કોરોનાની બીજી લહેર ઘાતકી સાબિત થતા કટોકટી જેવી સ્થિતિમાં વિશ્વના ઘણા દેશો ભારતની વહારે આવ્યા હતા. જેમાં અમેરિકાનો પણ સમાવેશ થાય છે. રસી માટે ભારતની મદદ કરવા માટે પણ અમેરિકાએ પ્રતિબદ્ધતા દાખવી છે. ત્યારે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી ઉપપ્રમુખ કમલા હેરિસ વચ્ચે ટેલિફોનિક વાતચિત થઈ છે. જેમાં ભારત-યુએસ રસી ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર ભાર મુકાયો છે. અને અમેરિકાએ ભારતની સિરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા ઉત્પાદન કરવામાં આવતી કોવિશિલ્ડના કાચા માલ માટે તત્પરતા દાખવી વધુ ઝડપથી આ માટે કામગીરી કરવા ખાતરી આપી છે.
આ ઉપરાંત વડાપ્રધાન મોદી અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ વચ્ચે અન્ય દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ કોરોના પછી આરોગ્ય અને આર્થિક ક્ષેત્રની પુન:પ્રાપ્તિમાં ફાળો આપવા માટે બંને દેશોની ભાગીદારીની સંભાવનાઓની ચર્ચા કરી હતી. હેરિસ સાથે ચર્ચા કર્યા પછી પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ’થોડા સમય પહેલા મેં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે ફોન પર વાત કરી હતી. વૈશ્વિક સ્તરે રસી વહેંચણી માટેની યુ.એસ. વ્યૂહરચનાના ભાગ રૂપે રસીના પુરવઠા અંગે ભારતને અપાયેલી ખાતરીની હું પ્રશંસા કરું છું.
કોવિશિલ્ડના કાચામાલ માટે અમેરિકાએ તત્પરતા દાખવી!!
સાથે ફોન પર કરી વાતચીત, રસી માટેનું રોમટીરીયલ ઝડપથી પહોચાડવા આપી ખાતરી
આ દરમિયાન કમલા હેરિસે જણાવ્યું કે બીડેન વહીવટીતંત્રે કોરોના રસીના બાકીના ડોઝ અન્ય દેશોમાં વહેંચવાની યોજના જાહેર કરી દીધી છે. યુ.એસ. તેની બાકીની 75 ટકા રસી યુનાઇટેડ નેશન્સના સહયોગથી ચલાવવામાં આવેલી ’કોવાક્સ’ પહેલ દ્વારા સપ્લાય કરશે. વિશ્વના જરૂરિયાત વાળા દેશોમાં મોકલશે. બાકીના 25 ટકા રસીનો જથ્થો ભાગીદાર દેશોમાં સપ્લાય કરશે. ઉલ્લેખનીય છે કે સિરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા ઉત્પાદિત થતી રસી માટેનો કાચો માલ અમેરિકાથી આયાત કરવામાં આવે છે અને હાલ આ રોમટિરિયલ અમેરિકાએ ઝડપથી પહોચાડવા તત્પરતા દાખવી છે.
કોરોનાના બીજા મોજા દરમિયાન ભારતને આવશ્યક દવાઓ અને તબીબી ઉપકરણોના રૂપમાં મદદ મોકલી છે. પીએમ મોદી અને કમલા હેરિસ વચ્ચેની વાતચીત પછી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અમેરિકા તેની બાકીની રસીનો સીધો માંગ મુજબનો ભાગ ભારતને પહોંચાડશે.