મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ સરકાર સાથે સંકલન કરીને ૧૮ વર્ષના નાગરિકોને મતદાર તરીકે નોંધણી કરાવી શકે તે માટે એક વર્ષમાં એકથી વધુ તારીખોની મંજૂરી આપવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચન કર્યું છે. ૧લી જાન્યુઆરીએ ૧૮ વર્ષ પૂર્ણ કરનારા યુવાનોને ફક્ત એક જ નહીં પરંતુ વધુ તારીખોનો વિકલ્પ આપવામાં આવશે જેથી તેઓ ૧૮ વર્ષ પૂર્ણ કરતાની સાથે જ કોઈ પણ મહિના દરમિયાન મતદાર યાદીમાં પોતાનો સમાવેશ કરી શકે. નોંધનીય બાબત છે કે, ૧ જાન્યુઆરી પછી ૧૮ વર્ષનાં લોકોએ મતદાર તરીકે નોંધણી કરવા માટે આખું વર્ષ રાહ જોવી પડે છે.
સુશીલ ચંદ્રાએ સરકારને દરખાસ્ત કરી હતી કે, અમારું સૂચન છે કે એક વર્ષમાં ઓછામાં ઓછી ચાર તારીખ આપવી જોઈએ જેથી કોઈને પણ મતદાર તરીકે નોંધણી કરાવવા માટે આખું વર્ષ રાહ જોવી ન પડે.
૧૮ વર્ષ પૂર્ણ થયે જ મળી જશે!!!
કાયદા મંત્રાલય સાથેની બેઠકમાં મુઝય ચૂંટણી કમિશ્નરે પ્રસ્તાવ રજૂ કર્યો
મુખ્ય ચૂંટણી કમિશનરે સમજાવ્યું કે એક કટ-ઓફ તારીખ હોવાના પરિણામરૂપે, જો કોઈ વ્યક્તિ જાન્યુઆરી ૨ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરે છે તો તે વર્ષે તેની મતદાર તરીકે નોંધણી થઈ શકતી નથી તેથી, જેથી તે યુવાને મતદાર તરીકે નોંધણી માટે આવતા વર્ષની રાહ જોવી પડે છે.
ચંદ્રાએ કાયદા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથેની તાજેતરની બેઠકમાં ચૂંટણી પંચે લાંબા સમયથી પડતર માંગણી માટે કરેલી દરખાસ્તને મંજૂરી આપવા સૂચન કર્યું હતું. ચંદ્રાએ કહ્યું કે, અધિકારીઓ આ ખાસ સુધારણાને મંજૂરી આપવા સંમત થયા છે. જેના માટે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટમાં બહુવિધ કટ અથવા ક્વોલિફાઇંગ તારીખો માટે સુધારો કરવો પડશે.
લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ ની કલમ ૧૪ (બી) અનુસાર, લાયકાતની તારીખની સૂચિમાં ફેરફાર કરવો પડશે તેવું ચંદ્રાએ ઉમેર્યું હતું.