વાયરસ, વાવાઝોડા તો કયાંક ભૂકંપ તો કયાંક ગ્લેશિયર ફાટતા તારાજી જેવી અનેક કુદરતી આપદાનો છેલ્લા બે વર્ષમાં ભારતે સામનો કરેલ એમાં પણ કોરોનાની બીજી લહેર અતિ ઘાતકી સાબિત થતા ઘણી ‘ભૂતો ન ભવિષ્ય’ જેવી મુશ્કેલીઓનો સામનો કર્યો પણ આ વચ્ચે પણ ભારત પોતાનું અર્થતંત્ર વધુ મજબુત બનાવવા, દેશને ‘આત્મનિર્ભરતા’ પ્રદાન કરવા તરફ તેમજ વિકાસશીલમાંથી વિકસિત થવા તરફ ઉંચી ઉડાનો ભરી રહ્યું છે. કોઈ પણ દેશના આર્થિક, સામાજીક કે કોઈપણ ક્ષેત્રના વિકાસ માટે તે પાછળ જે તે સરકારની નીતિ અને આયોજનો જ પ્રત્યક્ષ કે પરોક્ષ પણે જવાબદાર હોય છે. અને આજ રીતે ભાતર મહામારીમાં પણ જે રીતે હકારાત્મકતાની સાથે આગળ ધપી રહ્યું છે.
જનતા માટે જે આર્થિક સહાય જાહેર કરવામાં આવી રહી છે. અર્થતંત્રને વેગવંતા બનાવવા પ્રયાસ થઈ રહ્યા છે. એ પાછળ કેન્દ્રની મોદી સરકાર જ જવાબદાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી સરકારના 7 વર્ષ પૂર્ણ થયા છે. ઘણીવાર આફતો અવસરમાં પણ પરિણમતી હોય છે. અને મોદી સરકારે આ જ સિધ્ધાંત પર ચાલી છેલ્લા 20 વર્ષમાં શકય ન થાય તે 2 જ વર્ષમાં શકય કરી દીધું છે.
કોરોનાની વૈશ્ર્વિક મહામારીએ અમેરિકા, બ્રિટન અને ચીન, રશિયા જેવા વિકસિત અને આર્થિક રીતે મોટા એવા ભલભલા દેશોને લપડાક લગાવી છે. એમાં પણ આર્થિક રીતે નાના અને વિકાસશીલ દેશોની વાત કરીએ તો આવા દેશો પર તો મંદીના વાદળો છવાયા છે. પરંતુ હજુ ભારતમાં મહામારી ‘મંદી’માં પરિણમી નથી. દક્ષિણ એશિયામાં જો ઝડપથી વિકસતુ જતુ અર્થતંત્ર હોય તો તે ભારતનું છે.
પાડોશી દેશ પાકિસ્તાનને તો કોરોના મહામારીથી ‘પડયા પર પાટુ’ લાગ્યું છે. પાકિસ્તાન જેટલું કમાય છે. એના કરતા 109 ટકા જેટલુ વધારે તો દેવું છે. પાકનું અર્થતંત્ર મરણ પથારીએ છે. એમ પણ કહી શકાય. પરંતુ આસામે ભારતની સ્થિતિ સારી નહીં પણ ઘણી સારી છે. કોરોનાએ નાના, મધ્યમ દેશોને ઘૂંટણીએ ભેર કરી દીધા છે. પરંતુ વિશ્ર્વની સૌથી બીજા ક્રમની વધુ વસ્તી ધરાવતા ભારતમાં હજુ આવી સ્થિતિ ઉભી થઈ નથી. વિપક્ષથી માંડી દરેક વિરોધી મોદી સરકારની ટીકા કરી રહ્યો છે. પરંતુ કહેવાય છે ને જેને કમળો હોય એને પીળું જ દેખાય, પરંતુ સરકારની વાહ… વાહાઈ પણ કંઈ વગર કારણે થતી નથી. ભલે કોરોનાની બીજી લહેરમાં ભારતની સ્થિતિ કથળતી રહી પરંતુ સરેરાશ તમામ પ્રદર્શનને જોતા ભારતની કામગીરીની વિશ્ર્વભરમાં પ્રસંશા થઈ છે.
દરેક જરૂરીયાતમંદને આર્થિક સહાય માટે એટલું જ નહિં ગરીબોના પેટનો ખાડો પૂરવા પણ સરકારે કામ કર્યું છે. મહામારીમાં પણ અડગ ઉભુ રહેવું એ પાછળ સરકારની દુરંદેશી નીતિ જ તો છે.
