રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજથી શાળા અને યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે ત્યારે સામાન્ય રીતે નવા સત્રના પ્રથમ દિવસે સ્કૂલમાં વિદ્યાર્થીઓને નવા ધોરણનો પરિચય અને રમત-ગમત કરાવતા હોય છે પરંતુ હાલ કોરોનાની મહામારીમાં સૌથી વધુ મહત્વની વાત વેક્સિન હોવાથી આજથી શહેરની મોટાભાગની સ્કૂલો અને યુનિવર્સિટીના ભવનોમાં તેમજ કોલેજોમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન વેક્સિનના પાઠ ભણાવવામાં આવ્યા હતા.
સ્કૂલમાં શિક્ષકો અને યુનિવર્સિટીમાં ઉપકુલપતિએ 18 થી વધુ ઉંમરના લોકોને વેક્સિન લેવા પ્રેરણા આપી હતી. તેમજ વેક્સિનના લાભા-લાભથી માહિતગાર કર્યા હતા. કોરોના મહામારીના કારણે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી ધો.3 થી 12ના વિદ્યાર્થીને આજથી શરૂ થતાં નવા શૈક્ષણિક સત્ર દરમિયાન ઓનલાઈન શિક્ષણ આપવા જણાવ્યું હતું. કોરોના કેસ કાબુમાં આવ્યા બાદ 50 ટકા વિદ્યાર્થીઓની હાજરી સાથષ વર્ગ શરૂ કરવા મંજૂરી આપવા પણ શાળા સંચાલકો જણાવી રહ્યાં છે.
સ્કૂલ ફી વધારો, એડવાન્સ ફી, એડમીશન, માર્કશીટ સહિતના જુદા જુદા મુદ્દે સ્કૂલ અને વાલીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદો વચ્ચે આજથી શાળામાં નવું ઓનલાઈન સત્ર શરૂ થયું છે. ઉનાળા વેકેશન બાદ ફરી વિદ્યાર્થીને સ્કૂલના બદલે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી જ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો જો કે શિક્ષકોને સ્કૂલે આવવાનું નક્કી કરાયું છે. સૌ.યુનિ. તેમજ રાજકોટની 1000થી વધુ સ્કૂલમાં આજે શિક્ષકો રૂબરૂ આવી વિદ્યાર્થીને વેક્સિન અંગેના પાઠ ભણાવ્યા હતા અને વેક્સિન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
કોરોના વેક્સિન લઈએ અને સુરક્ષીત બનીએ: ડો.વિજય દેસાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ 4 જૂનથી તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ આશરે 1200થી વધુ કેન્દ્રો પર વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે.
આજથી તમામ શાળા કોલેજના વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ શરૂ થયું છે ત્યારે ભવન અને કોલેજના આચાર્ય, પ્રધ્યાપકો અને અભ્યાસ કરતા વિદ્યાર્થીને અપીલ છે કે કોરોના મહામારી સામે રક્ષણ આપતી વેક્સિન નજીકના કેન્દ્ર પર રજિસ્ટ્રેશન કરાવી અવશ્ય લેવા અપીલ કરી છે. આજે યુનિવર્સિટીના સત્રનો પણ પ્રારંભ થયો છે ત્યારે ભવનના પ્રોફેસર અને મેં ખુદે પણ વિદ્યાર્થીઓને વેક્સિન લેવા અને વેક્સિન લેવાથી થતાં લાભાલાભ અંગે માર્ગદર્શન આપ્યું હતું.