કોરોના મહામારીમાં ‘ફેટ’ નહીં બલ્કે ‘ફીટ’ લોકો સ્વસ્થ રહ્યા છે તે વાત એક નહીં બલ્કે અનેક વખત પ્રતિપાદિત થઈ ચૂકી છે. ખાસ કરીને દોડવીરો કે જેમણે દોડાદોડીને પોતાનો નિત્યક્રમ બનાવી લીધો છે તેઓ કોરોના સામે અડીખમ બનીને ઉભા રહી શક્યા છે. આવા જ એક દોડવીરની કહાની આજે લોકો માટે પ્રેરણારૂપ બની શકે તેમ છે. રવિ જાદવ નામના એક દોડવીર કે જેઓ ત્રણેક વર્ષ પહેલાં 120 કિલો વજન અને સુગર લેવલ હાઈ ધરાવતા હતા અને દોડવાનું તો ઠીક પરંતુ ચાલવામાં પણ આળસ ધરાવતાં રવિએ રાજકોટમાં યોજાયેલી મેરેથોન અને સાઈક્લોફન બાદ પોતે પણ ઉમદા દોડવીર અને સાઈકલીસ્ટ બનવું છે તેવો દૃઢ નિશ્ર્ચય લઈ લીધો હતો. મન હોય તો માળવે જવાયની જેમ રવિ જાદવે તે માટે મહેનત પણ શરૂ કરી દીધી હતી અને તેની આ મહેનત રંગ લાવી હોય તેવી રીતે તેણે એક જ વર્ષમાં 3851 કિલોમીટરની દોડ લગાવી એક નવો વિક્રમ પોતાના નામે કરી લીધો છે.
120 કિલોનું ભારે ભરખમ શરીર ઉપર જતાં હાઈ સુગર લેવલ અને તેમાં આળસનું મિશ્રણ ભળે એટલે તેને ભેદવું કોઈ પણ વ્યક્તિ માટે સરળ હોતું નથી. જો કે રવિ જાદવે આ ત્રણેય પડકારોને કોઈપણ ભોગે ભેદીને જાડિયામાંથી પાતળું થવાનો જ નહીં બલ્કે પોતાના નામે કોઈ વિક્રમ નોંધાય તે માટેનો લક્ષ્યાંક સેવી લીધો હતો. કોઈપણ લક્ષ્યાંક હોય તેની શરૂઆત ક્યાંકથી કરવી જ પડતી હોય છે. રવિએ પણ ધીમે ફિટ થવાના અભિયાનનો પ્રારંભ સાઈકલ ચલાવવાથી કર્યો હતો.
જેને કંઈક બનવું જ હોય તેને કોઈ રોકી શકતું નથી’ની માફક રવિએ 2020માં જૂનાગઢ ખાતે યોજાયેલી મેરેથોનમાં ભાગ લીધો હતો. જિંદગીની પહેલી મેરેથોનમાં જ તેણે 21 કિલોમીટરની દોડમાં ભાગ લઈને 2.45 કલાકમાં દોડ પૂર્ણ કરી લીધી હતી. આ મેરેથોન રવિ માટે માઈલસ્ટોન સાબિત થઈ હોય તેવી રીતે પછી તો તેણે પાછળ વળીને જોવાનું માંડી વાળી સતત દોડ લગાવ્યે રાખી હતી.
2020માં બનાવેલા રેકોર્ડ 2021માં તોડી બતાવવા છે તેવો નિર્ણય લઈ ચૂકેલા રવિએ પોતાની ‘દોડગતિ’ યથાવત રાખતાં 20 મે-2021માં 200મી હાફ મેરેથોન પૂર્ણ કરી લીધી હતી અને હવે તેણે 300 હાફ મેરેથોન પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરેલો છે જે પૂર્ણ કરવા માટે તે અથાગ મહેનત પણ કરી રહ્યો છે. રવિએ એક વર્ષમાં 3851 કિ.મી. દોડ લગાવી છે અને એક જ ઈવેન્ટમાં સૌથી વધુ 55 કિ.મી. દોડ લગાવીને આગવો રેકોર્ડ પોતાના માટે બનાવ્યો છે. રવિએ 75 કિલોમીટરના સફેદ રણમાં પણ રનિંગ કરેલ છે જે તેની અત્યાર સુધીની સૌથી વધુ રનિંગ છે. તેને 75 કિલોમીટરનું અંતર કાપતાં 10 કલાક ઉપરનો સમય લાગ્યો હતો.કોઈપણ વ્યક્તિ સફળ બને તેની પાછળ એક અથવા તો વધુ વ્યક્તિનો હાથ હોય છે તેવી રીતે રવિ પણ પોતાને ‘તોખાર’ બનાવવાનો શ્રેય દાનાભાઈ, રૂચા, ડો.જયેશભાઈ, ડો.કમલભાઈ, મીલન, જયનીશ, રાજુ, હિતેશ, સીરાજ, ડો.દીપ્તીબેન, શીતલ, બિન્દુ, પાર્થ, ઋષભ સહિતનાને આપે છે.