સેરેના વિલિયમ્સે ચોથા રાઉન્ડમાં એલિના રિબાકિના વિરુદ્ધ સતત સેટોમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ હારની સાથે અમેરિકાની દિગ્ગજ ટેનિસ ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
અમેરિકાની દિગ્ગજ મહિલા ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ ફ્રેન્ચ ઓપનમાં અસપેટનો શિકાર બની છે. તેને ગ્રાન્ડસ્લેમના ચોથા રાઉન્ડમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. કઝાકસ્તાનની એલિના રિબાકિનાએ ૬-૩, ૭-૫ થી જીત મેળવી સેરેનાને બહારનો રસ્તો દેખાડી દીધો છે. આ સાથે સેરેનાનું કરિયરમાં ૨૪મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવાનું સપનું ફરી તૂટી ગયું છે.
ચોથા રાઉન્ડમાં એલીના રિબાકીએ સેરેનાને આપી મ્હાત: ટુર્નામેન્ટમાંથી બહાર
રિબાકિનાએ પ્રથમ સેટ ૬-૩ થી જીતી સેરેના પર દબાવ વધારી દીધો હતો. ત્યારબાદ બીજા સેટમાં સેરેનાએ વાપસીનો પ્રયાસ કર્યો પરંતુ રિબાકિનાએ સંયમની સાથે આગળ વધતા ૭-૫થી જીત કરી હતી. રિબાકિના પ્રથમવાર કોઈ ગ્રાન્ડસ્લેમના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે.
39 વર્ષની સેરેના કરિયરમાં માર્ગરેટ કોર્ટના ઓલટાઇમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાના રેકોર્ડથી એક ડગલુ પાછળ છે. તે ૨૦૧૬ની ફાઇનલમાં હાર્યા બાદથી આ ગ્રાન્ડસ્લેમના ચોથા રાઉન્ડથી આગળ પહોંચી શકી નથી. રશિયામાં જન્મેલી ૨૧ વર્ષની રિબાકિના હવે અંતિમ-૪માં જગ્યા બનાવવા માટે એનાસ્તાસિયા સામે ટકરાશે.