રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક માં ૫૩ પૈકી ૫૦ દરખાસ્તોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. જ્યારે બે દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર તરફ પરત મોકલવામાં આવી હતી. જ્યારે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ માટેની દરખાસ્ત અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે.શહેરના વૉર્ડ નં.૯માં રૈયા ગામમાં આવેલા રૈયા મુક્તિધામમાં ઈલેક્ટ્રીક અને ગેસની ભઠ્ઠી બનાવવા માટે રૂપિયા ૪ કરોડનું ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.
મંજૂરીની મહોર
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 53 પૈકી 50 દરખાસ્તોને મંજૂરીની મહોર
પેન્ડિંગ
એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ માટે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત અભ્યાસ અર્થે પેન્ડિંગ
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ જણાવ્યું હતું કે,આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૫૦ દરખાસ્તોને મંજૂરીની મહોર મારી રૂપિયા ૧૩.૭૫ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે જ્યારે દુકાન વેચાણની દરખાસ્ત મંજુર કરતા રૂ.૮.૪૬ કરોડની આવક થવા પામી છે.તેઓએ ઉમેર્યું હતુ કે શહેરના વેસ્ટ ઝોન વિસ્તારનો વ્યાપ સતત વધી રહ્યો છે.અહીં વૉર્ડ નં.૯માં આવેલા રૈયા મુક્તિધામમાં ઈલેક્ટ્રીક અને ગેસ આધારિત રીમેસ ફર્નેસ સિસ્ટમ અને સંલગ્ન ઈલેક્ટ્રીક મિકેનિકલ, સિવિલ કામ કરી પાંચ વર્ષ સુધી તેનું ઓપરેશન અને મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવા માટે રૂપિયા ૪ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠક માં ૫૩ પૈકી ૫૦ દરખાસ્તોને મંજૂરીની મહોર: એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ માટે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત અભ્યાસ અર્થે પેન્ડિંગ
રૈયા મુક્તિધામમાં ગેસ અને ઇલેક્ટ્રિક ની ભઠ્ઠી બનાવવાના કામનો કોન્ટ્રાક્ટ સારંગ કન્ટ્રકન્સન નામની કંપનીને આપવામાં આવ્યો છે. કંપની દ્વારા નિયત કરાયેલા આ ભાવથી ૩.૦૬ ટકા ઓછા ભાવે કામ કરી આપવાની ઓફર આપવામાં આવી હતી. આગામી દિવસોમાં રૈયા મુક્તિધામ ખાતે પણ ઈલેક્ટ્રીક અને ગેસની ભઠ્ઠીની સુવિધાઓ ઉપલબ્ધ થશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ ઉપરાંત ન્યારી-૧ ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી ૧૨૧૯ વ્યાસની એમ.એસ પાઇપલાઇન નાખવાના કામ માટે સંપૂર્ણ ડિઝાઇન, એન્જિનિયરિંગ કામ તથા પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્ટ સર્વિસ પૂરી પાડવા માટે કન્સલ્ટન્ટ તરીકે ગાંધીનગરની વાસ્કોપ લિમિટેડ નિમણૂક કરવામાં આવી છે.ન્યારી વોટર વર્કસ વિભાગમાં એસી પ્રેશર પાઈપલાઈનની ખરીદી માટેનો રેટ કોટ્રાક્ટ પણ ફાઇનલ કરવામાં આવ્યો છે. દબાણ હટાવો શાખામાં નવ ઇન્સ્પેક્ટરની જગ્યાનો કાયમી સેટઅપમાં સમાવેશ કરવાની દરખાસ્ત કમિશનર તરફ પરત મોકલવામાં આવી છે.
મોટા મવાથી અવધ કલબ સુધી કાલાવડ રોડ ૧૫૦ ફૂટ સુધી પહોળો કરવા લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર: ન્યારી-૧ ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી ૧૨૧૯ મી.મી એમ.એસ.પાઇપલાઇન નાખવા કન્સલ્ટન્ટની નિમણૂક
આ ઉપરાંત એફોર્ડેબલ હાઉસિંગ કોમ્પ્લેક્ષનો ૨૫ વર્ષ માટે બેંગ્લોરની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત જે અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે.જ્યારે આમ્રપાલી અંડર બ્રિજમાં વરસાદના સમયે પાણી ન ભરાય તે માટે પંપીંગ મશીનરી મુકવા રૂપિયા ૩૫ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.સ્વાન ખસીકરણ હડકવા વિરોધી રસી કરણ અને ડોગ ફ્રેન્ડલી કામગીરી કરવાનો દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટ માટે રૂપિયા ૧.૫૨ કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે.દબાણ હટાવ વિભાગ માટે ટ્રેકટર-ટ્રોલી ખરીદવા માટે ૩૦ લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને આર્થિક મેડિકલ સહાય ચૂકવવા માટે ૨૦ લાખનો ખર્ચ મંજૂર કરાયો છે. તો કોરોના દરમિયાન કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી કામગીરીનો જે ખર્ચ થયો છે તે રૂ.૬.૩૮ કરોડના ખર્ચને પણ સ્ટેન્ડિંગે બહાલી આપી છે.આજે કુલ ૫૩ દરખાસ્તો પૈકી ૫૦ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. ત્યારે બે દરખાસ્ત કમિશનર તરફ પરત મોકલવામાં આવી છે અને એક દરખાસ્તને અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે.
