‘કોકટેલ’ શબ્દ સાંભળતા જ નબીરાઓની મદીરા પાર્ટી યાદ આવી જાય. અલગ અલગ બ્રાન્ડના શરાબને ભેગા કરી બનાવવામાં આવતા પેગને કોકટેલ કહેવામાં આવે છે. શરાબના આ મિશ્રણ કોકટેલ નશા અને સ્વાદની મજામાં વધારો કરી દે છે. અહીં કોકટેલનો અર્થ શરાબની મેળવણી નહીં પણ કોરોનાની અલગ અલગ એન્ટીબોડીના કોકટેલ કોરોના માટે વધુ અસરકારક સાબીત થઈ રહ્યાંની વાત કરવાની છે.
ગયા અઠવાડિયે 84 વર્ષના હરિયાણાના દર્દીને પ્રથમવાર અમેરિકા પૂર્વ પ્રમુખ ટ્રમ્પને અગાઉ અપાયેલ એન્ટીબોડી કોકટેલ આપવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ભારતમાં આ એન્ટીબોડી કોકટેલ ‘ગેમ ચેન્જર’ સાબીત થશે.
કોરોનાના દર્દી માટે મોનોકલોનલ એન્ટી બોડી અકસીર સાબીત થાય તે માનવામાં આવે છે. કોકટેલ લેનારા દર્દીઓને દાખલ કરવાની પણ જરૂર રહેતી નથી. અમેરિકન પૂર્વ પ્રમુખ ટ્રમ્પને ગયા વર્ષે કોરોના પોઝિટિવ આવ્યો હતો અને કોકટેલ લીધા બાદ એક અઠવાડિયામાં જ કામે પાછા આવી ગયા હતા. કોકટેલની આ અસરકારકતાની દુનિયાએ નોંધ લીધી હતી.
જો કે દવા મોંઘી… સીપ્લાની હોસ્પિટલમાં વપરાતી કોકટેલ દવાના એક ડોઝની કિંમત 59,000 રૂપિયા જેવી થાય છે. જો કે આ એક ડોઝ ગેમ ચેન્જર બની રહે છે. આ અંગે ડો.અરવિંદ સોઈનનું કહેવું છે કે, મોનોકલોનલ એન્ટી બોડી દવાની ભારતમાં વ્યાજબી કિંમત છે તે પરિણામ પણ આપે છે અને દવા જો હજુ વ્યાજબી ભાવે ઉપલબ્ધ થાય તો સારવાર સુલભ બને. આ કોકટેલ ભારતમાં જ નહીં સમગ્ર વિશ્ર્વમાં કોરોનાની સારવાર માટે ગેમ ચેન્જર બની રહી છે. તેમાં પણ નાના બાળકો અને મોટી ઉંમરના વૃદ્ધો માટે સવિશેષ અસરકારક બની રહેશે. આ કોકટેલ અન્ય બિમારીઓ માટે અસરકારક બની શકે છે. મોનોકલોનલ એન્ટી બોડી દવાનું જો મોટા પ્રમાણમાં ઉત્પાદન શરૂ કરવામાં આવે તો અનેક રોગો માટે અકસીર બની શકે છે. અમેરિકામાં ઔષધ નિયમન તંત્ર દ્વારા આ કોકટેલને કોરોના સારવાર માટે પ્રમાણીત કરી છે. આ દવા પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ દર્દીને તુર્ત જ આપી શકાય અને તેનાથી મૃત્યુનું જોખમ નિવારી શકાય અથવા તો ઘટાડી શકાય.
આઈસીએમઆરના પૂર્વ વૈજ્ઞાનિક ડોકટર રમણ ગંગાખેડકરે જણાવ્યું હતું કે, પ્લાઝમાં અને રેમડેસિવિર એકમાત્ર નવા વેરીએટનું ઈલાજ ન ગણી શકાય. આવનાર દિવસોમાં મોનોકલોનલની મહત્વતા સમજાશે. હવે આ કોકટેલની કિંમત ઘટવી જોઈએ. અત્યારે મોનોકલોનલ એન્ટી બોડીનું ઉત્પાદન મેલેનીયલ કોષમાંથી મોટા પ્રમાણમાં ફર્મનટેશન ટેકનોલોજીથી કરવામાં આવે છે. હવે આ દવાનું ઉત્પાદન વધે તેવી ટેકનોલોજી માટે સંશોધન થઈ રહ્યું છે.
શું છે એન્ટીબોડી કોકટેલ થેરાપી
કોકટેલ થેરાપીમાં બે મોનોકલોનલ એન્ટી બોડીનું મિશ્રણ કરવામાં આવે છે. જેનાથી શરીરમાં કોઈપણ રોગ સામે રોગપ્રતિકારક શક્તિ ઉભી થાય છે. આ પ્રકારની મોનોકલોનલ એન્ટી બોડીને કૃત્રિમ રીતે તૈયાર કરી શકાય છે. સામાન્ય રીતે એન્ટી બોડી કોઈપણ કોરોનાના દર્દીઓમાં 14 દિવસ પછી ઉભી થાય છે. જ્યારે લેબોરેટરીમાં બનાવવામાં આવતી એન્ટીબોડી તાત્કાલીક કામ કરતી થઈ જાય છે. કેસીરીવીમેબ અને ઈમડેવીમેબ જેવી એન્ટીબોડીનું કોકટેલ દર્દી માટે અસરકારક પુરવાર થાય છે.
શું સસ્તા ભાવે ડોઝ શક્ય છે ?
ડો.ગાંગુલીના મતે મોનોકલોનલ એન્ટી બોડી થેરાપીને યોગ્ય વ્યવસ્થાથી હજુ સસ્તી બનાવી શકાય તેમ છે. ટેકનોલોજી અને આંતર માળખાકીય સુવિધા ઉપલબ્ધ થાય તો મેમેનીયલ સેલ કલ્ચર વિકસાવીને આ દવા સસ્તી કરી શકાય.
ભારતમાં એન્ટી બોડી કોકટેલનો ક્યાં ઉપયોગ થયા છે
વર્તમાન સમયમાં ગોરેગાવની વેદાંત હોસ્પિટલ, હરિયાણા અને દિલ્હીની ફોર્ટીસ એસ્કોટ હર્ટ ઈન્સ્ટિટયુટ અને એપોલો હોસ્પિટલમાં કોકટેલનો ઉપયોગ થાય છે. ઝાયડન્સ ક્રેડીલાએ પણ કોકટેલની અંતિમ તબક્કાના એન્ટીબોડી માટે માનવ પરિક્ષણની પરવાનગી માગી હતી. ઝાયડન્સ ક્રેડીલાએ જેઆરસી-3308 નામનું કોકટેલ કોવિડ-19ના દર્દી માટે બનાવ્યું હતું.