કોરોનાની વૈશ્વિક મહામારીની ગંભીર, નકારાત્મક અસર દરેક ક્ષેત્રે પડી છે. પરંતુ જો સૌથી વધુ અસર પડી હોય તો તે છે અર્થતંત્ર. કપરાકાળનો આર્થિક ફટકો દરેક દેશને પડ્યો છે. ભલભલા દેશો પણ વર્ષો સુધી પાછળ ધકેલાઈ ગયા છે. ત્યારે ભારત પર પડેલ અસરને નહિવત કરી અર્થતંત્રની ગાડીને પુરપાટ ઝડપે દોડાવવા મોદી સરકારે સાત પગલાં આકાશ તરફ માંડ્યા છે. લોકોના સ્વાસ્થ્યની સાથે સાથે અર્થતંત્રના પણ સારા સ્વાસ્થ્ય માટે મોદી સરકારે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે.
જેમાં 18 થી 44 વર્ષ સુધીના તમામ લોકોને કોરોનાની રસી મફતમાં આપવાની અને દેશના 80 કરોડ ગરીબ લોકોની જઠરાગ્ની ઠારતો અતિ મહ્ત્વદાયી નિર્ણય કર્યો છે. મફત રસી અને મફત અનાજ અર્થતંત્રને વેગવંતુ કરી દેશે તેમાં કોઈ બેમત નથી. મોદી સરકારના આ નિર્ણયની પ્રત્યક્ષ કે પરોક્ષપણે અસર અર્થતંત્ર પર પડશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની મુદત દિવાળી સુધી વધતા ગરીબો સુધી અનાજ મફતમાં પહોંચશે.
આનાથી લોકોની ઘરેલુ બચત વધશે તો સામે બચત વધતા ખરીદ શક્તિમાં વધારો થશે. અને અંતે બજારમાં રૂપિયાની તરલતા વધતા અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં મોટી મદદ મળશે. નોંધનીય છે કે આગામી વર્ષ 2022 સુધીમાં ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર ડબલ ડિજિટમાં પહોંચાડવાનો લક્ષ્યાંક સેવાયો છે. આર્થિક નિષ્ણાતોના મતાનુસાર આગામી નાણાકીય વર્ષમાં જીડીપી 9.5 ટકાથી 10 ટકાની વચ્ચે રહેશે તેવો અંદાજ છે. ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત આ લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવામાં એક મોટો ફાળો ભજવશે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે 5 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતુ. કોરોનાકાળમા 9મી વખત વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંબોધિત કર્યા. જેના મહત્વના મુદ્દાની વાત કરીએ જે નીચે મુજબ છે.
કોઈ પણ રાજયએ આઠાના ખર્ચવાના નથી
કોરોના સામે બચવા હાલ રસીકરણ જ જાદુઈ છડી સમાન મનાઇ રહ્યું છે. ત્યારે સંભવિત ત્રીજી લહેર સામે સુરક્ષિત હવા મોદી સરકારે 18 થી 44 વયના તમામ લોકો માટે રસી ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે. રસીકરણનો હવાલો હવે ફરી કેન્દ્રએ હાથમાં લઈ લેતા રાજ્યોએ આઠાના પણ ચૂકવવા પડશે નહીં. કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને મફતમાં રસીનો જથ્થો ફાળવવામાં આવશે. ગઇકાલના રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રસીકરણની જવાબદારી રાજ્ય ઉપર
સોંપાતા ઘણા આક્ષેપો અને પ્રશ્નો પણ ઉઠ્યા હતા. પરંતુ રાજ્યોની સલાહ અનુસાર જ તેમના પર રસીકરણની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ હવે સમગ્ર જવાબદારી કેન્દ્ર ઉપાડશે અને રાજ્યને જરૃરિયાતના પ્રમાણમાં જથ્થો ફાળવશે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 23 કરોડ ડોઝ ફાળવાયા છે.
