હાલ ભારત સહિત વિશ્વભરના તમામ દેશો કોરોના મહામારી સામે જજુમી રહ્યા છે. પરંતુ ભારત સામે તો આ વૈશ્ર્વિક મહામારી કરતા પણ એક મોટી મુશ્કેલી, આંતરરાષ્ટ્રીય સંબંધોનો સંઘર્ષ એક મોટો પડકાર સમાન ઉભો છે. કોરોના વાયરસના ફેલાવાને તો રોકી શકાશે પણ સરહદ પર ધોળા રહેલું ઝેર પ્રસરતું રોકવા મોદી સરકાર માટે આકરૂ બનશે.મોદી 7.0… વડાપ્રધાન નરેન્દ્રમોદીની વડપણ હેઠળની સરકારે રીઝર્વ બેંક સાથે સાથે સમન્વયથી નિર્ણય લઈ અર્થતંત્રને તો ફરી વેગવંતુબનાવવા કમર કસી છે. અને તેના પરિણામ સ્વરૂપે આગામી નાણાંકીય વર્ષલ 2022માં દેશનો જીડીપી 10 ટકાએ પહોચી જશે તેમ નિષ્ણાંતોએ એકમત વ્યકત કર્યો છે. સાત વર્ષની થયેલી મોદી સરકારે અર્થતંત્રને મજબૂતાઈ આપવા જે નિર્ણય લીધશે એ જ પ્રકારે નિર્ણયો હવે દેશની સૂરક્ષા અખંડિતતા અને સાર્વભોમત્વને માટે લેવા પડશે જેમ અર્થતંત્રની ગાડીને પૂરપાટ ઝડપે દોડાવવા સાત પગલા આકાશ તરફ માંડયા બાદ હવે ભારતને જમીની સરહદથી જોડાયેલા સાત દેશો વચ્ચે અડીખમ ઉભો રાખવા પણ ‘સાત પગલા આકાશ તરફ માંડવા’ મોદી સરકાર માટે જરૂરી બન્યા છે.
હાલ કોરોના મહામારી સહિતના વિવિધ પ્રશ્ર્ને ભારતમાં આંતરિક સ્થિતિ તો વધુ કકળાટભરી બની છે. પણ આ સાથે બાહ્ય સ્થિતિ પણ વિકટ બનતી જઈ રહી છે. જેને અંકુશમાં લાવવા આગામી સમયમા મોદી સરકાર દ્વારા મોટા પગલા ભરાય તેવી પ્રબળ સંભાવના છે. ભારત જમીની સરહદથી સાત દેશો સાથે જોડાયેલો છે. અને તેમા પણ ‘માથાના દુ:ખાવા’ સમાન બે દેશ એટલે કે એક બાજુ પાકિસ્તાન અને બીજી બાજુ ચીન, પાકિસ્તાન સાથે તો આઝાદી વખતથી ખેંચતાણ ચાલી રહી છે. પરંતુ છેલ્લા દોઢ બે વર્ષથી ચીન સાથે પણ સંઘર્ષ વધુ ગહેરો બનતો જઈ રહ્યો છે. નેપાળ, બાંગ્લાદેશમાં પણ ડ્રેગનના કારણે ભારત વિરોધી સૂર પ્રસરે તેવી શકયતા છે. તોબીજી બાજુ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો મુદો પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાનોથી રક્ષણ માટે અમેરિકાએ તૈનાત કરેલા સૈન્યને પાછુખેંચી લેવાતા ભારતની મુશ્કેલીમાં વધારો થયો છે. તાલિબાનીઓનાં અફઘાનમાં કબ્જા સામે ભારત સદૈવ અફઘાનિસ્તાનની પડખે રહ્યું છે. આમાં અમેરિકાનો એક મોટો સાથ હતો પણ હવે અમેરિકાએ સૈન્ય પાછુ ખેંચતા અફઘાનમાં તાલિબાનોનો પગપેસારો વધુ ઝડપથી થઈ રહ્યો છે. આ તો ભારત માટે એક પડકાર છે. પણ આ સાથે ઈરાન સાથે મળી ઉભુ થઈ રહેલું અતિ મહત્વનું એવું ચાબહાર પોર્ટને લઈ પણ મુશ્કેલીઉભી થશે. આમ, ભારત માટે હવે, સાત કોઠા વિંજવા જેવી સ્થિતિ ઉભી થઈ છે.
સરહદે પાકની નાપાક હરકતોની સાથે હવે ડ્રેગનની અવળચંડાઈ પણ વધતી જઈ રહી છે. એમાં પણ પહેલેથી જ ભારતનો પરમ મિત્ર રહેલ દેશ રશિયાએ એનર્જી સહિતના ક્ષેત્રોમાં પાકિસ્તાન સાથે હાથ મિલાવતા ભારતની મુશ્કેલી વધુ વધી શકે છે. ચીન પણ એનકેન પ્રકારે પાકિસ્તાનનો પક્ષ જ તાણતું રહ્યું છે. અફઘાનમાં તાલિબાનોના પ્રશ્ર્ન મુદે અમેરિકાનો પક્ષ રાખતા ભારત સામે મિત્ર દેશ રશિયાને પેટમાં દુ:ખાવો ઉપડયો હોય તેમ પાક સાથે હાથ મિલાવી રહ્યું છે. જણાવી દઈએ કે, રશિયા અને અમેરિકા વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવગ્રસ્ત સ્થિતિ છે. તો મહાસતા બનવાની દોટમાં ચીનને પણ અમેરિકા સામે સંઘર્ષ છે. આવામાં દક્ષિણ એશિયાઈ ક્ષેત્રોમા અને ખાસ ભારતના પાડોશી ક્ષેત્રોમાં ચીનન પગપેસારા અને અવળચંડાઈને રોકવા અમેરિકાની પડખે ઉભુ રહેવું આવશ્યક છે.
કોરોના ઉદભવ્યાના પ્રશ્ર્નને લઈને વિશ્વ આખુ ચીન સામે લાલઆંખ કરી ઉભું છે અમેરિકાએ તો સ્પષ્ટ દાવો ઠોકયો છે કે કોરોના પાછળ જવાબદાર ચીન જ છે. અને આ માટે તેને ભોગવવું જ પડશે. મહાસતા બનવાની દોટઅને દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં સૌથી વધુ ઝડપથી ઉભરી આવતા ભારતને પછાડી પાડવાના સતત પ્રયાસમાં રહેતા ચીન ભારતીય ઉપખંડમાં ઘણા દેશોમાં ભારત વિરોધી સૂર પ્રસરાવી રહ્યું છે. જેનાં કારણે નેપાળ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, મ્યાનમાર અને ભુતાન જેવા પાડોશી દેશમાં આંતરરાષ્ટ્રીય સંબંધો સાચવવા ભારત માટે અધરા બની રહ્યા છે. આથી ડ્રેગનના આ દુષણને અટકાવવા પગલા લેવાની તાતી જરૂરીયાત ઉભી થઈ છે.
સરહદે પાક હોય કે ડ્રેગન પણ સલામતી સાથે ભારતને સાતેય દેશો વચ્ચે અડીખમ ઉભો રાખવા મોદી સરકાર ‘સાત પગલા આકાશ તરફ’ માંડી મહત્વના નિર્ણયો લે તે જરૂરી બન્યું છે.