સમય, કાળ અને સ્થિતિ ક્યારેય યથાવત રહેતી નથી… એક જમાનો હતો કે, નાના, ગરીબ અને મધ્યમ વર્ગના મહેનતકશ લોકો પૈસાદાર થવા માટે દુબઈ જવાનું સપનું જોતા હતા, હવે પૈસાવાળા થઈને લોકો દુબઈ જાય છે. હિન્દી ફિલ્મ ‘નામ’માં દુબઈની ચકાચૌધથી અંજાઈને જતા ભારતીય યુવાનોની અવદશાનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. ફિલ્મના નાયક સંજય દત્ત ઘરમાં ખોટા સિક્કા જેવી પરિસ્થિતિમાં રહેલો ‘વીકી’ પૈસાદાર થવા દુબઈ જતો બતાવાય છે. હવે દુબઈના પવન બદલાયા હોય તેમ કામદારોને નહીં પણ માલેતુજારોની જરૂરીયાત ઉભી થઈ હાયે તેમ સંયુક્ત આરબ અમીરાતે ભારતીય માલેતુજારોને દુબઈમાં ઠરીઠામ થવા ગોલ્ડન વિઝાની સ્કીમમાં રૂા.10 કરોડના ઓછામાં ઓછા રોકાણની સમર્થતા ધરાવતા લોકોને 5 થી 10 વર્ષના શરતી વિઝા આપીને ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને અન્ય વ્યક્તિગત સક્ષમ લોકોને ભારતમાંથી દુબઈમાં વસાવવા માટે ‘શેખ’ સરકારે લાલ જાજમ પાથરી છે.
દુબઈ સરકારની ગોલ્ડન વિઝા સ્કીમમાં 10 કરોડની ઓછામાં ઓછી રોકાણ ક્ષમતા કરવા ઈચ્છતા લોકોને 5 થી 10 વર્ષના વિઝા આપવાની ગોલ્ડ વિઝા યોજનાએ ઘણા લોકોનું દુબઈનું સપનું પૂરું થશે પણ દુબઈમાં હવે માલેતુજારોને જ પગપેસારાની તક મળશે.
ગયા અઠવાડિયે ભારતીય વિદ્યાર્થી કેરેલાના તસ્નીમ અસ્લમને દુબઈનો 10 વર્ષનો ગોલ્ડન વિઝા કોઈપણ જાતના સ્પોન્સર વગર ભણવા માટે અપાયો હતો. આ યોજના 2019માં સંયુક્ત આરબ અમીરાત સરકારે ભારતીયો અને અન્ય વિદેશી મોટા ઉદ્યોગપતિઓને પોતાના દેશમાં આવવા અને રોકાણ કરવા આકર્ષવા માટે બનાવી છે. તસ્નીમ એ એક હોશિંયાર, હોનહાર વિદ્યાર્થી છે તે ઈસ્લામીક સરીયામાં અલકાશિમ યુનિવર્સિટીમાં ટોપર છે. તે ખુબજ સારૂ ભવિષ્ય ધરાવે છે. તેની સાથે સાથે સંજય દત્તે પણ ગયા અઠવાડિયે ગોલ્ડન વિઝા મેળવ્યો હતો. તસ્નીમ હવે ભણવા માટે તેના મા-બાપ સાથે દુબઈ રહી શકશે. થોડા મહિના પહેલા દુબઈ સરકારે કેટલાંક રોકાણકારો અને બિઝનેશ ટાઈકુનને સમગ્ર વિશ્ર્વમાંથી ગોલ્ડન વિઝાની તક આપવાનું જાહેર કર્યું હતું. ભારતીય રોકાણકારોની વાત છે ત્યાં સુધી ભારતના મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓમાં અખાતના દેશો અને ખાસ કરીને દુબઈનું સારૂ એવું આકર્ષણ છે. ભારતના વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં દુબઈમાં રહેવું સ્ટેટસ સિમ્બલ બની રહ્યું છે.
દુબઈ અત્યારે સંયુક્ત આરબ અમીરાત સરકારના ઉદાર પગલાના કારણે ગ્લોબલ બિઝનેશનું એક ખુબજ સારૂ વાતાવરણ બની રહ્યું છે. તેમાં ભારતીય ઉદ્યોગપતિઓ અને ધંધાર્થીઓ માટે સૌથી સાનુકુળ બની રહ્યું છે.