રસીની રસ્સાખેંચ: મોદીએ દરેક પુખ્ત માટે રસી શા માટે ફ્રી કરી ? આ છે માસ્ટર પ્લાન
ખાનગી હોસ્પિટલો એક ડોઝના રૂ.150થી વધુ નહી વસુલી શકે
મોદી સરકારે રાજ્યોને રસી મફતમાં આપવાની જાહેરાત કરી ખાનગી હોસ્પિટલો માટે પણ ભાવ બાંધણું કરી લીધું છે. ઉત્પાદક કંપનીઓ પાસેથી ખરીદવામાં આવતો જથ્થો 75% સરકાર હસ્તક રહેશે જ્યારે બાકીનો 25% જથ્થો ખાનગી હોસ્પિટલોને ફાળવવામાં આવશે. અને આ માટે ખાનગી હોસ્પિટલો એક ડોઝના રૂ. 150થી વધુ વસૂલી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે 30 એપ્રિલ સુધી ખાનગી હોસ્પિટલમાં કોવીશીલ્ડ અને કોવેક્સિન રસીના એક ડોઝની કિંમત 250 રૂપિયા નક્કી કરવામાં આવી હતી.
તેમાં 150 રૂપિયામાં કેન્દ્ર સરકાર રસીના ડોઝ ખાનગી હોસ્પિટલને આપતી હતી અને 100 રૂપિયા સર્વિસ ચાર્જ લેવાની મંજૂરી હતી. ત્યાર બાદ ખાનગી હોસ્પિટલને સીધી જ રસી બનાવતી કંપનીઓ પાસેથી રસી ખરીદવાની છૂટ મળતા ડાયટેકટ ખરીદવા લાગી. 1 મેના રોજ હોસ્પિટલને કોવીશીલ્ડનો એક ડોઝ 600 રૂપિયામાં મળ્યો. તેના પર 5 ટકા જીએસટી અને સર્વિસ ચાર્જ મળીને 800થી 900 રૂપિયામાં તે લોકને રસી આપી રહી છે. ત્યારે હવે સર્વિસ ચાર્જ રૂપિયા 150થી વધુ વસૂલી શકશે નહીં.
80 કરોડ લોકોની જઠરાગ્નિ ઠરશે
આ સાથે બીજી અગત્યની જાહેરાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદ્દત દિવાળી સુધી વધારી દેવાઈ છે. કોરોના કાળમાં કોઈ વ્યક્તિ ભૂખ્યો ન રહે, દરેક ગરીબને ભોજન મળી રહે તે માટે સરકારે મુદ્દત વધારી છે. સરકારના આ નિર્ણયથી દિવાળી સુધી 80 કરોડ લોકોને મફતમાં અનાજ મળશે.
હાલ વેક્સિન જ આપણું રક્ષા કવચ
કોરોનાકાળમાં 9મી વખતના આ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કોરોનાની બીજી લહેર સામે લડાઈ યથાવત છે. બીજી લહેરમાં પ્રાણવાયુની ખૂબ અછત ઉભી થઈ માંગને સંતોષવા કોઈ કસર નથી છોડાઈ. “કોરોના કવચ” પર ભાર મુકતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે હાલ વેક્સિન જ આપણું રક્ષા કવચ. ભારતમાં રસી ન બની હોત તો કેવી સ્થિતિ ઉભી થઈ હોત તે વિચારવા જેવું છે. ઉત્પાદક કંપની, વૈજ્ઞાનિકોને બિરદાવતા તેમણે કહ્યું કે ખૂબ ઓછા સમયમાં ભારતે પોતાની રસી ઉત્પાદન કરી લીધી. તે ગૌરવની વાત છે. અત્યાર સુધીમાં 23 કરોડ ડોઝ ફાળવાયા છે.
નાકમાં અપાય તેવી રસી ટ્રાયલ હેઠળ
સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે દેશમાં વધુ 3 રસી ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થશે. વિભન્ન પ્રકારની 7 રસી ટ્રાયલ હેઠળ છે. કોરોના સામે નાકમાં પણ અપાતી રસીનું ટ્રાયલ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે રસીકરણની પ્રક્રિયાને લઈ સરકાર પર ઘણાં પ્રશ્નો પણ ઉઠ્યા. કેન્દ્રએ ગાઈડલાઈન તૈયાર કરી રાજ્યોને જવાબદારી સોંપી પરંતુ હવે રસીકરણનો હવાલો હવે કેન્દ્ર જ સંભાળશે. વેકસીનેશનની જવાબદારી રાજ્યો પર નહીં રહે. 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને કેન્દ્ર ફાળવશે મફતમાં રસી ફળવશે. તેમજ રસીનો 25 ટકા જથ્થો ખાનગી હોસ્પિટલને અપાશે.