રાજકોટ તા. 30 મે જયાં એક સમયે કોરોનાના 400 પોઝિટિવ કેસો હતા, તે ત્રંબા આરોગ્ય કેન્દ્ર હાલ સંપુર્ણપણે કોરોનામુકત બન્યું છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી, ગામના સરપંચોએ લીધેલ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય, ગામ લોકોએ કોરોનાની માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં દાખવેલ સજાગતા અને પોઝિટિવ દર્દીઓને મળેલી સમયસરની સારવારથી આ શકય બન્યું છે.
કોરોનાની બીજી લહેરમાં ત્રંબા આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા કસ્તુરબાધામ, વડાળી, કાળીપાટ, લાપાસરી, નવાગામ, સોખડા, ધમલપર અને નાકરાવાડી જેવા 8 ગામોમાં એપ્રિલ માસમાં કુલ 535 કોરોનાના પોઝિટિવ કેસો હતા, જે પૈકી માત્ર ત્રંબા ગામમાં જ 368 કેસો હતા, પરંતુ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નીલેશ શાહ, આર.સી.એચ.અધિકારી ડો.મીતેશ ભંડેરી, ડો. ડાભી, ડો. સિંઘ, ડો. અલી, ડો. ઉપાધ્યાય વગેરેની ટીમે ગામલોકોને સમયસરની સારવાર પુરી પાડી. સરપંચ નીતિનભાઇ રૈયાણી તથા અન્ય ગ્રામ્ય આગેવાનોએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો, જેનું બધા ગામોએ પૂર્ણત: પાલન કર્યું. આઠે-આઠ ગામના નાગરિકોએ ઉકાળા, માસ્ક, સેનિટાઇઝર, સામાજિક અંતર વગેરેનું પૂર્ણપણે ધ્યાન રાખ્યું.
ત્રંબા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. સરોજબેન જેતપુરિયાએ શંકાસ્પદ દર્દીઓએ હિંમતપૂર્વક ટેસ્ટ કરાવવા સમજાવ્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરના માતુ દુધીબેન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 2500 જેટલી ટેસ્ટીંગ કીટ ત્રંબા આરોગ્ય કેન્દ્ર ખાતે આપવામાં આવી હતી .જેનાથી મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાન અન્વયે મે માસના અંતે ત્રંબા આરોગ્ય કેન્દ્રના આઠ ગામો સંપૂર્ણ રીતે કોરોનામુકત બન્યા છે.