માઈગ્રેડ વર્લ્ડ ઈન્ડિયાના સીઈઓ સીવાજ રાયનું કહેવું છે કે, ઘણા ભારતીય માલેતુજારો હવે વૈશ્ર્વિક નાગરિકત્વ ધરાવતા થયા છે. રહેવું અને ધંધા કરવા માટેની એક સારી સાનુકુળ જગ્યાની શોધમાં છે. દુબઈ એક સારૂ બિઝનેશ હબ તરીકે ઉભરી આવ્યું છે. ભારતીયો માટે દૂરનું દુર અને નજીકના નજીક જેવા દુબઈની 5 અને 10 વર્ષની ગોલ્ડન વિઝાની આ સ્કીમ ઘણા લોકો માટે દુબઈમાં ધંધો અને રહેવાનું સપનું પૂરું કરશે.
હેન્ડલી એન્ડ પાર્ટનરના ફીલીપ એમરેન્ટેનું કહેવાનું છે કે, ગોલ્ડન વિઝા 5 અને 10 વર્ષની મર્યાદામાં આપવામાં આવી રહ્યાં છે તે સુરક્ષા અને રાકેાણકારની હૈયાધારણા માટે અસરકારક બની રહેશે. અત્યારના સમયમાં વૈશ્ર્વિક મહામારીને લઈને ઘણા લોકો લાંબો સમય સુધી અખાતમાં રહેવાની તરફેણ કરે છે તેવા લોકો માટે આ વિઝા ઉત્તમ વ્યવસ્થા બની રહેશે. ફેડરલ ઓર્થોરીટી ઓફ આઈડેન્ટી અને સિટીઝન સીપ ઓફ યુએઈએ અગાઉ પણ આવી યોજનાઓ જાહેર કરી હતી પરંતુ 2019ની આ વિઝાની પોલીસી ખુબજ અસરકારક બની છે તેમ ઉદ્યોગપતિ યુસુફ ઉલ્લાએ જણાવ્યું હતું. કેરળના યુસુફ ઉલ્લા રિટેલ અને હોટેલ ઉદ્યોગ સાથે મધ્ય-પૂર્વ દેશોમાં વ્યવસાય કરે છે. તેમનું કહેવું છે કે, નવી ગોલ્ડન વિઝા યોજના દુબઈ સરકારની લાંબાગાળાનીર યોજના ગણાય. ભારતના વેપારી બિઝનેશ ટાઈકુન ડો.સમશીર વૈતીલનું કહેવાનું છે કે, દુબઈ સરકારના આ સાહસથી સમગ્ર દુનિયાના લોકો અને ભારતીયોને દેશ બહાર વિકસવાની તક મળી રહેશે. 10 વર્ષના રોકાણ માટે દર વર્ષે વિઝા રિન્યુ કરવાની કળાકુટમાંથી આ સ્કીમ મુક્તિ આપશે.
આર.પી.ગ્રુપના રવી પિલ્લાઈનું કહેવાનું છે કે, ગોલ્ડન વિઝા દુબઈના અર્થતંત્રને વેગવાન બનાવવા માટે ટંકશાળ સાબીત થશે. દુબઈની આર્થિક વ્યવસ્થા સધ્ધર બનશે. કોરોનાની સફળ રસીકરણ ડ્રાઈવ અને દુબઈના પ્રત્યેક નાગરિકને સુરક્ષા કવચ આપવાની કવાયત ત્યાંના રહેવાસીઓને સુરક્ષાના વિશ્ર્વાસ સાથે વિશ્ર્વભરના રોકાણકારોને મહામારી બાદના વિશ્ર્વ માટેનું સલામત સ્થળની પ્રતિતિ કરાવશે. રવી પિલ્લાઈએ વધુમાં જણાવ્યું છે કે, પોતાનો બિઝનેશ અખાતના દેશોમાં વિસ્તર્યો છે ત્યારે 10 વર્ષની રહેવાની આ યોજનાથી દર વર્ષે વિઝા રિન્યુઅલ સહિતની કળાકુટમાં મુક્તિ મળશે અને દુબઈ બેઠા બેઠા ભારત અને આજુબાજુના અખાતના દેશોમાં પોતાનો બિઝનેશ સરળતાથી કરી શકાશે. શ્રી કેમિકલ ટ્રેડીંગના વિધુ ગુપ્તાના મતે આ યોજના પોતે શ્ર્વેતા ગુપ્તાને શારજહામાં રાખવા માટે મદદરૂપ બનશે. 10 વર્ષ સુધી વ્યવસાયકારોને સહપરિવાર અને સહયોગીઓ સાથે દુબઈમાં રહેવાની પરમીશન આપતી આ યોજના આર્થિક રીતે સંયુક્ત આરબ અમીરાત માટે ટંકશાળ અને દુબઈમાં સ્થાયી થવા ઈચ્છતા લોકો માટે સુવર્ણ તક બની રહેશે.
