રાજકોટ શહેરમાં વેકસીનેશનની પ્રક્રિયા ખૂબ ઝડપે ચાલી રહી છે. દરરોજ 20 હજારના લક્ષ્યાંક સામે 18 હજાર જેટલા લોકો વેકસીન લઈ રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં 18 થી 44 વર્ષના 2.5 લાખ લોકો અને 45 વર્ષથી ઉપરના 2.5 લાખ લોકોએ હાલ સુધીમાં વેકસીન લઈ લેતા કુલ વસ્તીના 33% લોકોને વેકસીન આપીને કોરોના સામે સરક્ષિત કરી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં સૌથી પહેલો કોરોનાનો પોઝિટિવ કેસ જ્યાં સામે આવ્યો હતો તે રાજકોટ શહેરમાં ત્રીજા ભાગના એટલે કે 33% લોકોએ રસી લઇ લીધી હોવાનું મનપાની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. 18 થી 44 વર્ષના વયજૂથમાં અઢી લાખ યુવાનો તેમજ 45 વર્ષથી વધુ વયના અઢી લાખ લોકોનું રસીકરણ પૂર્ણ કરી દેવામાં આવ્યાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
અગાઉના નિયમો હેઠળ પણ બહોળી સંખ્યામાં નાગરિકોને બન્ને ડોઝ મળી ચૂક્યા છે. બંને વયજુથમાં પાંચ લાખ લોકોનું રસીકરણ પૂર્ણ થઇ જતાં શહેરની 33% વસતીને આવરી લેવામાં આવી છે.ખાસ મ્યુ. કમિશ્નર દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે, જે ગતિએ હાલ વેકસીનેશન ચાલી રહ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, આગામી 6 સપ્તાહ સુધીમાં શહેરના તમામ 18 વર્ષથી ઉપરના લોકોને વેકસીન આપી દેવામાં આવશે અને આપણું રાજકોટ કોરોના સામે સુરક્ષિત થઈ જશે.
મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલના જણાવ્યા અનુસાર રાજકોટમાં પાંચ લાખ લોકોએ રસીનો ડોઝ લઈ લીધો છે. જેમાં 18 થી 44 વર્ષની વયના અઢી લાખ તેમજ 45 વર્ષથી વધુ વયના અન્ય નાગરિકો સામેલ છે અને હાલ બીજો ડોઝ આપવાનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે.
કમિશનરે ઉમેર્યું હતું કે, જો આ જ ગતિએ કામગીરી ચાલતી રહેશે તો આગામી છ સપ્તાહમાં સમગ્ર રાજકોટના સમગ્ર શહેરીજનો અને વેક્સિન આપીને કોરોના કવચ આપી દેવામાં આવશે. હાલ શહેરમાં રસીની અછત નથી. જેટલો જોઈએ તેટલો જથ્થો ઉપલબ્ધ છે. હાલમાં જે જથ્થો અમારી પાસે છે તે પૂર્ણ કરવામાં આવશે ત્યાં સુધી વધુ જથ્થો પણ અમને મળી જશે તે માટેનું આગોતરું આયોજન પણ ઘડી કાઢવામાં આવ્યું છે.
રસી મુકાવા માટે લોકોમાં એક પ્રકારનો ડર હોવાની વાતનું ખંડન કરતાં કમિશનરે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ક્યાંક એવી વાતો અચૂક સાંભળવા મળે છે પરંતુ રાજકોટમાં રસીકરણને લગતી તમામ પ્રકારની ગેરમાન્યતાઓ દૂર થઈ રહી છે. શહેરમાં દરરોજ 18 હજાર આસપાસ લોકો રસી લઈ રહ્યા છે જે તેનો જીવતો જાગતો પુરાવો છે. સામાન્ય તાવ, કળતર, માથું ભારે થવું અથવા રસી લીધી હોય તો ખભે દુખાવો થાય તેવી સામાન્ય અસરો અચૂક થતી હોય છે પરંતુ આ અસરો ખરેખર શરીર પર વેકસીન અસર કરી રહી છે તે બાબતની સાબિતી પૂરી પાડે છે.
ઝડપ યથાવત રહી તો ફક્ત 6 સપ્તાહમાં તમામ શહેરીજનોને વેકસીન આપી દેવાશે: ઉદિત અગ્રવાલ
મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલે કહ્યું હતું કે, રાજકોટ શહેર રંગીલું શહેર છે અને અહીંના લોકો હરવા-ફરવાના શોખીન છે. હાલ રાજકોટ શહેરમાં 33% જેટલું વેકસીનેશન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને આ ઝડપે જ વેકસીનેશનની પ્રક્રિયા ચાલી તો ચોક્કસ આગામી 6 સપ્તાહમાં શહેરીજનોને વેકસીન આપવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે. હરવા-ફરવાની શોખીન જનતા વેક્સીન લઈને કોરોના સામે સુરક્ષિત થઈ જશે જેથી નિયંત્રણો હળવા કરવા અંગે પણ નિર્ણય લઈ શકાશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજકોટ શહેરમાં વેકસીનેશનને લઈને કોઈ ગેરમાન્યતા દેખાતી નથી જેનો પુરાવો એ જ છે કે, ખૂબ ઝડપે લોકો ઉત્સાહપૂર્વક વેકસીન લઈ રહ્યા છે છતાં પણ હું શહેરીજનોને અપીલ કરું છું કે, કોઈ પણ ગેરમાન્યતામાં આવ્યા વિના વેકસીન લેવી જ જોઈએ. અંતે તેમણે કહ્યું હતું કે, જે રીતે વેકસીનેશનની પ્રક્રિયા ચાલી રહી છે તેનો શ્રેય આરોગ્ય કર્મચારીઓને જાય છે.