મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે રાજકોટ મહાનગરપાલિકા અને રૂડાના રૂ.૨૩૫ કરોડના વિકાસકામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોની મકાન, પાણી, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, વાહન વ્યવહાર, શિક્ષણ વગેરે જેવી તમામ પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા રાજ્ય સરકાર સદા સંકલ્પબદ્ધ છે.
કોરોનાકાળમાં ગુજરાતમાં ૩૦ હજાર કરોડના વિકાસ કામો કર્યા :મુખ્યમંત્રી
કોરોનાની ત્રીજી સંભવિત લહેરનો સામનો કરવા માટે રાજ્યસરકાર સંપૂર્ણ સજ્જ અને સજાગ છે. તથા પ્રતિદિન 3 લાખ નાગરિકોનું વેક્સિનેશન કરવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
રાજ્યસરકારે કોરોના અટકાયત કામગીરી સાથે સમાંતર રીતે વિકાસ કામોની ગતિ પણ અવિરતપણે ચાલુ રાખી છે. કોરોનાના છેલ્લા દોઢ વર્ષના કપરા કાળમાં પણ રાજ્ય સરકારે અંદાજે રૂ. ૩૦ હજાર કરોડથી વધુ રકમના વિકાસ કામો રાજ્યની જનતાને સમર્પિત કર્યા છે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા રાજ્ય સરકાર સજ્જ, રોજ ૩ લાખ લોકોને કોરોના વેકસીન આપી સિરક્ષિત કરવા પ્રયત્નશીલ:વિજયભાઈ રૂપાણી
મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના કેન્દ્ર સમા રાજકોટને જરૂરિયાત મુજબની આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવાનો સંકલ્પ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કોરોનાનો બીજો વેવ લગભગ નિયંત્રિત થઈ ગયો છે અને કેસોમાં ઘટાડો આવી રહ્યો છે ત્યારે લોકોએ પણ આગળ આવીને વેક્સિનેશન અવશ્ય કરાવવું જ જોઈએ.
શહેરમાં રસ્તા, બગીચા, ડ્રેનેજ, પાણી પુરવઠા સહિતના વિકાસ કામોની સુવિધા લોકોની આકાંક્ષા અને અપેક્ષા મુજબ થતા રહે તે ખુબ જ જરૂરી છે. જેમ રાજાનો કુંવર દિવસ ન વધે તેટલા રાત્રે વધે તે રીતે વિકાસ કામો પણ દિવસે ન વધે તેટલા રાત્રે વધે છે. રૂડા અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ સલામતીના પગલાં સાથે વિકાસકામો ચાલુ રાખવામાં આવ્યા છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કલ્પના મુજબ લાઈટ હાઉસ પ્રોજેક્ટ દેશના જુદા જુદા રાજ્યના ૬ શહેરોમાં ચાલુ કરાયેલ છે. તાજેતરમાં તેનો રીવ્યુ લેતા, ફક્ત ગુજરાતમાં જ ખુબ ઝડપી ગતિએ આ પ્રોજેક્ટ આગળ ધપી રહ્યો છે, જયારે અન્ય રાજ્યોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટની કામગીરી અત્યંત ધીમી છે. આ માટે રાજકોટ મહાપાલિકા ખરેખર અભિનંદનને પાત્ર છે.
રાજકોટને મોડર્ન અને સ્માર્ટ સિટી બનાવવાની પ્રક્રિયામાં મુખ્યમંત્રીનો સિંહફાળો: મેયર ડૉ.પ્રદિપ ડવ
રાજકોટને અટલ સરોવર સ્વરૂપે એક નવું નઝરાણું ઘણા વર્ષો બાદ મળેલ છે. આજે ખાતમુહુર્ત કરવામાં આવેલ છે તે ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ થનાર પાણીથી અટલ સરોવર કાયમી છલોછલ રહેશે. રાજકોટમાં એરપોર્ટ, એઈમ્સ, વિગેરે જેવા ખુબ મોટા પ્રોજેક્ટના કામો પણ ઝડપથી ચાલુ જ છે, ત્યારે તેને જોડતા રસ્તાનું કામ જરૂરી છે. આ ઉપરાંત, લોકો રેલ્વે દ્વારા પણ એઈમ્સ પહોંચી શકે તે માટે ખંઢેરી રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ તથા સુવિધા વધારવાનું કામ ચાલુ છે.
