રાજ્યના ધો.10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ હવે માર્કશીટ મુલ્યાંકન પદ્ધતિ જાહેર કરી છે અને સાથે સાથે એ પણ જાહેર કર્યું છે કે, જુલાઈ માસમાં ધો.10ના પરિણામો વિદ્યાર્થીઓને મળી જશે. ધો.10નું પરિણામ જુન મહિનાના અંતમાં જાહેર કરવામાં આવશે. બાદમાં પરિણામ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવશે.
રાજ્ય સરકારે બનાવેલી 11 સભ્યોની કમીટી દ્વારા ધો.10ના વિદ્યાર્થીઓનું બે ભાગમાં મુલ્યાંકન કરવામાં આવશે. જે મુજબ માર્કશીટ બનાવતી વખતે ધો.9 અને 10ની સામયીક કસોટીના ગુણ ધ્યાને લેવામાં આવશે. ધો.9ની બીજી અને અંતિમ પરીક્ષા સહિત ધો.10ના વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી ધ્યાનમાં લેવામાં આવશે. 100 ગુણ પૈકી 80 ગુણ માટે ધો.9ની સામયીક કસોટી ધ્યાને લેવાશે જ્યારે ધો.9ની બીજી સામયીક કસોટી માટે 20 ગુણ ગણાશે. 50 ગુણમાંથી 40 ટકા ગુણ રૂપાંતરીત થશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ધો.10ના 8.37 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે અને માર્કશીટ જુન મહિનાના અંત સુધીમાં તૈયાર થઈ જશે અને વગર પરીક્ષાએ પરીણામો જુલાઈ મહિનામાં મળી જશે.
ફક્ત 10 દિવસમાં જ સીબીએસઈ ધો.12ના પરિણામ માટે એસેસમેન્ટ પધ્ધતિ કરશે જાહેર!!
જીએસઈબી બોર્ડ દ્વારા ધો.12માં માસ પ્રમોશન બાદ પરિણામ તૈયાર કરવા માટેની ફોર્મ્યુલાની મથામણ ચાલી રહી છે. 100 માર્કસના પરિણામમાં ધો.10નું એસેસમેન્ટ પાયો બનશે. સાથો સાથ શાળામાં લેવાયેલી ટેસ્ટ, યુનિટ ટેસ્ટ, મીડટર્મ અને બાદમાં ફાઈનલ ટર્મ ટેસ્ટ આ તમામ ગુણોનું એક 100 માર્કસનું સ્ટેબલ તૈયાર કરાશે જેમાં દરેક ટેસ્ટ માટે મેળવેલ માર્કસ સાથે ચોક્કસ માર્કસ આ ટેબલ પર મુકાશે.
સીબીએસઈ દ્વારા મોડલ તૈયાર કરી દરેક રાજ્યોને અપાશે. આ મોડલ બન્યા બાદ બોર્ડ સાથે જોડાયેલી દરેક શાળાને તેના દ્વારા જે આંતરીક પરીક્ષા લેવાય છે તેના માર્કસ મોડલ મુજબ ગણાશે. જેના આધારે સોફટવેર આધારે તમામ રાજ્યોમાં ધો.12નું પરિણામ જાહેર કરાશે. આ સમગ્ર પદ્ધતિએ ડેટા બોર્ડના સર્વરમાં દાખલ કરીને માર્કસીટ તેમજ પરિણામ દાખલ થશે.
શિક્ષણ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ સીબીએસઈ દ્વારા આગામી 10 દિવસમાં એસેસમેન્ટના નિયમો અને રૂપરેખા તૈયાર કરી દેવામાં આવશે. જેમાં ધો.10ની જે એસેસમેન્ટ પદ્ધતિથી માર્કશીટ તૈયાર થશે તે છેલ્લા 3 વર્ષના પરર્ફોમન્સના આધારે નક્કી કરવામાં આવશે એ જ ફોર્મ્યુલા ધો.12માં અપનાવવામાં આવશે.