ગોલ્ડન વિઝાના નિયમો
- યુનાઈટેડ આરબ અમીરાત (દુબઈ)ના ગોલ્ડન વિઝા મેળવવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ (https://business.goldenvisa.ae/) અરજદારને જરૂરી દસ્તાવેજો અને દુબઈમાં કંઈ જગ્યાએ રહેવાનું છે અને ધંધાનું સ્થળ ક્યાં હશે તે સંબંધી પુરાવાઓ સાથે જોડવાના રહેશે.
- ઓછામાં ઓછા 10 કરોડ રૂપિયાના મુલ્યની રોકડ, મિલકત અથવા તો પોતાની જ સ્વાયત માલીકીના રોકાણ કે જેમાં લોન લીધેલી ન હોય.
- રોકાણ કરેલી હરગીજ લોનના પૈસામાંથી ઉભી ન કરેલી હોવી જોઈએ અને તમામ સંજોગોમાં રોકાણ અને મિલકત સંપૂર્ણપણે ગોલ્ડન વિઝા મેળવવાની અરજી કરનારની વ્યક્તિગત સંપતિ હોવી જોઈએ.
- ભાગીદારી અથવા તો સંયુક્ત રોકાણમાં નવી કંપનીની સ્થાપનામાં ગોલ્ડન વિઝા મેળવનારની ભાગીદારી ઓછામાં ઓછી 10 કરોડ રૂપિયાની હોવી જોઈએ.
- દુબઈમાં ગોલ્ડન વિઝા મેળવનાર ઉમેદવારને ઓછામાં ઓછા 3 વર્ષ માટેનું રોકાણ કરવું ફરજિયાત
- કુલ રોકાણમાં સ્થાવર મિલકતની કિંમત 60 ટકાથી વધવી ન જોઈએ.
- ગોલ્ડન વિઝા મેળવવાની અરજી કરનાર અરજદાર રોકાણકાર અને વ્યવસાયકારને ઓછામાં ઓછા 6 મહિના પહેલા મલ્ટી એન્ટ્રી વિઝા મેળવીને રહેણાંક સહિતની વ્યવસ્થા અને કાનૂની કાર્યવાહી પૂરી કરવાની રહેશે.
- ગોલ્ડન વિઝામાં રોકાણકાર વ્યવસાયકારો પ્રતિભાશાળી ઈન્ટેલેક્ચ્યુઅલ વ્યવસાયકારો માટે ખાસ કૌશલ્ય અને વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રમાં સંશોધન કરવું હોવું જોઈએ. તેજસ્વી વિદ્યાર્થીઓ કે જે પરિણામદાયી વૈજ્ઞાનિક ઉપલબ્ધીઓ આપવાની ખાતરી આપે તેમને પણ ગોલ્ડન વિઝા મેળવવાનો અધિકાર છે. આવા લોકોને પોત-પોતાના ક્ષેત્રના વિભાગો અને સંબંધીત ખાતાઓની મંજૂરીથી ગોલ્ડન વિઝા મળી શકે.
- આ યોજનામાં આશ્રીત બાળકોની સાથે સાથે એક એક્ઝિક્યુટીવ ડાયરેકટર અને એક સલાહકારને અરજદાર સાથે રહેવાનો અધિકાર મળી શકશે