લોકોને રોટી, કપડા અને મકાનની જરૂરિયાત હોય છે. લોકો રોટી અને કપડા તો મેળવે છે ત્યારે લોકોની માથે છત આપવાનો સરકારનો સંકલ્પ પરિપૂર્ણ કરવાની દિશામાં વહીવટી તંત્ર આગળ ધપી રહ્યું છે. આજે ડ્રોમાં જે લોકોને મકાન મળેલ છે તેમને અભિનંદન તથા જેમને મકાન મળેલ નથી તેમને નજીકના ભવિષ્યમાં મકાન મળે તેવી શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે મેયર ડૉ.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, છેલ્લા સવા વર્ષથી સમગ્ર માનવજાત કોરોના વાયરસનો મુકાબલો કરી રહી છે. કોઈએ ક્યારેય ના નીહાળી હોય તેવી આ અભૂતપૂર્વ મહામારીએ વિવિધ ક્ષેત્રોમાં અનેક પડકારો સર્જી દીધા. આપણે જાણીએ છીએ કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સફળ નેતૃત્વ હેઠળ શક્ય તેટલા તમામ સંસાધનો કોરોનાનો મુકાબલો કરવા માટે કામે લગાવી દીધા. આવી સ્થિતિ વચ્ચે ભાજપની દુરદર્શી સરકારે સમાજના હિતમાં વિકાસના યજ્ઞની જ્યોત પણ પ્રજવલ્લીત રાખવામાં નોંધપાત્ર કામયાબી હાંસલ કરી છે. રાજકોટમાં કોરોનાકાળ વચ્ચે પણ વિકાસકાર્યોને ગતિમાન રાખવા રાજ્ય સરકારના સહકાર સાથે રાજકોટ મહાનગરપાલિકા એ સતત કાળજી લીધી છે. મુખ્યમંત્રી આપણા શહેરને મોડર્ન અને સ્માર્ટ સિટી બનાવવાની ખુબ ઝડપથી ચાલી રહેલી પ્રક્રિયામાં ખુબ મહત્વની ભૂમિકા સાથે સિંહફાળો આપી રહ્યા છે.
મુખ્યમંત્રીના હસ્તે આજે રાજકોટ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.જેમાં મહાપાલિકાના રૂ.૩૪૦.૩૦ લાખના વિકાસ કાર્યોના લોકાર્પણ તથા રૂ.૩૪૨૮.૭૦ લાખના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ.૧૧૮૦૦ લાખના ખર્ચે નિર્માણાધીન લાઈટ હાઉસ પ્રોજેક્ટના ૧૧૪૪ આવાસોનો ડ્રો કરાયો હતો.
આ ઉપરાંત, રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના વિવિધ વિકાસ કાર્યોમાં રૂ.૪૩૨ લાખના ખર્ચે એઈમ્સને જોડતા ૩૦ મી. ૪-લેન રોડ અને આ રોડ પર રૂ.૪૮૬ લાખના ખર્ચે તૈયાર થનાર રીવરબ્રિજનું ખાતમુહૂર્ત યોજાશે. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.૬૭૬૩ લાખના ખર્ચે નિર્માણ પામી રહેલા ઇડબ્લ્યુએસ-૧,ઇડબ્લ્યુએ-૨ એલઆઈજી અને એમઆઈજી કેટેગરીના કુલ ૬૧૪ આવાસોનો ડ્રો કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા,રાજ્ય સભાન સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા ઉપસ્થિત રહ્યા હતા.