તાજેતરમાં મુખ્ય આર્થિક સલાહકાર કે. વી. સુબ્રમણ્યમે આર્થિક રીપોર્ટ જારી કર્યો છે. જેમાં ગત અને આગામી નાણાંકીય વર્ષ દરમિયાન ભારતીય અર્થતંત્રનો વિકાસ અને વૃધ્ધિનો ચિતાર આલેખાયો છે. કોરોનાની વૈશ્ર્વિક મહામારીથી દેશના અર્થતંત્રને ફટકો જરૂર પડયો છે. પણ દેશઆમાંથી ઝડપથી ઉભરી રહ્યો છે. કોરોનાની બીજી લહેર ભલે ખતરનાક સાબિત થઈ પણ અર્થતંત્રને ઉની આંચ નહીં આવે તેમ મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે જણાવ્યું છે. પરંતુ આ માટે તેમણે રાજકોષીય ખાધ અને નાણાકીય તરલતા ઉપરાંત રસીકરણ ઉપર પણ વધુ ભાર મૂકવા જણાવ્યુ છે.
મુખ્ય આર્થિક સલાહકાર કે. વી. સુબ્રમણ્યમે કોવિડ-19ના રસીકરણને વેગ આપવા માટે ભારપૂર્વક હિમાયત કરતાં કહ્યું કે રસીકરણ માત્ર લોકોના સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ દેશના અર્થતંત્રના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. તેમણે કહ્યું કે રસીના ડોઝમાં વધારો જરૂર થયો છે, પરંતુ હજુ સમગ્ર જનતાને રસી આપવાની ગતિ વધારવી ખૂબ જરૂરી છે. રસીકરણની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા પર ભાર મુકવો મહત્વપૂર્ણ સાબિત થશે. કારણ કે તેનાથી કોવિડ -19ની ત્રીજી તરંગની શક્યતા ઘટાડવામાં મદદ મળશે અને આ રીતે અર્થવ્યવસ્થામાં પણ સુધારણા કરવામાં મદદ મળશે.
માર્ચ 2021માં પૂરા થયેલા નાણાકીય વર્ષથી સંબંધિત જીડીપીના આંકડા વિશે વાત કરતા તેમણે આ ટિપ્પણી કરી છે અને કહ્યું કે આર્થિક પ્રવૃતિ પરોક્ષ રીતે રોગચાળાના આગામી માર્ગ એટલે કે હાલ કોરોનાની ત્રીજી લહેરની ગતિ સાથે જોડાયેલી છે. જેને સમજી આગામી નિર્ણય લેવા ખૂબ જરૂરી છે.