કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાતા શેરબજારમાં તેજીનો ચમકારો:ડોલર સામે રૂપિયો ૯ પૈસા સુધર્યો
કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાતાં ભારતીય શેરબજારમાં તેજી પાછી ફરી હોય તેવું લાગી રહ્યું છે. દિન-પ્રતિદિન નવો હાય બનાવતી નિફ્ટીએ આજે ઓલ ટાઈમ સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી.સેન્સેક્સ પણ ૫૨ હજારની સપાટીને ઓળંગવામાં સફળ રહ્યો હતો. અમેરિકી ડોલર સામે આજે ભારતીય નવ પૈસા મજબૂત બન્યો હતો.
આજે સવારે મુંબઈ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સ સેન્સેક્સ તથા નિફ્ટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો હોય રોકાણકારોએ વિશ્વાસ સાથે ખરીદીનો દોર ચાલુ રાખતા દિવસ દરમિયાન તેજી જળવાઈ રહી હતી. સેન્સેકસ આજે ૫૨ હજારની સપાટીને ઓળંગવામાં સફળ રહ્યો હતો.અને ૫૨૨૪૦ની ઇન્ટ્રા-ડેમાં સપાટી હાંસલ કરી હતી.તો નિફ્ટીએ પણ ગઈકાલની ઓલટાઇમ હાઇનો રેકોર્ડ તોડ્યો હતો. નિફ્ટીએ ગઈકાલે ૧૫૬૬૦.૭૫ ની સર્વોચ્ચ સપાટી હાંસલ કર્યા બાદ આજે ૧૫૬૯૩ નો નવો હાય બનાવ્યો હતો.આજની તેજીમાં ટાઈટન કંપની,ઓએનજીસી,અદાણી સહિતની કંપનીના શેરોના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. ઇન્દુસઈન્ડ બેંક, બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને સિપ્લા જેવી કંપનીના ભાવ તૂટયા હતા બુલિયન બજારમાં બેતરફી માહોલ રહ્યો હતો.સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો ચાંદીના ભાવ તૂટયા હતા.
આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૨૬૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૮૪૯ અને નિફ્ટી ૮૧ પોઇન્ટના ઉછાળા સાથે ૧૫૬૫૭ પોઇન્ટ પર કામકાજ કરી રહી છે. તો અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૯ પૈસાની મજબૂરી સાથે ૭૩ પર ટ્રેડ કરી રહ્યો છે.