પાકિસ્તાન જેવા દેશો ‘માંદગી’ના બિછાને પડયા છે. તો બીજી તરફ ભારત દ્વારા નાગરિકો માટે સહાય જાહેર કરી ‘અર્થતંત્ર’ને ધબકતું રાખવા ભંડોળના ‘કોથળા’ ખૂલ્લા મૂકાયા છે. ઘણા વિવેચકોનાં મતે, મોદી સરકારને કોરોનાને કારણે ફટકો પડશે. લોકો કામગીરીથી સંતુષ્ટ નથી. બીજી લહેરે જે દ્રશ્યો ઉભા કર્યા તેનાથક્ષ સરકારનું ચિત્ર ધુંધળું થયું છે. પરંતુ બીજી તરફ ઘણાં, વિશ્ર્લેષકોનું એમ પણ માનવું છે કે, આટલી મોટી સંખ્યામાં વસ્તી ધરાવતા ભારતે મહામારી સામે મજબૂતાઈ ભેર સામનો કર્યો, સરકારે કુબેરનાં ભંડારો ખોલ્યા તે ઐતિહાસીક જ છે. કહેવાય છે ને કે, ખરા સમયે જે કામ એ જ ખરો !! બસ આ જ રીતે મોદી સરકારે પણ મહામારીના સમયમાં સહાય પૂરી પાડી અર્થતંત્રની ગાડીને પૂરપાટ દોડાવવા જે પ્રયાસો કર્યા છે. તે મહત્વના છે.
જણાવી દઈએ કે, અગાઉ આર્થિક પેકેજ જારી કર્યા બાદ તાજેતરમાં સરકાર બેંકિંગ લોન, વ્યાજદર, પેન્શન વગેરેમાં વધઉ રાહત આપતી ઘણી જાહેરાતો કરી છે. અર્થતંત્રને સુદ્દઢ પણે ચલાવવાના ઉદેશ્યથી રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા અને સરકારના સમન્વયથી નિર્ણયના કારણે આગામી સમયમાં ભારત માટે ઉજળા સંજોગો ઉભા થશે.
કોરોના સામેની સારવાર “લેવા અને દેવા” જામીન વગર પણ 5 લાખ અને 100 કરોડની લોન
કોરોના મહામારીની જો સૌથી વધુ કોઈ ક્ષેત્રને અસર પડી હોય તો તે છે નાના ઉદ્યોગો… લોકડાઉનમાં મરણ પથારીએ જતા ઉધોગકારોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થઈ ગઈ હતી. ત્યારે આ સ્થિતિ માંથી ઉગારી સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉધોગોને ફરી ધમધમતા કરવા મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. કોરોના સામેની સારવાર માટે વ્યક્તિગત રૂપિયા 5 લાખ સુધીની લોન વગર જામીને અપાશે. જ્યારે સ્વાસ્થ્ય ક્ષેત્રની સુવિધા ઉભી કરવા માટે કોઈ એન્ટિટીને 100 કરોડ સુધીની વગર જામીને લોન અપાશે તેમ નિર્ણય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવ્યો છે.
એસબીઆઇના ચેરમેન દિનેશ ખરા અને ભારતીય બેંકસ એસોસિએશનના અધ્યક્ષ રાજકીરન રાયએ માહિતી આપતા જણાવ્યું કે એસબીઆઇએ તેની જામીન વગરની લોનનો દર 8.5% પર લેવાનો નિર્ણય કર્યો છે. આ મહિનાની શરૂઆતમાં આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી યોજના હેઠળ નાના ઉદ્યોગોને આપવામાં આવેલી રિસ્ટ્રક્ચરિંગ ઓફર અંગે પણ બેન્કરોએ અપડેટ પ્રદાન કર્યું છે. રાયે કહ્યું કે, બેંકોને લોનની સર્વિસિંગમાં કોઈ મુશ્કેલી ઉભી થઈ નથી.
એસબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે ઓછામાં ઓછી 25 હજાર થી પાંચ વર્ષ માટેની લોન શરૂ થશે. સ્વાસ્થ્ય અને શિક્ષણ માટેની લોન વધુ સરળ બને તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારના આ નિર્ણયથી નાના ઉદ્યોગકારોને મોટી રાહત મળશે.
