શહેરના જામનગર રોડ પર આવેલા માધાપર ગામના ગેઇટ પાસે ગત મોડીરાતે રિક્ષા ચાલક યુવાન સહિત બે યુવાન પર ત્રણ શખ્સોએ ધારિયા, છરી અને પાઇપથી ખૂની હુમલો કર્યાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. મિત્રના ઝઘડામાં ઉપરાણું લેવા જતાં બંને યુવક પર હુમલો થતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોપટપરા નજીક આવેલા કૃષ્ણનગરમાં રહેતા રિક્ષા ચાલક નિલેષ ભૂપતભાઇ નામના 24 વર્ષના કોળી યુવાન અને તેના મિત્ર બેચર પર ગતરાતે માધાપર ગામના ગેઇટ પાસે રાજુ, તેનો ભાઇ અને તેના પુત્રએ ધારિયા, છરી અને પાઇપથી હુમલો કર્યાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
નિલેશ ગેડાણી પોતાના મિત્ર બેચર સાથે પોપટપરા બસ સ્ટોપ પાસે બેઠા હતા ત્યારે બેચરના મોબાઇલમાં અજય પરસોંડાનો ફોન આવ્યો હતો. તે પોતાના ભાઇ સાગર સાથે માધાપર ગામના ગેઇટ પાસે હોવાનું અને માથાકૂટ થયા બાદ સમાધાન થઇ ગયું છે પરંતુ પોતાના બાઇકમાં પંચર પડતા તેઓ માધાપર હોવાથી તેને તેડવા માટે બોલાવ્યા હતા.
આથી નિલેશ કોળી અને બેચર રિક્ષા લઇ માધાપર સાગર અને અજયને તેડવાગયા ત્યારે તેને સાગરને બાઇક ધીમે ચલાવવા બાબતે રાજુ કોળી સાથે ઝઘડો થયો હોવાનું કહેતા સાગરનું ઉપરાણું લઇ રાજુ કોળીને આવી સામાન્ય બાબતે ઝઘડો કેમ કર્યો તેમ સમજાવવા જતા રાજુ કોળી તેનો ભાઇ અને પુત્રએ ધારિયા, છરી અને પાઇપથી હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. ઘવાયેલા નિલેશ કોળી અને બેચરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. કે.એ.વાળા અને રાઇટર હીરાભાઇ રબારી સહિતના સ્ટાફે રાજુ કોળી સહિત ત્રણેય સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી ત્રણેય શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.