આવતીકાલે વર્લ્ડ સાયકલ ડે છે. દર વર્ષે સાયકલ ડે ની શાનદાર રીતે ઉજવણી થતી હોય છે. પરંતુ કોરોનાની મહામારીના કારણે આવતીકાલે અનોખી રીતે સાયકલ ડેની ઉજવણી થનાર છે. આવતીકાલે રાજકોટ સાયકલ કલબ તથા રોટરી મીડ ટાઉન લાયબ્રેરી તથા મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે સાયકલીંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. જેમાં શહેરના સાયકલ ઝોન, ગેલેકસી સાયકલ, માસ્ટર રોડ સ્ટાર સહીતનાઓ પણ આ ઇવેન્ટમાં જોડાશે તથા તેમના દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે. પહેલાના જમાનામાં સાઇકલ ચલાવનારની ગરીબમાં ગણતરી થતી હતી પરંતુ હવેઆ વાત દમ વગરની સાબિત થઇ રહી છે.
આજકાલ લોકો પોતાના સ્વાસ્થ્ય માટે સજાગ થયા છે જેથી કસરતના ભાગરુપે સવારમાં સાઇકલીંગ કરવાની સાથે કામકાજના સ્થળે પણ સાઇકલ લઇને જતા જોવા મળે છે. આ ઉપરાંત સાઇકલ ચલાવવાના અનેક ફાયદા છે. પેટ્રોલ- ડીઝલથી ચાલતા વાહનો પર્યાવરણને પ્રદુષિત કરે છે જયારે સાઇકલ માત્ર પેડલ મારી ચલાવાતી હોય પર્યાવરણને કોઇ નુકશાન થતું નથી. હવે સાઇકલ ચલાવવી એક ફેશન બની ગઇ છે. વાહનોની કિંમતોમાં આજકાલ સાઇકલો વહેચાય છે. તેમ છતાં લોકો સાઇકલ લેવાનું પસંદ કરી સાઇકલને અગ્રતા આપી રહ્યા છે. અને ધીમે ધીમે આ ટ્રેન્ડ વધી રહ્યો છે.
રોટરી મીડ ટાઉન લાયબ્રેરી તથા રાજકોટ સાયકલ ક્લબની યાદી જણાવે છે કે, રાજકોટ સાયકલ ક્લબના સ્થાપના દિન નિમત્તે વિશ્વ બાયસિકલ દિવસની રાજકોટમાં અનોખી ઉજવણી થનાર છે. હાલ કોવિડ મહામારી પછી વિશ્વભરમાં સાઈકલીંગનો વ્યાપ વધ્યો છે ત્યારે હાલ કોવિડ 19 ની પરિસ્થિતિને ધ્યાને લઇ આવતીકાલે તા.03/06/2021, ગુરૂવારના રોજ વિશ્વ બાયસિકલ દિવસ નિમિત્તે રોટરી મીડ ટાઉન લાયબ્રેરી તથા રાજકોટ સાયકલ ક્લબના સંયુક્ત ઉપક્રમે સાયકલીંગ ઇવેન્ટનું આયોજન કરેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભૂતકાળની માફક આ ઇવેન્ટમાં સહયોગ આપવામાં આવનાર છે.
આ અંગે કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવવામાં આવેલ છે કે આ ઇવેન્ટ અંગેના ફોર્મ તા.01/06/2021 ના રોજથી http://library.rotary rajkotmidtown.org પરથી ડાઉનલોડ કરી શકાશે અને ઇવેન્ટ ના દિવસે ડ્રોપ બોક્સ ના બુથ ઉપર પણ ફોર્મ ઉપલબ્ધ હશે. સાયકલિસ્ટે ડાઉનલોડ કરેલ ફોર્મ તા.03/06/2021 ના રોજ દિવસ દરમિયાન 08(આઠ) સ્થળે રાખવામાં આવેલ ડ્રોપ બોક્સમાં જરૂરી વિગત ભરીને જમાં કરાવવાનું રહેશે. ફોર્મ જમાં કરાવવાનો સમય સવારે 7:00 કલાકથી સાંજે 7:00 કલાક સુધીનો રહેશે. જેમાં સ્પર્ધકો સ્થળ પર પણ ફોર્મ ભરીને બુથમાં જમા કરાવી શકશે.
દિવસ દરમિયાન જમાં આવેલ ફોર્મનો લક્કી ડ્રો કરવામાં આવશે. લક્કી ડ્રો માં વિજેતા થનાર 10 વિજેતાઓને રોટરી મીડટાઉન લાયબ્રેરીની મેમ્બરશીપ તથા સાયકલીંગ એસેસરીઝ મળીને કુલ 50થી વધુ જેટલા સાયકલીસ્ટોને પ્રોત્સાહિત કરવામાં આવશે. ફોર્મ રોટરી મીડ ટાઉન લાયબ્રેરી, અમીન માર્ગ, કોટેચા ચોક, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ગેઈટ નજીક, બી.ટી સવાણી કીડની હોસ્પીટલથી આગળ, યુનિ. રોડ, સરાઝા રેસ્ટોરન્ટ, કાલાવાડ રોડ, ભકિતનગર સર્કલ,કિસાનપરા ચોક, સાયકલ શેરિંગ પોઈન્ટ, બાલક હનુમાનજી મંદિર નજીક,પેડક રોડ, શિવ શકિત હોટેલ, જામનગર રોડ ખાતે જમા કરાવી શકશે.
સ્પર્ધક કોઈ એક જ બુથ પર લકી ડ્રો માટે પોતાનું ફોર્મ ભરી શકશે, જો એક જ સ્પર્ધકનું ફોર્મ બે બુથ પર હશે તો તે અમાન્ય ગણાશે. આ ઇવેન્ટ નો હેતુ ફક્ત એ જ છે આપણું રાજકોટ પ્રદુષણ મુક્ત અને રાજકોટવાસીઓ તંદુરસ્ત રહે તેના માટે નો છે.
ઇવેન્ટના નિયમો
- ઇવેન્ટમાં ભાગ લેનાર સાયકલીસ્ટોએ વ્યકિતગત સાયકલીંગ જ કરવાનું રહેશે.
- ગ્રુપમાં સાયકલીંગ કરી શકાશે નહી.
- ગ્રુપમાં સાયકલીંગ કરનારને ડીસ કવોલીફાય કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
- ઇવેન્ટમાં ભાગ લેનાર તમામે સાયકલીસ્ટોએ માસ્ક પહેરવાનું રહેશે તથા કોવિડ 19 ની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે.
- નિયત સ્થળે આવેલ ડ્રોપ બોક્સ ખાતે પોતાનું ફોર્મ જમાં કરાવવા આવનાર સાયકલિસ્ટે ફરજિયાત પણે સાયકલ લઈને જ ફોર્મ જમાં કરાવવા આવવાનું રહેશે અન્યથા ફોર્મ સ્વીકારવામાં આવશે નહી અને લકી ડ્રો માટે સાયકલીસ્ટને ગેરલાયક ઠેરવવામાં આવશે.
- આ અંગેના ફોર્મ http://library.rotary rajkotmidtown.org પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. અને સ્થળ પર પણ સ્પર્ધક ફોર્મ ભરીને જમા કરાવી શકશે.