અબતક, સુરતઃ
કોરોના મહામારીને કારણે સૌથી વધુ ફટકો આર્થિક રીતે પડ્યો છે. લોકડાઉનના કારણે ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. ખાસ કરીને દરરોજનું કમાઇને ખાતા લોકોને વધુ મુશ્કેલી પડી રહી છે. જો કે આવા કપરા સમયમાં સુરત પોલીસ દ્વારા એક સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વર્ષોથી પોલીસ સ્ટેશનમાં ધૂળ ખાઇ રહેલું કરોડો રૂપિયાનું સોનુ તેના મૂળ માલિકને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વાત એવી છે કે પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સપેક્શન દરમિયાન ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઇ કુલદીપસિંહ ઝાલાનું ધ્યાન બેંક લોકરમાં મુકેલા રિકવર થયેલો મુદ્દામાલ પર ગયું હતું. જેમાં અંદાજે એક કિલો સોનાના દાગીના ઘણા સમયથી ધૂળ ખાઇ રહ્યાં હોવાનું ધ્યાને આવ્યું હતું. આ સોનું જે તે સમયે વિવિધ ગુના દરમિયાન આરોપીઓની ધરપકડ બાદ કબજે કરાયેલા મુદ્દામાલ તરીકે હતું. આ સોનાના મૂળ માલિકને મળી રહે તે માટે ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મૂળ માલિકને બોલાવી જરૂરી કાગળો કર્યા બાદ તેઓને સોંપવામાં આવ્યું હતું.
2006માં કાપડ વેપારી કિશનભાઇના પત્નીની 3 તોલાની ચેઇન ભટાર પાસેથી તોડી ગયા હતા. આ કેસમાં આરોપી મુદ્દામાલ સાથે પકડાયા હતા. ઉમરા પોલીસે સામેથી જાણ કરી પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. ત્યારબાદ ગાયત્રીબેન મુદ્દામાલ છોડાવવા માટે ગયા હતા અને પોતાનો સોનાનો ચેઇન પરત મેળવ્યો હતો. પોલીસ ટીમ દ્વારા અંદાજે 25 જેટલા લોકોને પોતાનું સોનું લઇ જવા ફોન કરી બોલાવવામાં આવ્યા હતા જેમાંથી પાંચ લોકો દાગીના લેવા પોલીસનો સંપર્ક કર્યો હતો.
અમે તો આશા જ છોડી દીધી હતી !
અન્ય ઘટનાની વાત કરીએ તો ઘોડદોડ રોડ પર રહેતાં કાપડના વેપારી નીતિનભાઇ ગુપ્તાનું કહેવું છે કે અમે તો સોનાનો ચેઇન પરત મળવાની આશા જ છોડી દીધી હતી પરંતુ પોલીસમાંથી ફોન આવતાં ખુશીનો કોઇ પાર રહ્યો નથી. વર્ષ 2005માં નીતિનભાઇની પત્ની ગળામાંથી અંદાજે 25 હજારની કિંમતના 4 તોલાના ચેઇનની સ્નેચિંગ થઇ હતી. આજે આ ચાર તોલાની કિંમત બે લાખની આસપાસ છે. ત્યારે કોરોનાના કપરાકાળમાં સોનુ પરત મળતાં ખુશીનો કોઇ પાર રહ્યો નથી.