વરસાદી માહોલ વચ્ચે કચ્છમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના 4 આંચકા અનુભવાયા હતા. જેમાં રાપર, ફતેગઢ, દુધઈની ધરા ધ્રુજી હતી. આજે મોડીરાત્રે ભચાઉમાં 1.5ની તિવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
રાપર, ફતેગઢ, દુધઈ અને ભચાઉની ધરા ધ્રુજી
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે 2:35 કલાકે કચ્છના રાપરથી 16 કિ.મી. દૂર 1.6ની તિવ્રતાનો આંચકો વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો. ત્યારબાદ સાંજે 6:39 કલાકે કચ્છના ફતેગઢથી 13 કિ.મી.દૂર 1.7ની તિવ્રતાનો આંચકો સાઉથ-સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો. ત્યારબાદ રાત્રે 8:26 કલાકે કચ્છના દુધઈથી 23 કિ.મી. દૂર નોર્થ-નોર્થ ઈસ્ટ ખાતે 1.6ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો અને આજે મોડીરાત્રે 3:27 કલાકે કચ્છના ભચાઉથી 24 કિ.મી. દૂર 1.5ની તિવ્રતાનું કેન્દ્ર બિંદુ નોર્થ-નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું.
વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ આ આંચકા સામાન્ય હોય લોકોએ ગભરાવવાની જરૂર નથી. આ આંચકા અવાર-નવાર આવતા રહેશે આ આંચકાથી કોઈ નુકશાન થવાની ભીતિ નથી. છેલ્લા 24 કલાકમાં કચ્છમાં અનુભવાયેલા આંચકાથી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.