દેશમાં ચોમાસાની સીઝન શરૂ થઇ ચૂકી છે. ચોમાસું ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. દેશના હવામાન ખાતા દ્વારા દરરોજ હવામાનથી લઇને વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જો કે કેટલાક નિષ્ણાંતો દ્વારા વિવિધ પરિબળોને ધ્યાને રાખી વરસાદની આગાહી કરવામાં આવે છે. આ નિષ્ણાંતો દેશી ઢબે એટલે કે ભડલી વાક્યો, પશુ-પક્ષીની ચેષ્ઠા, વનસ્પતિમાં થતાં ફેરફારો વગેરેના આધારે કોઠાસૂઝ પ્રમાણે ચોમાસાની સીઝન કહેવી રહેશે એ અંગે વર્તારો કરતાં હોય છે. સૌરાષ્ટ્રના ત્રણ આગાહીકારોએ કરેલી આગાહી કેટલાક ટકા સાચી પડી તે અંગે આપણી જાણીએ.
દર વર્ષે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા વરસાદનો વર્તારો કરવામાં આવે છે જેમાં ખગોળ, જ્યોતિષશાસ્ત્ર, કષ બંધારણ, હવામાનના પરિબળો, વનસ્પતિમાં થતાં ફેરફારો, પશુ-પક્ષીની ચેષ્ઠા તેમજ ભડલી વાક્યો વગેરેના આધારે આગાહીકારો આગાહી કરતા હોય છે જેમાં મોટાભાગે 63 થી 99 ટકા આગાહી સાચી પડતી હોય છે.
ગત વર્ષની વાત કરીએ તો મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામના પરષોતમભાઈ વાઘાણીની 93 ટકા આગાહી સાચી પડી હતી ત્યારે પુનાના ધનસુખભાઈ શાહની 90 ટકા આગાહી સાચી પડી હતી. જ્યારે સી.ટી.રાજાણીની 92 ટકા આગાહીઓ સાચી પડી હતી. જ્યારે ગોપાલભાઈની 89 ટકા આગાહી સાચી પડી હતી.
આગાહીકારોની દ્રષ્ટિએ કરાયેલી આગાહી મુજબ આ વર્ષે 12 આની વરસાદ થશે એટલે કે ગયા વર્ષે જે 14 આની વરસાદ થયો હતો તેના પ્રમાણે આ વર્ષે વરસાદ ઓછો અને વર્ષ મધ્યમ ગણાશે. જો કે આગાહીકારોના જણાવ્યાનુસાર આ વખતે વરસાદની સીઝનમાં 40 થી 42 દિવસ વરસાદ પડે તેવી સંભાવના વર્તાઈ રહી છે. જેમાં જૂનમાં 8 થી 10 દિવસ, જુલાઈમાં 15 દિવસ, ઓગષ્ટમાં 12 અને સપ્ટેમ્બર મહિનામાં 10 દિવસ જેટલો વરસાદ પડે તેવો વર્તારો અપાયો છે.
આગાહીકારોએ જૂનના ચોથા મહિનામાં વાવણીલાયક વરસાદ થશે તેવું અનુમાન લગાવ્યું છે. જ્યારે 15 ઓગષ્ટ બાદ વરસાદ ખેંચાય તેવી શકયતા અને નવેમ્બરના બીજા અઠવાડિયામાં વાવાઝોડા સાથે માવઠુ થાય તેવી આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ ખાતે આગાહીકારો દ્વારા વરસાદના પૂર્વાનુમાનમાં આ વર્ષે 10 થી 12 આની વરસાદ થાય તેવી શકયતાઓ વર્તાઈ છે. આ ઉપરાંત 40 થી 42 દિવસ વરસાદ પડે તેવી સંભાવનાઓ જૂનના ચોથા અઠવાડિયામાં વાવણીલાયક વરસાદની સાથે નવેમ્બરના બીજા અઠવાડિયામાં માવઠુ થાય તેવી સંભાવના આગાહીકારો દ્વારા દર્શાવવામાં આવી છે.