શહેરના 150 ફુટ રીંગ રોડ પર આવેલા પુનિતનગર પાણીના ટાંકા પાસેથી ચોરાઉ સાથે વણિક શખ્સને માલવીયાનગર પોલીસે બાતમીના આધારે ઝડપી પૂછપરછ કરતા તેને જુગાર રમવાની ટેવ હોવાના કારણે બાઇક ચોરી કરતો હોવાની કબુલાત આપી છે. પોલીસે વણિક શખ્સ પાસેથી રૂા.1.50 લાખની કિંમતના પાંચ બાઇક કબ્જે કર્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર આવેલા બજરંગ પાર્કમાં રહેતા અને પંદર દિવસ પહેલાં જ રાજારામ સોસાયટીમાં રહેતા આવેલા અશ્ર્વિન ઉર્ફે પટેલ મણીલાલ મહેતા નામના વણિક શખ્સ બાઇક ચોરીના ગુનામાં સંડોવાયો હોવાનું અને ચોરાઉ બાઇક સાથે 150 ફુટ રીંગ રોડ પર પુનિતનગરના પાણીના ટાંકા પાસે આવ્યાની બાતમીના આધારે માલવીયાનગર પી.આઇ. કે.એન.ભુકણ, પી.એસ.આઇ. વી.કે.ઝાલા, હેડ કોન્સ્ટેબલ મશરીભાઇ ભેટારીયા, હરપાલસિંહ જાડેજા, ભાવેશભાઇ ગઢવી અને હિતેશ અગ્રાવત સહિતના સ્ટાફે અશ્ર્વિન ઉર્ફે પટેલને ઝડપી લીધો હતો.
અશ્ર્વિન ઉર્ફે પટેલની પૂછપરછ દરમિયાન તેને જુગાર રમવાની ટેવ હોવાના કારણે એક્ટિવા અને એકસેસ ચોરતો હોવાની અને છેલ્લા દસ દિવસમાં જ સંત કબીર રોડ દુર્ગા રેસ્ટોરન્ટ નજીક, ભગીરથ સોસાયટી, શક્તિ સોસાયટી અને ધરાર માકેર્ટ પાસેથી પાંચ ટુ વ્હીલરની ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે રૂા.1.50 લાખની કિંમતના પાંચ ટુ વ્હીલર કબ્જે કર્યા છે. અશ્ર્વિન ઉર્ફે પટેલ મહેતા ભક્તિનગર પોલીસમાં બે વખત જુગારના ગુનામાં ઝડપાયો હોવાનું જાણવા મળે છે.