન્ડ કાર્ગો નામની પેઢીના માલિક હરજીભાઇ ભોગાયતા ગત તા.5 મેના રોજ સાંજે એકલા હતા ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ બંધક બનાવી રૂા.21 લાખની રોકડ સાથેના થેલાની લૂંટ ચલાવ્યાની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
રૂા.21 લાખની લૂંટના ગુનાનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને માલવીયાનગર પોલીસ સ્ટાફે ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન એસીપી ડી.વી.બસીયા, પી.આઇ. વી.કે.ગઢવી અને પી.એસ.આઇ. પી.એમ.ધાખડા, હેડ કોન્સ્ટેબલ મયુરભાઇ પટેલ, અમિતભાઇ અગ્રાવત, સિધ્ધરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, સંજયભાઇ રૂપાપરા, નગીનભાઇ ડાંગર અને પ્રદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફે ખોખડદડ નદીના પટ્ટમાંથી મુળ ઉમરાળીના અને વેલનાથ સોસાયટીના હિતેશ બાબુ ડવ, ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામના વતની અને વેલનાથ સોસાયટીમાં રહેતા કરણ ભગવાન બાલાસરા અને મુળ કોટડા પીઠા ગામના વતની અને રામ પાર્કમાં રહેતા કિશન રાયધન મૈયડ નામના શખ્સોને ઝડપી લીધા છે.
અગાઉ દારૂ અને હથિયારના ગુનામાં ઝડપાયેલા કિશન રાયધન મૈયડ, હિતેશ બાબુ ડવ અને કરણ ભગવાન બાલાસરાની પૂછપરછ દરમિયાન તેઓએ છેલ્લા પંદર દિવસ દરમિયાન દસ જેટલા સ્થળે લૂંટ ચલાવ્યાની કબુલાત આપી છે. શ્યામ હોલની બાજુમાં ખોડલ ફેશન નામની કપડાની દુકાનમાંથી રૂા.17 હજારની કિંમતના બે જોડી કપડા, સંત કબીર રોડ પર એસ.પી. ફેશન નામની દુકાનમાંથી રૂા.1600 રોકડા અને બે જોડી કપડા, બેગબોન શોપિંગ સેનટ્રમાં ડેનીમ કલેકશન નામની કપડાની દુકાનમાંથી 1700 રોકડા અને ત્રણ જોડી કપડા, કોઠારિયા ચોકડી પાસે માર્બલના શો રૂમમાંથી રૂા.20 હજારની લૂંટ, રોલેક્ષ સાઇબાબા સર્કલ પાસે લેબોરેટરીમાંથી રૂા.1500 રોકડા, રોલેક્ષ સાઇબાબા સર્કલ પાસે ડોકટરના ક્લિનીકમાં લૂંટનો પ્રયાસ, ખોખડદડ નદી પાસે ડોકટર દંપત્તીને લૂંટવાનો પ્રયાસ કર્યાની, યાજ્ઞિક રોડ પર મોબાઇલની દુકાનમાં લૂંટનો પ્રયાસ અને એકાદ માસ પહેલાં બાલાજી કુરિયરમાં રૂા.21 લાખની રોકડ સાથેના થેલાની લૂંટ ચલાવ્યાની કબુલાત આપી છે.
હિતેશ ડવ, કરણ બાલાસરા અને કિશન મૈયડ લૂંટ પૂર્વે દુકાનની રેકી કરતા અને લૂંટ માટે બપોર અને સાંજનો સમય વધુ પસંદ કરતા જેથી દુકાનમાં ગ્રાહકોની અવર જવર ઓછી રહેતી હોય, રેડીમેઇટ કપડાની દુકાનદારને ટાર્ગેટ કરતા હોવા અંગે ત્રણેય શખ્સોએ કપડાની દુકાનમાં કપડા ચેઇન્જ રૂમ હોવાના કારણે વધુ સમય સુધી દુકાનમાં રહી શકી સરળતાથી લૂંટ ચલાવી શકતા હોવાની કબુલાત આપી છે.ગત તા.5 મેના રોજ સાંજના બાલાજી કુરિયરમાં લૂંટ પૂર્વે બે શખ્સો ભાવનગર કુરિયર મોકલવા અંગે પૂછપરછ કરી જતા રહ્યા બાદ દોરી અને છરી સાથે ફરી આવી બાલાજી કુરિયરના માલિક હરજીભાઇ ભોગાયતાના ગળા પર છરી રાખી ખુરશી સાથે દોરીથી બાંધી તેમના ખિસ્સામાંથી રૂા.7 હજાર રોકડા અને રૂા.21 લાખની રોકડ સાથેના થેલાની લૂંટ ચલાવી ભાગી ગયાની કબુલાત આપી છે.
ત્રણેય શખ્સો પાસેથી પોલીસે રૂૅ.16.74 લાખ રોકડા, બે મોબાઇલ, બે બાઇક અને રેડીમેઇટ કપડા મળી રૂા.17.94 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે લૂંટનો ભેદ ઉકેલનાર ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે રૂા.15 હજારનું ઇનામ આપ્યું છે.