હાલ કોરોના સામે બચવા રસી જ એક માત્ર ઉપાય સમાન ગણાય રહી છે. ત્યારે આ બાબત પર ભાર મૂકતા મુખ્ય આર્થિક સલાહકાર કે. વી. સુબ્રહ્મણ્યમએ પણ જણાવ્યું છે કે જેમ બને તેમ વધુ ઝડપે રસીકરણ પ્રક્રિયા હાથ ધરાવી જોઈએ. જેથી આગામી ત્રીજી લહેરમાં સંક્રમણનો રેશિયો ઘટે અને અર્થતંત્રને ફટકો પડવાથી બચાવી શકાય. ડિસેમ્બર સુધીમાં તમામ લોકોને રસી આપી દેવામાં આવે તે લક્ષ્યાંક છે. અને આ માટે દરરોજ 1 કરોડ લોકોને ડોઝ આપવામાં આવે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. તેમણે ત્રીજી લહેર વિશે જણાવતા કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર વધુ ઘાતકી નિવડશે નહીં. પરંતુ આ સામે રસી લઈ સુરક્ષિત થવું ખૂબ જરૂરી છે.
દરરોજ 1 કરોડ લોકોને રસી આપવા પણ ભારત સક્ષમ: સુબ્રમણ્યમ
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આર્થિક રિપોર્ટ જારી કરતાં પણ મુખ્ય આર્થિક સલાહકાર કે.વી.સુબ્રમણ્યમે કોવિડ-19ના રસીકરણને વેગ આપવા માટે ભારપૂર્વક હિમાયત કરતાં કહ્યું હતું કે રસીકરણ માત્ર લોકોના સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ દેશના અર્થતંત્રના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. તેમણે કહ્યું કે રસીના ડોઝમાં વધારો જરૂર થયો છે, પરંતુ હજુ સમગ્ર જનતાને રસી આપવાની ગતિ વધારવી ખૂબ જરૂરી છે.
અર્થતંત્રને વેગવંતુ બનાવવા વિનિવેશ મોટો ફાળો ભજવશે
કોરોનાને કારણે છવાયેલી વૈશ્વિક મહામારીની અસર ઝીરો લેવલે કરવા સરકાર અને રિઝર્વ બેન્ક દ્વારા ઘણા મહત્વના નિર્ણયો લેવાયા છે. અને એમાં ખાસ બજારમાં તરલતા વધારવા વિવિધ ક્ષેત્રે અપાયેલ આર્થિક રાહતોનો ફાળો મહત્વનો છે. આ ઉપરાંત બજારમાં નાણાકીય તરલતા વધારવા સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે કે વિનિવેશ પર પણ ભાર મૂક્યો છે. ત્યારે આ બાબતે મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમએ કહ્યું કે આગામી સમયમાં 1.75 લાખ કરોડની વિનિવેશ કરાશે. એટલે કે સરકાર હસ્તકની કંપની અને નાણાકીય સંસ્થાઓમાં સરકારનો હિસ્સો વેચી ખાનગી એન્ટીટીને અપાશે. સીઇએ સુબ્રમણ્યમએ કહ્યું કે આમાં બે બેંક અને એક ઇન્શ્યોરન્સ કંપનીનો સમાવેશ છે જેનું આગામી વર્ષમાં વિનિવેશ કરાશે. અને આ થકી સરકાર 1.75 લાખ કરોડનું ભંડોળ ઊભું કરશે.