નાના ઉદ્યોગો માટે મોટો નિર્ણય: 25 કરોડ સુધીના લોન ધારકો માટે પુન: ગઠનની યોજના
કોરોનાની બીજી લહેરથી અસરગ્રસ્ત નાના ઉદ્યોગોને મદદ માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને મોદી સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ બેન્કોએ 25 કરોડ રૂપિયા સુધીની લોનનું પુનર્ગઠન કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પગલું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મોદી સરકારે આ મહિનાની શરૂઆતમાં જાહેર કરાયેલા કોવિડ -19 રાહત પગલાઓની અનુરૂપ છે. 25 કરોડ માટેની લોનના રિઝોલ્યુશન ફ્રેમવર્ક માટે ઘણી બેન્કોને બોર્ડ ઓફ ડિરેક્ટરની મંજૂરી પણ મળી ગઈ છે જેના પગલે પુન:ગઠનની કામગીરી ઘણી બેંકો દ્વારા શરૂ પણ થઈ ગઈ છે.
રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ મુશ્કેલ સમયમાં, અમે 5 મે 2021ના રોજ જારી કરાયેલા આરબીઆઈ રિઝોલ્યુશન ફ્રેમવર્ક 2.0 મુજબ ઉધોગકારોને સહાય માટે રાહત આપી રહ્યા છીએ. જો તમે કોવિડ-સેકંડ વેવને કારણે આર્થિક દબાણ હેઠળ છો, તો તમે તમારા એકાઉન્ટનું પુનર્ગઠન કરવાનું પસંદ કરી શકો છો.
જાહેર ક્ષેત્રની બેંક પંજાબ નેશનલ બેન્કના મેનેજિંગ ડિરેક્ટરએ કહ્યું કે અમે બેંકના પ્રતિનિધિ દ્વારા અમારા ગ્રાહકો સુધી પહોંચીશું … આનાથી અમને થોડા દિવસોમાં કેટલા ગ્રાહકો પુનર્ગઠનનો લાભ લેવા માંગે છે તેનો અંદાજ મળશે.
ઉદ્યોગકારોને મોટી રાહત: હવે, સપ્ટેમ્બર સુધી મળશે રૂ.3 લાખ કરોડની લોન
ઉધોગકારો માટે મોદી સરકાર દ્વારા અન્ય એક મહત્વનો નિર્ણય એ પણ લેવામાં આવ્યો છે કે ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમને વધુ ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે. આથી હવે લોન ઇચ્છુકોને રૂપિયા 3 લાખ કરોડ સુધીની લોન સપ્ટેમ્બર માસ સુધી મળી રહેશે. માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ (ખજખઊ) માટે આ નિર્ણય અતિ મહત્વપૂર્ણ સાબિત થશે. સરકારે રવિવારે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેંટી સ્કીમ (ઇસીએલજીએસ) ને વધારી દીધી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે સરકારે કોરોના વાયરસ રોગચાળાના બીજા મોજાને કારણે અર્થવ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોમાં ઉદ્યોગોને આવતા પડકારોને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજનાનો વ્યાપ વધાર્યો છે. ઇસીએલજીએસ હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ, ક્લિનિક્સ અને મેડિકલ કોલેજોને ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટેના બે કરોડ સુધીની લોન માટેની 100 ટકા બાંયધરી અપાશે અને તે માટે વ્યાજ દર 5.5 ટકાથી વધુ નહીં હોય.
શુક્રવારથી આરબીઆઈ વધુ એક રાહત આપી શકે: વ્યાજદરોમાં થઈ શકે છે ઘટાડો
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા લોનધારકો, રોકાણકારોને વધુ એક રાહત આપવામાં આવે તેવી શક્યતા છે. નિષ્ણાતોના મત અનુસાર કોવિડના કહેર અને ફુગાવાના ભય વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિમાં વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. આરબીઆઈ સમિતિની દ્વિ-માસિક સમીક્ષા બેઠકમાં મુખ્યત્વે વ્યાજ દર પર ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે.
શુક્રવારથી ગ્રાહકોને વ્યાજમાં રાહત મળે તેમ નિષ્ણાંતોનું માનવું છે. જો કે મત અનુસાર વ્યાજ દર યથાવત્ પણ રહી શકે છે. જણાવી દઈએ કે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં ગત એપ્રિલમાં મળેલી છેલ્લી બેઠકમાં રેપો રેટ 4 ટકા હતો અને રિવર્સ રેપો રેટ 35.35 ટકા હતો. મનીબોક્સ ફાઇનાન્સ કંટ્રોલર વિરલ શ્રેષ્ટે કહ્યું કે, વર્ષ 2021-22 દરમિયાન સરેરાશ સીપીઆઈ (ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ) ફુગાવાનો દર 5.2 ટકા હોવાનો અંદાજ છે, જે નાણાકીય વર્ષ 2020-21માં 6.2 ટકા હતો.
