કોરોના કાળમાં પણ રાજ્યની વિકાસ યાત્રા વણથંભી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સમગ્ર રાજ્યના 9 બસ સ્ટેશન, ડેપો વર્કશોપ તેમજ 5 બસ સ્ટેશન ડેપો વર્કશોપનું ઈ-ખાતમૂહુર્ત આજરોજ કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લામાં મોરબી (નવું) તેમજ વાકાંનેરના એસ.ટી. બસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગાંધીનગર ખાતેથી ઇ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતે એસ.ટી.ના બસ મથકોને અદ્યતન એરપોર્ટ જેવા સુવિધાસભર, સુઘડ બસપોર્ટ તરીકે વિકસાવીને એક નવું મોડેલ દેશમાં પ્રસ્થાપિત કર્યુ છે. અગાઉના જર્જરિત બસ મથકો, ખખડધજ બસની સ્થિતીનો અંત લાવી હવે આપણે સમયાનુકુલ સુવિધાસભર વોલ્વો, સ્લીપર કોચ, જી.પી.એસ સિસ્ટમ સાથેની બસ સેવાઓ અને અદ્યતન બસપોર્ટ પ્રજાની સેવામાં આપી રહ્યા છીએ.
મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી.ના કુલ ૪૩.૭ર કરોડ રૂપિયાના વિવિધ લોકાર્પણ-ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યા છે. જેમાં વિવિધ વિસ્તારોમાં ૮ નવા બસ સ્ટેશન, ૧ એસ.ટી. વર્કશોપના મળીને કુલ રૂ. ર૮.ર૦ કરોડના કામોના લોકાર્પણ તો પાંચ ડેપો વર્કશોપ જે કુલ રૂ. ૧પ.પર કરોડના ખર્ચે નિર્માણ પામવાના છે તેનું પણ ઇ-ખાતમૂર્હત કર્યું છે. તેમણે કહ્યું કે ખાનગી ટ્રાવેલ્સ સેવાઓ નફાકારક રૂટ પર જ પોતાના રૂટ ચલાવતી હોય છે જ્યારે એસ.ટી નિગમ નફા કે નુકશાનનો વિચાર કર્યા વિના રાજ્યના દરેક ગામને જોડીને ઓછામાં ઓછી રોજની એક ટ્રીપ ગામને મળે અને ગરીબ, સામાન્ય માનવીને કનેકટીવીટીની સહુલિયત મળે તે રીતે કાર્યરત છે.
સીએમએ વધુમાં જણાવ્યુ કે ગરીબ પરિવારોને લગ્ન જેવા પ્રસંગોએ અન્ય વાહતુક વાહનો-ટ્રક વગેરેમાં જાન લઇને જતાં-આવતાં અકસ્માતનો ભોગ બનવાનો વારો ના આવે તે માટે આવા લગ્ન પ્રસંગે રાહત દરે બસ આપવા સહિત દિવ્યાંગ, વૃદ્ધો, સામાન્ય માનવી સૌને સુવિધાસભર યાતાયાતનો શ્રેષ્ઠ વિકલ્પ એસ.ટી બની રહી છે. ગુજરાતમાં ૯૯ ટકા ગ્રામીણ વિસ્તારો એસ.ટી. સેવાથી જોડાયેલા છે. ૧૬ ડિવીઝન, ૧રપ બસ ડેપો, ૧૩પ બસમથકો અને ૧પપ૪ પીક અપ સ્ટેન્ડ તેમજ ૮પ૦૦ બસીસ દ્વારા ૭પ૦૦ શેડયુલ ટ્રીપથી રોજના ૩પ લાખ કિ.મી. બસ સંચાલનથી રપ લાખ લોકોને એસ.ટી. સેવાઓનો લાભ મળી રહ્યો છે. એટલું જ નહિ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિવ-દમણ જેવા પડોશી રાજ્યો-પ્રદેશોમાં પણ ગુજરાત એસ.ટી.ની સેવાઓ ઉપલબ્ધ બનાવી છે.
નવા બસસ્ટેશનમાં શું હશે સુવિધાઓ ??
નવા બસસ્ટેશનમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેને વેઇટીંગ હોલ, સ્ટુડ્ન્ટ પાસ, રીઝર્વેશન રૂમ, ડેપો મેનેજર રૂમ, કંટ્રોલ રૂમ, સ્ટેન્ડ ઇન્ચાર્જ રૂમ, એડમીન ઓફિસ, વી.આઇ.પી. વેઇટીંગ લોંજ, કેન્ટીન, વોટર રૂમ, સ્ટોલ કમ શોપ, ઇલેક્ટ્રીક રૂમ, પાર્સલ રૂમ, લેડીજ રેસ્ટ રૂમ, બેબી ફિડીંગ રૂમ, મુસાફર જનતા માટે શૌચાલયની ગ્રાઉન્ડ ફ્લોર પર સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જ્યારે પ્રથમ માળે કેશ રૂમ, બુકીંગ રૂમ, ટ્રે રૂમ, નાઇટ ક્રુ, રેસ્ટ રૂમ, સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.