કોરોનાની વૈશ્વિક મહામારી આવ્યાને બે વર્ષ કરતાં વધુ સમય વિત્યો છ્તાં વાયરસ થમવાનુ નામ નથી લઈ રહ્યો. મહામારીના આ કપરાકાળમાં દરેક ક્ષેત્રે ગંભીર અને નકારાત્મક અસરો ઊપજી છે. કોરોના વાયરસે માનવ-માનવ વચ્ચે આભડછેટ ઊભું કર્યું હોય તેમ સ્થિતિ ઊભી થઈ છે. આ તો ઠીક પરંતુ વાયરસે સેકડો લોકોના જીવ લીધા છે. વિશ્વભરમાં લાખો લોકો મોતને ઘાટ ઉતર્યા છે. કોઈકએ માતા તો કોઈએ પિતા તો કોઈએ ભાઈ-બહેન, પતિ, સગા-સંબંધીઓ ગુમાવ્યાં છે. હજુ દેશમાં કેટલા લોકો મોતને ભેટ્યા ? કેટલા લોકો સંક્રમિત થયા છે ? એ વિશે સચોટ માહિતી નથી ત્યારે દેશમાં અત્યાર સુધીમાં કેટલા બાળકો અનાથ થયા છે ? તે વિશે સુપ્રીમ કોર્ટ સમક્ષ કેન્દ્ર સરકારે માહિતી આપી છે જે દિલ દહેલાવી દે તેવી છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમમાં માહિતી આપતા કહ્યું છે કે માર્ચ 2020થી અત્યાર સુધીમાં 1742 બાળકોએ તેમના માતા-પિતા ગુમાવ્યા છે. જ્યારે 7464 બાળકો એવા છે જેમણે માતા અથવા પિતામાંથી એકની છત્ર છાયા ગુમાવી છે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે રાજ્યોને આવા બાળકોની સંભાળ રાખવા કહ્યું હતું. બાળ અધિકારના રાષ્ટ્રીય આયોગ (એનસીપીસીઆર)એ પણ આ બાળકો માટે આર્થિક મદદની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, સરકારે તાજેતરમાં આવા બાળકોની મદદ માટે મોટા નિર્ણયો લીધા છે. ગુજરાતમાં કોરોનાને કારણે જે બાળકોએ માતા અને પિતા ગુમાવ્યા હોય તેમનો ભણવાનો ખર્ચ સરકાર ઉઠાવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે સરકાર માત્ર આવા બાળકોને આર્થિક સહાય જ નહીં પરંતુ આ સાથે બાળકોને શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધા પણ ઉપલબ્ધ કરાવશે.
રાજ્યમાં કોરોનામાં અનાથ થયેલ બાળકને સરકાર નીચે મુજબની સહાય આપશે
-18 વર્ષ સુધી દરેક બાળકને દર મહિને રૂપિયા 4000ની આર્થિક સહાય આપશે
– 18 વર્ષથી વધુ વયના ને જ્યાં સુધી 21 વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી દર માસે 6 હજારની સહાય અપાશે
– વિદેશમાં અભ્યાસ અર્થે લોન અપાશે
– આ માટે આવકની કોઇ મર્યાદા નથી રખાઈ
-કોરોના માતા-પિતા ગુમાવનાર બાળકીને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ માટે અગ્રીમતા અપાશે