ફુગાવાના જોખમને ધ્યાનમાં રાખીને, જ્યાં સુધી નીતિ દરોની વાત કરવામાં આવે છે ત્યાં સુધી નાણાકીય નીતિ ગ્રામીણ કેન્દ્રિત અને નાના એનબીએફસી માટે વિશેષ સુવિધા હોવાને કારણે તે વધુ આગળ વધશે.
કોરોનાને કારણે પેન્શન ધારકના મોતથી પરિવારને રૂ.7 લાખનો વીમો મળશે
કોરોના સંકટ સમયે લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, લેબર મિનિસ્ટ્રીએ ઇપીએફઓ અને ઇએસઆઈસી યોજનાઓ અંતર્ગત કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. આ અંતર્ગત, જો ઇપીએફઓના ગ્રાહકનું મોત થાય છે, તો પરિવારને સાત લાખ રૂપિયા સુધીના વીમાનો લાભ મળશે. આ સિવાય આશ્રિતને ESIC યોજના હેઠળ પેન્શન પણ મળશે. ઇપીએફઓની ઇડીલીઆઈ યોજના (કર્મચારી ડિપોઝિટ લિંક્ડ વીમા યોજના) હેઠળ, જો ઇપીએફઓના સભ્યનું કોરોનાને કારણે મૃત્યુ થાય છે, તો નોમિનીને ઓછામાં ઓછું 2.5 લાખ રૂપિયા અને વધુમાં વધુ 7 લાખ રૂપિયાનો વીમો મળશે.
અગાઉ આ રકમ મર્યાદા રૂપિયા 6 લાખની હતી. જે એક લાખ વધારી 7 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. નિયમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે કે હવે EDLI યોજનાનો લાભ લેવા માટે તે જ સંસ્થામાં સતત 12 મહિના સુધી કામ કરવાની કોઈ મજબૂરી હવે રહેશે નહીં. જો તે 12 મહિનાથી સતત કામ કરે છે અને ઇપીએફઓનો સભ્ય છે, તો તેને આ યોજનાનો લાભ મળશે.
કપરાકાળમાં પણ ભારતીય શેરબજાર ટનાટન
કોરોના, લોકડાઉન અને ઠપ્પ થઈ ગયેલા વૈશ્ર્વિક ઉદ્યોગો અને આર્થિક પ્રવૃતિએ વિશ્ર્વની શેરબજારોને ભારે ધક્કો પહોંચાડ્યો છે પરંતુ ભારતમાં સરકારની નીતિ વિષયક નિર્ણયો, પાયાની મજબૂત સ્થિતિ અને રાજકોષીય ખાદ્યના સંતુલન જાળવવાની દુરંદેશીભરી કાર્યવાહીથી ભારતનું શેરબજાર વિશ્ર્વસનીયતા જાળવી રાખવામાં સફળ રહ્યું છે.
નફાકારક વેચવાલી અને સ્થાનિક પરિબળોને લઈને બજારમાં ચડાવ-ઉતાર થાય છે પરંતુ એકંદરે બજારની પરિસ્થિતિ મજબૂત રહી છે અને આગામી દિવસોમાં પણ મજબૂત રહેશે. વિદેશી મુડી રોકાણનો સતત આવતો પ્રવાહ, સ્થાનિક વિકાસ દર, સરકારની સુનિયોજીત નીતિ અને ખાસ કરીને છેલ્લા 3 વર્ષથી ઉપરા ઉપરી સારા રહેલા વર્ષના કારણે વિક્રમજનક ઘઉંની ખરીદી સરકારી ગોદામમાં અનાજના ગોદામ ભર્યા છે અને આ વર્ષ પણ સારૂ જશે તેની સંભાવના વચ્ચે ભારતના આર્થિક વિકાસ દર ઉંચો રહેશે. કોરોનાના આંશિક પ્રતિબંધો દૂર થતાં ઉદ્યોગમાં પણ ધમધમાટ શરૂ થયો છે. બજારની પરિસ્થિતિ સ્થીર બની છે ત્યારે ભારતનું શેરબજાર વધુને વધુ સધર બનતું જાય છે.