આજના ડિજિટલી યુગમાં મોટાભાગની તમામ સેવાઓ આંગળીના ટેરવે મળતી થઈ છે. ખાદ્ય ચીજ-વસ્તુઓની હોમ ડિલિવરી હોય કે અન્ય કોઈ ચીજ વસ્તુઓ, બેન્કિંગ, પોસ્ટલ સેવા પણ ઘેરબેઠાં મળી રહી છે. અને ખાસ આજના સમયે વિવિધ એપ્લિકેશન, વેબસાઈટ દ્વારા સમાચારો આંગળીના ટેરવે મળતા થયા છે. ફેસબુક, ટ્વીટર, યુટ્યુબ તેમજ ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયાના માધ્યમો થકી સતત ન્યુઝ અપડેટ મળતા રહે છે. પરંતુ આનાથી લાભની સાથે ન્યુઝ પબ્લિસર્સને ખોટ પણ જાય છે. સોશિયલ મીડિયાના જાયન્ટસ ન્યુઝ પબ્લિશ માટેનું માત્ર એક માધ્યમ પૂરું પાડી પબ્લિસર્સ, જર્નાલીસ્ટ તેમજ અન્ય મીડિયા કર્મીઓની મહેનતને કોરી ખાય છે.
ફિલ્ડ પર જઈ ન્યુઝ એકત્ર કરવા, ઈન્ટર્વ્યુ કરવા, મગજ કસી સરળ ભાષામાં સરળ સમજૂતી સાથે પેપર કે પોતાના ડિજિટલી પ્લેટફોર્મ પર રજૂ કરવા…. આટલી બધી મથામણ કરવી અને અંતે તૈયાર માલે તેનો લાભ ખાટી જાય છે ફેસબુક, ટ્વીટર, યૂટ્યૂબ અને ઈન્સ્ટાગ્રામ જેવા શોસિયલ મીડિયા પ્લેટફોર્મ. કારણ કે ન્યુઝ પબ્લિસર્સ જેટલી મહેનત કરે છે અને ડિજિટલ પ્લેટફોર્મ પર જે માહિતી પ્રદાન કરે છે તેમાં જાહેરાતો મૂકી સોશિયલ મીડિયા જાયન્ટ્સ અઢળક કમાણી મેળવે છે પરંતુ જે પ્રમાણે ન્યુઝ પબ્લિસર્સને આવકનો હિસ્સો મળવો જોઈએ તે મળતો નથી. આ મુદ્દે સંઘર્ષ ચાલી રહ્યો છે. માત્ર ભારતમાં જ નહીં વિશ્વના ઘણાં દેશોમાં આ મુદ્દે સંઘર્ષ યથાવત છે.
ન્યૂઝ મીડિયા સંસ્થાઓ અને ગુગલ, ફેસબુક જેવા ટેક્નોલોજી જાયન્ટ્સ વચ્ચેના સંબંધમાં અસ્થિરતા ઉભી થઈ છે. આ વર્ષની શરૂઆતમાં, ઈન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી (આઈએનએસ)એ ગૂગલને જાહેરાતની આવકને યોગ્ય રીતે વહેંચવા પત્ર લખ્યો હતો. તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગૂગલે જાહેરાતની આવકના સમાચાર પ્રકાશકોનો હિસ્સો 85% સુધી વધારવો જોઈએ. ન્યૂઝ ટીવી ચેનલોની ઉદ્યોગ સંસ્થા ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન (એનબીએ)એ પણ માંગ કરી છે કે સમાચાર પ્રકાશકોને પૂરતા પ્રમાણમાં વળતર આપવામાં આવે.
આ માંગણી એવા સમયે કરવામાં આવી છે જ્યારે વિશ્વના ઘણા દેશો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સમાચાર પ્રકાશકોને પૂરતા પ્રમાણમાં ચૂકવણી કરે તે સુનિશ્ચિત કરવા કાયદો ઘડવામાં આવી રહ્યો છે. જેમાં યુરોપિયન યુનિયન, બ્રિટન અને યુએસએ તેમજ ઓસ્ટ્રેલિયાનો સમાવેશ છે. સોશિયલ મીડિયા જાયન્ટસ પોતાની આવક માંથી ટેક્સની સાથે વહેચણી કરે એમ આ દેશોમાં ફરજીયાત બનાવાયું છે ત્યારે હવે ભારતે પણ પોતાનો ઉકેલ શોધવો પડશે.