જેતપુરમાં રવિવારે એક ગોઝારી ઘટના ઘટી હતી. જેમાં ગરમીથી કંટાળી ત્રણ મિત્રો નારપાટ નદીમાં નાહવા ગયા હતા. જ્યાં નદીમાં ડૂબી જવાથી ત્રણેય જુવાનજોધ મિત્રના મોત થયા છે. એક મિત્ર પાણીમાં ડૂબવા લાગતા અન્ય બે બચાવવા ગયા પરંતુ તરતા ન આવડતું હોવાથી ત્રણેય મિત્રોના કરુણ મોત નિપજતા પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જેતપુર શહેરના ખીરસરા રોડ પર આવેલા નારપાટ ચેકડેમમાંથી એક અજાણ્યો યુવાનની લાશ તરતી હોવાનું સીટી પોલીસને જાણ થતાં પોલીસે મૃતકની લાશ પાણીમાંથી બહાર કઢાવી હતી. પરંતુ ઘટના સ્થળ પરથી બે મોટર સાયકલ સહિત મોબાઈલ મળી આવ્યા હતા. જેથી પોલીસે બંને મોટર સાયકલ અને મોબાઈલ પોલીસ સ્ટેશન લઈ મૃતકની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડી હતી અને પોલીસે મૃતક યુવાનનો ફોટો ઓળખાણ મેળવવા માટે સોશિયલ મીડિયામાં વાયરલ કરતા મૃતકની તરત જ ઓળખ થઈ ગઈ હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક જેતપુરના જીન પ્લોટ વિસ્તારમાં રહેતો સાહિલ ધર્મેશભાઈ મકવાણા(ઉ.વ. 19) નામના યુવાનની ઓળખ થઈ હતી. જ્યારે ત્યાંથી મળેલ બે મોટર સાયકલ અને મોબાઈલ સ્થળ પરથી પોલીસને એવું જાણવા મળ્યું હતું કે, મૃતક સાથે તેમના મિત્ર પંકજ કિશોરભાઈ વાસવાણી (ઉ.વ.21) અને મતવા શેરીમાં રહેતો સુમિત પ્રકાશભાઈ સોલંકર મરાઠી (ઉ.વ.22) નામના બે યુવાનો પણ સાથે ન્હાવા ગયા હતા અને તે બંને તેમના ઘરે હજુ સુધી આવ્યા ન હતાં. જેથી આ બંને યુવાનો ચેકડેમમાં પાણીમાં જ હશે કે બીજે ક્યાંય? તે એક મોટો પ્રશ્ન સર્જાયો હતો.
પોલીસે શંકાના આધારે ચેકડેમમાં તપાસ કરતક અન્ય બે મિત્રોના પણ મૃતદેહ નદીમાંથી મળી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ત્રણેય મિત્રો અસહ્ય ગરમીના કારણે નદીમાં નાહવા ગયા હતા. જ્યાં એક મિત્ર ડૂબવા લાગતા અન્ય બે મિત્રોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એકેય મિત્રોને તરતા ન આવડતું હોવાથી ત્રણેય પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જુવાનજોધ યુવાનોના મોતથી પરિવારમાં કાળો કલ્પાંત છવાઈ ગયો છે.
આ અંગે જાણવા મળતી વધુ વિગત મુજબ મૃતકોમાં સાહિલ અને પંકજ તેમના માતાપિતાનું એકમાત્ર સંતાન હતાં. જ્યારે સુમિત બે ભાઈઓ છે. જેમાં સુમિત તો હાલ સુરત ખાતે રહે છે તે ચારેક દિવસ પૂર્વે જ જેતપુર આવ્યો હતો અને બે દિવસમાં સુરત નીકળી જવાનો હતો. પરંતુ તે પહેલાં જ યુવાન કાળને ભેટતા પરિવારમાં આક્રંદ છવાયો છે. ઘટના બાદ સરકારી હોસ્પિટલમાં એક મૃતદેહ પીએમમાં હતો ત્યાં બીજા બે મૃતદેહ આવતા પહેલાથી જ ઉપસ્થીત મૃતકોના સ્વજનો કરૂણ આક્રંદે ચડ્યા હતા. સરકારી હોસ્પિટલના ચોગાનમાં ગમગીની છવાય ગઈ હતી.