સદભાવનાના વૃઘ્ધાશ્રમ દ્વારા રાજકોટને ગ્રીન સીટી બનાવવાનું અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. આ અભિયાન હેઠળ આ ચોમાસામાં શહેરમાં ર લાખ જેટલા વૃક્ષોનું પીંજરા સાથે વાવેતર કરવામાં આવશે. સાથો સાથ તેના જતનની પણ તકેદારી લેવામાં આવશે. ઉપરાંત આ વર્ષે નવો અભિગમ શરુ કરાયો છે જેમાં કોઇપણ વ્યકિત એક ફોન કરશે એટલે ટીમ તેના ઘરે આવીને વિનામૂલ્યે વૃક્ષારોપણ કરી જશે.
રાજકોટને ગ્રીન બનાવવાના સંકલ્પ સાથે કાર્યરત સદભાવના વૃઘ્ધાશ્રમ આજે દરેક શેરીઓ, મહોલ્લાઓ અને સોસાયટીઓમાં જાણીતું બન્યું છે. ગુજરાતનું સૌથી મોટું સદભાવના વૃઘ્ધાશ્રમ નિરાધાર વડીલોને આશ્રય આપવાની સાથે શહેરને ગ્રીન બનાવવાનું પણ અભિયાન ચલાવી રહ્યું છે. જેને ખુબ જ ટુંકા સમયમાં પ,00,000 વૃક્ષો વિનામૂલ્યે પીંજરા સાથે વાવી તેનું જતન કરાયું છે. વૃક્ષો વાવીને મોટું ભગીરથ કાર્ય કર્યુ છે. વૃક્ષો વાવવા સહેલા છે પણ તેની માવજત કરવી અધરી છે. જયારે આ સંસ્થા દ્વારા વૃક્ષોના વાવેતર સાથે તેને પિંજરાથી રક્ષણ આપવામાં આવે છે અને સાથે જાહેર સ્થળોએ વાવેલા વૃક્ષોને પાણી પીવડાવવા સહિતની કામગીરી કરીને તેના ઉછેરની સઁપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવે છે.
સદભાવના વૃઘ્ધાશ્રમનું ‘ધ ગ્રીન મેન’ તરીકે જાણીતા વિજયભાઇ ડોબરીયા સફળ રીતે સુકાન સંભાળી રહ્યા છે. તેઓએ વડીલોની અને પર્યાવરણની બન્નેની સેવા કરવાના સંકલ્પ સાથે નાની એવી સંસ્થા શરુ કરી હતી. જે આજે ભગીરથ કાર્યોથી વટવૃક્ષ બનીને લોકપ્રિય બની છે. ગુજરાતનું સૌથી મોટું સદભાવના વૃઘ્ધાશ્રમ હાલમાં 260 માવતરની નિ:શુલ્ક સેવા કરી રહ્યું છે. હાલ કોરોનાની મહામારી વચ્ચે પણ વિજયભાઇ ડોબરીયાના માર્ગદર્શન હેઠળ સદભાવના વૃઘ્ધાશ્રમની ફોજ વૃક્ષારોપણની કામગીરી પુરજોશમાં કરી રહી છે.
અત્યાર સુધીમાં સદભાવના વૃઘ્ધાશ્રમ દ્વારા પાંચ લાખ થીવધુ વૃક્ષોનું વાવેતર પીંજરા સાથે કરવામાં આવ્યું છે. સંસ્થા હાલ 70 ટ્રેકટર, ટેન્કડ વડે વૃક્ષોને નિયમિત રીતે પાણી પીવડાવી આ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન પાછળ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે માટે રાજય સરકારે ‘ધ ગ્રીન મેન’ વિજયભાઇ ડોબરીયાનું ‘વન પંડીત’ એવોર્ડથી સન્માન પણ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે આ સંસ્થા દ્વારા રાજકોટમાં આ ચોમાસામાં ર લાખ વૃક્ષો વિનામૂલ્યે પીજરા સાથે વાવેતર કરી તેનું જતન કરાશે. સદભાવના વૃઘ્ધાશ્રમ દરેક જાહેર સ્થળો પર બીનઉપયોગી જગ્યામાં વૃક્ષોનું વિનામૂલ્યે પીજરા સાથે વાવેતર કરીતેનું જતન કરે છે.
વધુમાં દરેક ઘર દીઠ એક વૃક્ષ હોય તેવા પ્રયાસો કરે છે. જે માટે આ વખતે નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેમાં કોઇપણ વ્યકિત મો. નં. 88810 88857 ઉપર ફોન કરશે એટલે સદભાવનાના વૃઘ્ધાશ્રમની ટીમ તેમના ઘરે જઇને ફ્રીમાં પીંજરા સાથે વૃક્ષ વાવી જશે. ગ્લોબલ વોમીંગનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રકૃતિનો ધીમે ધીમે નાશ થઇ રહ્યો છે. ત્યારે માનવ જીવનને બચાવવા હવે એક જ રસ્તો રહ્યો છે તે વૃક્ષારોપણ છે. વૃક્ષ માત્ર માનવજાત પશુ-પક્ષી અને અસંખ્ય જીવોને પણ જીવન બક્ષે છે. હવે વધુમાં વધુ વૃક્ષારોપણ ની આવશ્યકતા છે. તેમાં પણ રાજકોટના શહેરીજનોને વૃક્ષારોપણ અભિયાનમાં સહયોગ આપવા માત્રને માત્ર સદભાવના વૃઘ્ધાશ્રમને એક ફોન કરવાનો છે. બાદમાં ફોન કરનારે માત્ર તેને પાણી પીવડાવવાની જ જવાબદારી ઉઠાવવાની રહેશે.