સ્ટેન્ડિંગમા આજે લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયો
- મોટા મવા બ્રિજથી અવધ કલબ સુધી કાલાવાડ રોડને ૧૫૦ ફૂટ સુધી પહોળો કરાશે
- મિલકત વેરામાં વળતર યોજનાની મુદત લંબાવાઇ
- ન્યારી-૧ ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી પાઈપલાઈન નાખવા પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્ટની નિમણૂક
- આમ્રપાલી અંડરબ્રિજમાં વરસાદી પાણી ન ભરાય તે માટે પમ્પિંગ મશીનરી મુકાશે
- રૈયાધાર સ્મશાન ગૃહમાં ઈલેક્ટ્રીક અને ગેસની ભઠ્ઠીની સુવિધા ઊભી કરાશે
- શ્વાન ખસીકરણ અને રસીકરણ માટે બે વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો
- અલગ-અલગ શાખાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓ આર્થિક તબીબી સહાય અપાય
- કોરોનાને નાથવા માટે કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા રૂ.૬.૩૮ કરોડના ખર્ચને સ્ટેન્ડિંગ દ્વારા બહાલી
આમ્રપાલી બ્રિજને ચોમાસામાં સ્વિમિંગ પુલ બનતો અટકાવવા પમ્પો મુકાશે
ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા શહેરના રૈયા રોડ પર આમ્રપાલી રેલવે ફાટક પાસે કરોડો રૂપિયાના ખર્ચે અંડર બ્રિજ બનાવવામાં આવ્યો છે.ચોમાસાની સિઝનમાં આ અંડરબ્રિજ સ્વિમિંગ પૂલ ન બને તે માટે અહીં પંપીંગ મશીનરી મુકવા માટે આજે સ્ટડી કમિટી દ્વારા ૩૫ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. રાજકોટની મિલન ઈલેક્ટ્રીક એજન્સી નામની કંપનીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જો કે હવે ચોમાસાની સિઝનને આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે.ત્યારે આ વર્ષે આમ્રપાલી બ્રિજ ખાતે વરસાદી પાણીના નિકાલ માટે પંપીંગ મશીનરી મુકાઈ જશે એ કેમ તેની સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વગર વરસાદે આમ્રપાલી બ્રિજ બે વાર પાણી પાણી થઇ ગયો છે. કારણ કે બ્રિજના પેટાળમાંથી નીકળતું પાણી ક્યારેક રોડ પર આવી જાય છે જેના કારણે બ્રિજમાં પાણી ભરાઇ જવાની સમસ્યા સર્જાઈ છે.હવે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ દરમિયાન આ બ્રિજને સ્વિમિંગ પૂલ બનતો અટકાવવા ૩૫ લાખના ખર્ચે પંપ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
૯ દબાણ હટાવ ઇન્સ્પેક્ટરને કાયમી કરવાની દરખાસ્ત પરત
છ માસ પહેલા જ કોર્પોરેશનમાં જોડાયેલા હંગામી કર્મચારીને મેડિકલ સહાય ચૂકવવાની દરખાસ્ત પણ પરત મોકલાઇ
કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ ૫૩ દરખાસ્ત મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી હતી.જે પૈકી બે દરખાસ્તો પરત મોકલવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.માર્કેટ શાખામાં દબાણ હટાવ ઇન્સ્પેક્ટરની નવ હંગામી જગ્યા ઉપસ્થિત કરવામાં આવી હતી. જેને કાયમી સ્ટાફ સેટઅપમાં સમાવેશ કરવાની દરખાસ્ત રજૂ કરાય હતી.જે મ્યુનિસિપલ કમિશનર તરફ પરત મોકલવામાં આવી છે અને તમામની મુદત છ મહિના સુધી વધારી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત દબાણ હટાવ શાખામાં ફિક્સ પગારથી ઈઆરઆઈ તરીકે ફરજ બજાવતા રાજદીપ સિંહ રાણાને ખાસ કિસ્સામાં મેડીકલ સહાયના રૂપિયા ૪૦૦૮૯ ચૂકવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.આ કર્મચારી ફિક્સ પગારદાર તરીકે જોડાયા નહીં હજી છ મહિના જેટલો જ સમય થયો હોવાના કારણે તેને મેડિકલ સહાય ચૂકવવાની દરખાસ્ત કમિશનર તરફ પરત મોકલવામાં આવી હતી. જ્યારે અન્ય ૫૧ દરખાસ્તને બહાલી આપવામાં આવી છે.