રાજકોટ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર સામે લડવા તંત્ર સજ્જ થઈ ગયું છે. જેના માટે તંત્ર દ્વારા જિલ્લામાં 14 હજાર બેડ અને 23 ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનું જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું છે. આ ઉપરાંત બાળકો માટે વધુ સગવડો ઉભી કરવાનો તખ્તો ગોઠવવામાં આવી રહ્યો છે.
રાજકોટ જિલ્લામાં કોરોનાની બીજી લહેર દરમિયાન વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા હતા. ઓક્સિજન માટે દર્દીઓના પરિવારજનોએ રઝળપાટ કરવી પડી હતી. આ સાથે રેમડેસીવીરની ઘટ પણ સર્જાઈ હતી. આવી પરિસ્થિતિ કોરોનાની ત્રીજી લહેરમાં ન સર્જાઈ તે માટે જિલ્લા વહીવટી તંત્ર અત્યારથી જ સજ્જ થઈ ગયું છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને ત્રીજી લહેરને લઈને માહિતી આપી હતી. સાથે જ તેમણે રાજકોટમાં કોરોનાની સ્થિતિ અને મ્યુકરમાઇકોસિસ વિશે પણ આંકતડાઆપ્યા. તેમણે કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેરને લઈને પહોંચી વળવા રાજકોટ તંત્રની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હોસ્પિટલોમાં બેડ વધારવા, બાળકોની હોસ્પિટલ શરૂ કરવામાં આવશે.તેવું જણાવ્યું હતું.
આ સાથે તેઓએ જણાવ્યું હતું કે હાલ જિલ્લામાં 8 હજાર બેડની સગવડ છે. હજુ વધુ 6 હજાર બેડની સંખ્યા વધારવામાં આવશે. જેથી જિલ્લામાં કોરોનાની ત્રિજી લહેર દરમિયાન 14 હજાર જેટલા બેડની વ્યવસ્થા ઉપલબ્ધ હશે. આ ઉપરાંત ઓક્સિજનની ઘટ ન સર્જાઈ તે માટે કુલ 23 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે. જો કે હાલ 3 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થઈ ગયા છે.
ગેર માન્યતાઓ અને અંધશ્રદ્ધાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકો વેકસીન મુકાવતા નથી: કલેક્ટર
રાજકોટ જિલ્લો બહુ જ ઝડપથી કોરોનામાંથી રિકવર થઈ રહ્યો છે. રાજકોટના અનેક ગામડાઓ કોરોનાની બીજી લહેરમાંથી બહાર નીકળી રહ્યાં છે. પરંતુ એક તરફ જ્યાં જિલ્લામાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યાં છે, ત્યાં બીજી તરફ રાજકોટમાં વેક્સીનેશન મંદ ગતિએ ચાલી રહ્યું છે. રાજ્યમાં સૌથી ઓછા રસીકરણવાળા પાંચ જિલ્લામાં રાજકોટ જિલ્લાનો સમાવેશ થયો છે. ત્યારે રાજકોટમાં રસીકરણ ઓછુ થવા અંગે જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગેર માન્યતાઓ અને અંધશ્રદ્ધાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકો વેક્સિન મુકાવતા નથી.
સૌથી ઓછા વેક્સિનેશનવાળા ગામમાં સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ગામડાના યુવાનોને સરકારના આદેશ બાદ વેક્સિનેશન શરૂ કરવામાં આવશે. હાલ અમારી પાસે 45 વર્ષ કરતા મોટી ઉંમરના લોકો માટે પૂરતા વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. રાજકોટ શહેરમાં 6.70 લાખ, જ્યારે રાજકોટ જિલ્લામાં 3.73 લાખ લોકોને જ રસીકરણ કરાયું છે. રાજકોટમાં 2.62 લાખ યુવાનોએ કોરોના સામેની રસીનો પ્રથમ ડોઝ મૂકાવ્યો છે. રાજકોટમાં ધીમી ગતિએ ચાલુ રહેલા વેક્સીનેશન પાછળ શું કારણ છે તે તો તંત્ર જ બતાવી શકશે.