તલાક… તલાક… તલાક… હવે તો ભારતમાં પણ ત્રિપલ તલાક ગેરકાયદે છે. જો કોઈ વ્યક્તિ મૌખિક કે અન્ય કોઈ કાયદાકીય પ્રક્રિયા વગર તલાક આપી દે તો તે સજાને પાત્ર બને છે ત્યારે મહેસાણા જીલ્લામાં એવો બનાવ સામે આવ્યો છે કે જેમાં પતિએ ભરબજારમાં પત્નીને તલાક આપી દીધા !!
મળતી માહિતી મુજબ, મહેસાણા જિલ્લામાંથી સરકારી કર્મચારી એવા પતિ-પત્નિ વચ્ચે ત્રિપલ તલ્લાકનો બનાવ સામે આવ્યો છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી શાહિનબાનુ કે જેને તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાભર કોર્ટમાં બેલિફ તરીકે ફરજ બજાવતા તેના પતિ કે જેનું નામ ઝાકીર હુસેન છે. તેની સામે ત્રિપલ તલ્લાક આપ્યાની ફરિયાદ નોધાવી છે.
પરસ્ત્રી સાથેના ગેરસંબંધોનો વિરોધ કરતાં પત્નીને ભરબજારમાં આપી દીધા ત્રિપલ તલાક
આ કેસની વિગત મુજબ, ખેરાલુ પોલીસ મથકમા ફરજ બજાવતી 32 વર્ષની મહિલા કર્મી શાહીનબાનુના લગ્ન ચાર વર્ષ પૂર્વે ભાભર કોર્ટમાં બેલિફ તરીકે ફરજ બજાવતા ઝાકીર હુસેન સાથે થયા હતા. ચાર વર્ષના લગ્ન જીવન દરિમાયન પતિ તેના ઉપર દમન ગુજારતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. તેમજ મહિલા પોલીસ કર્મચારી શાહીનબાનુ એ પણ ખુલાસો કર્યો છે કે તેના પતિને અન્ય સ્ત્રી સાથે ગેરસંબધો છે.
તેમણે ફરિયાદમાં વધુમાં જણાવ્યુ કે જાકિર હુસેન અન્ય કોઈ મહિલા સાથે ફરતો હોવાની બાબતે બન્ને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. ઝાકિર હુસેન શાહિનબાનુને અવારનવાર હેરાન કરતો હતો. પરસ્ત્રી સાથેના સબંધનો વિરોધ કરતા ઝાકિરે, ભર બજારમાં ત્રિપલ તલ્લાક આપી દિધા છે. મહેસાણા પોલીસે આ ફરિયાદને લઈને વધુ તપાસ હાથ ધરી છે.