કોરોના સમયાંતરે તેનો કલર બદલી રહ્યો છે… હવે કોરોના વાયરસની આગામી લહેરમાંથી બચવા રસી જ એક રામબાણ ઈલાજ સમાન મનાઈ રહી છે. હાલ વિશ્વમાં ઘણી બધી અલગ-અલગ પ્રકારની રસીઓ ઉપલબ્ધ છે. અને કોરોના મહામારી સામેની વૈશ્વિક લડાઈમાં જંગ જીતવા ભારત સહિત વિશ્વભરના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરોશોરમાં શરૂ થઈ ગઈ છે. તમામને કોરોના કવચ આપી વાયરસ સામે સુરક્ષિત કરવા કમર કસી છે. ત્યારે કેરળ, તમિલનાડુ અને ગોવા જેવા રાજ્યોની સરકારે દરિયો ખેડતા, નાવિકોને રસીકરણમાં પ્રાધાન્યતા આપવાનો નિર્ણય કરાયો છે.
આ અંગે માહિતી આપી શિપિંગ પ્રધાન મનસુખ માંડવીયાએ રસીકરણ માટે રાજ્યની ‘અગ્રતા સૂચિ’માં સીફેરર્સ (નાવિકો)નો સમાવેશ કરવા માટે રાજ્યોનો આભાર માન્યો છે. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી મનસુખ માંડવીયાએ દરિયાકાંઠિયાઓના વિસ્તારો અને નાવિકોને માટે રસીકરણની સ્થિતિની સમીક્ષા કરી છે. મંત્રી માંડવીયાએ સૂચવ્યું હતું કે દરિયાકાંઠાના ઉદ્યોગને અડચણ ન આવે અને કોરોના કવચ મળે તે માટે તેમને રસીકરણમાં પ્રાધન્યતા આપવી જરૂરી છે. આથી તેઓને પહેલા રસી અપાવવાના તમામ પ્રયત્નો કરવા જ જોઈએ.
વૈશ્વિક દરિયા કિનારા ઉદ્યોગમાં ભારતની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. આથી તેમના કામની કૃતિને ધ્યાનમાં રાખીને દરિયો ખેડનારા, નાવિકોને રસીકરણ અભિયાનમાં ‘પ્રાધાન્યતા’ આપવી જોઈએ તેમ શિપિંગ મંત્રાલય દ્વારા માંગ કરાઇ હતી. અને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયએ અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે સક્રિયપણે સંકલન કર્યું હતું.
જેના પગલે મંત્રાલય દ્વારા મુખ્ય બંદરો પર રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, કોચિન બંદર ટ્રસ્ટ, ચેન્નાઈ પોર્ટ ટ્રસ્ટ, વિશાખાપટ્ટનમ પોર્ટ ટ્રસ્ટ, કોલકાતા પોર્ટ ટ્રસ્ટ અને તુતીકોરિન પોર્ટ ટ્રસ્ટ સહિતના છ મોટા બંદરો પર તેમની બંદર હોસ્પિટલમાં રસી આપવાની શરૂઆત થઈ ગઈ છે. તદુપરાંત, કેરળની એક ખાનગી હોસ્પિટલ પણ નાવિકોના રસીકરણ માટે તૈયાર કરવામાં આવી છે. MASSA, FOSMA and NUSI જેવા સીફેરીંગ યુનિયન/ એસોસિએશનોએ પણ રસીકરણ માટે સફળતાપૂર્વક વિશેષ શિબિરોનું આયોજન કર્યું છે.