બીજી લહેર સામે કોરોના કવચ માટે યુદ્ધના ધોરણે કામગીરી, તંત્ર એકશન મોડ પર: ટાર્ગેટ પર જ નજર
વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોવિડ-19 વાયરસને કાબુમાં કરવામાં ભારત પ્રમાણમાં વધુ સક્ષમ પુરવાર થયું છે. પ્રથમ લહેરના અનુભવ અને કોરોના વેક્સિનની શોધથી લઈ રસીકરણ સહિતની વ્યવસ્થાથી ભારતમાં કોરોનાની બીજી લહેરમાં જ આ મહામારી સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકારે હવે દરરોજના 1 કરોડ ડોઝ દેવાની તૈયારીને ફાઈનલ ટચ આપવાની શરૂઆત કરી દીધી છે.
કેન્દ્ર સરકારે કોરોનાને મહાત આપવા 15મી જુલાઈથી દરરોજના 1 કરોડ ડોઝ આપવાના કાર્યક્રમની તૈયારી શરૂ કરી દીધી છે. સીરમ ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયા (સીઆઈઆઈ) અને ભારત બાયોટેક દ્વારા રસીના ડોઝનું મહત્તમ ઉત્પાદનની સાથે સાથે સ્થાનિક ઉત્પાદન અને સ્પુટનીક-5ના ડોઝની પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોરોનાની નવી લહેર આવે તે પહેલા જ બે મહિનામાં પુરવઠાની વ્યવસ્થા સુદ્રઢ બનાવવાની સાથે સાથે દરરોજના 1 કરોડ ડોઝના રસીકરણ માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી હોવાનું કેન્દ્રીય રસીકરણ અભિયાનના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, પ્રારંભીક ધોરણે 20 કરોડ ડોઝમાં કોવિશિલ્ડના 10 કરોડ, કોવેક્સિનના 7.5 કરોડ અને સ્પુટનીક-5ના 2.5 કરોડ ડોઝ જુલાઈ મહિનામાં આપવામાં આવશે. ત્યારબાદ ફાઈઝર અને મોર્ડેમાની રસી પણ બજારમાં આવશે. ઓગષ્ટ મહિનાથી રસીકરણના અભિયાનને તેજ બનાવીને દરરોજના 1 કરોડ લોકોને રસીથી સુરક્ષીત કરી મહિનામાં 20 થી 25 કરોડ લોકોને રસી આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યાનો આત્મવિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.
સરકારે કોવિડ-19ની રસીકરણના આ અભિયાનમાં 1 લાખ જેટલા બાળ રસીકરણ કેન્દ્રો ખાસ કરીને ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારો માટે ઉભા કરવામાં આવ્યા છે. જૂન મહિનાથી આ કેન્દ્રો ઉપર રસી આપવાનું શરૂ કરવામાં આવશે. ચોમાસાની ઋતુમાં સંક્રમણની વધારે દહેશતના પગલે બાળકોને સુરક્ષીત કરવાની ઝુંબેશ પણ સવિશેષ જવાબદારીથી કરવામાં આવશે. 18 થી 44 વર્ષની વયજુથના કોઈ વ્યક્તિ રસીકરણથી વંચિત નહીં રહે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, 12 કરોડ જેટલા ડોઝ જુન મહિનામાં ઉપલબ્ધ કરી દેવાશે. જેમાં 7.9 કરોડ ડોઝ મે મહિનામાં આપી દેવાશે. કેન્દ્ર સરકારે 6 કરોડ ડોઝની વ્યવસ્થા રાજ્ય અને કેન્દ્ર શાસીત પ્રદેશ માટે કરી છે. જૂન મહિનામાં 45 વર્ષથી ઉપરની વયના અને આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વોરીયર્સ માટે વધારાના 5.8 કરોડ ડોઝની તૈયારીઓ કરી લીધી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલો મારફત દરરોજના 1 કરોડ વ્યક્તિઓને રસીથી સુરક્ષીત કરવાનું મહાઅભિયાન માટે તૈયારીઓને ફાઈનલ ટચ આપવામાં આવી રહ્યો છે.
કેન્દ્રએ રાજ્ય સરકારોના સંકલનથી સમગ્ર દેશમાં રસીકરણના અભિયાનને અણીચૂક લક્ષ્ય સુધી લઈ જવાની તૈયારીઓ તમામ કરી લીધી છે. કોરોનાના અસરકારક ઈલાજ તરીકે એકમાત્ર રસીકરણને જ અકસીર માનવામાં આવી રહ્યું છે. 15મી જુલાઈથી દરરોજના 1 કરોડ લોકોને રસી આપીને સુરક્ષીત કરવામાં આવશે.