શહેરની ભાગોળે આવેલા વેજાગામ વાજડીના કૂંવામાંથી ત્રણ પિતરાઇ ભાઇ-બહેને ઝંપલાવી કરેલા આપઘાત પાછળનું રહસ્ય અકબંધ રહ્યું છે. મૃતક યુવતીના ત્રણ દિવસ પહેલાં જ આણું વાળ્યા બાદ પરત પિયર આવી બે પિતરાઇ ભાઇ સાથે કૂંવામાં પડતું મુકી આત્મહત્યા કરી લેતા ભરવાડ પરિવારમાં કરૂણ કલ્પાત સાથે અરેરાટી મચી ગઇ છે. એક જ પરિવારની ત્રણ વ્યક્તિએ કરેલા આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે મૃતકના પરિવારની પૂછપરછ કરી હતી પરંતુ કંઇ ઠોસ વિગતો બહાર આવી નથી ત્યારે કૂંવા નજીકથી મળી આવેલા મોબાઇલ ડીટેઇલના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી રહ્યા છે.
વેજાગામ વાજડી ગામના કૂંવા પાસે ત્રણ જોડી ચપ્પલ અને મોબાઇલ ગામજનના ધ્યાને આવ્યા હતા. ત્યારે જ મોબાઇલમાં રીંગ વાગતા મોબાઇલ રિસ્વર કર્યો હતો. ત્યાર બાદ કૂંવામાં જોતા ત્રણ મૃતદેહ જોવા મળતા મોબાઇલમાં વાત કરનાર વ્યક્તિને ત્રણ લાશ અંગેની વાત કરી હતી.
વેજાગામ વાજડીના ગામજનો દ્વારા યુનિર્વસિટી પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે જામનગર રોડ પરના મનહરપુરના ઢોળા પાસે રહેતા ભરવાડ પરિવારની ત્રણ વ્યક્તિઓ ગુમ થયા બાદ મોબાઇલમાં કરેલી વાતના આધારે ભરવાડ પરિવાર વેજાગામ દોડી આવ્યો હતો અને ત્રણેય મૃતદેહ ઓળખી બતાવ્યા હતા.
મનહરપુરના ઢોળા પાસે રહેતા કવા પબા બાંભવા (ઉ.વ.16), પિતરાઇ બેન પમી હેમાભાઇ બાંભવા (ઉ.વ.18) અને રેલનગર પાસેના સંતોષીનગરમાં રહેતા ડાયા પ્રભાતભાઇ બાંભવા (ઉ.વ.17)ની ફાયર બ્રિગેડના તરવૈયાઓએ લાશ બહાર કાઢી હતી. યુનિર્વસિટી પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયા છે.
હેમાભાઇ બાંભવાની પુત્રી પમીબેનના લગ્ન પાંચ વર્ષ પહેલાં કાલાવડ તાલુકાના ફગાસ ગામના મેહુલ માટીયા સાથે થયા હતા. પમીબેન ત્રણ દિવસ પહેલાં આણું વાળી સાસરે મોકલ્યા બાદ ફરી પિયર તેડીને લાવ્યા હતા. પમીબેનને ગુરૂવારે ફરી સાસરે વળાવે તે પહેલાં જ મંગળવારે પમીબેન પોતાના પિયરમાં કોઇને કહ્યા વિના ઘરેથી નીકળ્યા હતા. મનહરપુરના ઢોળા પાસે રહેતા કવા પબાભાઇ બાંભવા મંગળવારે બાઇક લઇને રેલનગર પાસેના સંતોષીનગરમાં રહેતા પોતાના પિતરાઇ ડાયા પ્રભાતભાઇ બાંભવાના ઘરે ગયો હતો.
બંને પિતરાઇ રાતે સાડા અગીયાર વાગ્યા સુધી બેઠા હતા ત્યાંથી બંને બાઇક પર નીકળી મનહરપુરના ઢોળા પર ગયા હતા ત્યાં પમીબેનને સાથે લઇ બાઇક પર નીકળી ગયા બાદ ત્રણેય ભેદી રીતે ગુમ થતા પરિવાર દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી.બુધવારે બપોરે વેજાગામ વાજડીના કૂંવામાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા બાદ ત્રણેયએ શા માટે આપઘાત કર્યો તે અંગે યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. એ.એસ.ચાવડા અને હેડ કોન્સ્ટેબલ અજયભાઇ વોરા સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી છે મૃતકના પરિવારજનો કંઇ બોલતા ન હોવાથી પોલીસે કૂંવા પાસેથી મળી આવેલા મોબાઇલના આધારે તપાસ શરૂ કરી છે.
સામુહિક આપઘાતના બનાવ વધ્યા
મોંઘવારીના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું અતિ કપરૂ બન્યું છે ત્યારે નાસીપાસ બનેલા પરિવારના મોભી દ્વારા સામુહિક આપઘાત કરી લેતા હોય છે. તો બીજી તરફ પ્રેમમાં નાસીપાસ થવાના કારણે સજોડે આપઘાત બનાવ વધ્યા છે. તાજેતરમાં જ વિપ્ર પરિવાર સાથે ઠગાઇ થતા આર્થીક મુશ્કેલીના કારણે પુત્ર અને પુત્રી સાથે ઝેરી દવા પી આપઘાત કર્યો છે. પ્રેમ પ્રકરણના કારણે ગાંધીગ્રામ વિસ્તારના પ્રેમી યુગલે, વાંકાનેર તાલુકાના હસનપર ગામમાં તાજેતરમાં જ યુવક-યુવતીએ સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. અમરેલી પંથકમાં પણ પ્રેમી પંખીડાએ અને સોનગઢ પાસેના સોનારડીના પ્રેમી યુગલે સજોડે આપઘાત કરી લેતા સામુહિક આપઘાત અને સજોડે આત્મહત્યા પાછળ આર્થિક ભીસ અને પ્રેમમાં નાસીપાસ થવાની ઘટના સમાજ માટે લાલબતી સમાન બની રહી છે.