પોલીસે ૫૦થી વધુ ઇન્જેક્શન કર્યા કબ્જે: દક્ષિણ ગુજરાત તરફ તપાસનો દોર
રાજકોટમાં કોરોના બાદ શરૂ થયેલી મ્યુકરની મહામરીમાં અનેક લેભાગુ તત્વો પોતાના ખિસ્સા ગરમ કરવા માટે જરૂરી દવા અને ઇન્જેક્શનની કાળાબજારી કરતા હોય છે. ત્યારે રાજકોટમાં જ વધુ એકવાર મ્યુકરના ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ થયો છે. જેમાં ડોકટરની સંડોવણી અને નર્સિંગ સ્ટાફ સહિતના ૬ શખ્સોને પોલીસે સકંજામાં લીધા છે. પોલીસે કૌભાંડના પગલે ૫૦થી વધુ મ્યુકરના ઇન્જેક્શન કબ્જે કરી દક્ષિણ ગુજરાતમાં તપાસનો દોર શરૂ કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મ્યુકરમાઇકોસિસના દર્દીઓને અપાતા એમ્ફોટેરિસિન ઇન્જેક્શનના થતાં કાળાબજારનો રાજકોટ પોલીસે પર્દાફાશ કર્યો છે, પોલીસે છેલ્લા ત્રણ દિવસથી ગુપ્તરાહે ઓપરેશન કરીને ઇન્જેક્શનના કાળાબજારિયાઓને ઉઠાવી રહી છે. ઇન્જેક્શનના કાળાબજારમાં ડો.વત્સલ હંસરાજ બારડ ઉપરાંત નર્સિંગ સ્ટાફ, વોર્ડબોય અને દવાની કંપનીના કર્મચારીઓ સહિતનાની વરવી ભૂમિકા બહાર આવતા પોલીસે તબીબ સહિત છ જેટલા શખ્સને ઉઠાવી લઇ 50 જેટલા ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કર્યો હતો.
મ્યુકરની મહામારી વધતા જ કેટલાક શખ્સોએ દર્દીઓ અને તેના પરિવારજનોની આ મજબૂરીની રોકડી કરવાનો ખેલ શરૂ કર્યો હતો અને એમ્ફોટેરિસિન ઇન્જેક્શનની બજાર કિંમત રૂ.૩૦૦ છે તેને રૂ.૪૫૦૦માં વેચવા લાગ્યા હતા, ઇન્જેક્શનના કાળાબજારની માહિતી મળતાં એસઓજીના પીઆઇ આર.વાય.રાવલ સહિતના સ્ટાફે છેલ્લા ત્રણ દિવસથી ગુપ્ત ઓપરેશન શરૂ કર્યું છે, પોલીસે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતાં ડો.વત્સલ તેમજ નર્સિંગ સ્ટાફ અને વોર્ડબોય સહિતના આઠેક શખ્સને ઉઠાવી શરૂઆતમાં ૨૫ ઇન્જેક્શન જપ્ત કર્યા હતા. પોલીસે આ કૌભાંડમાં હાલ ડો. વત્સલ હંસરાજ બારડ (ઉ.વ.૨૨), ગોપાલ જગદીશ વંશ (ઉ.વ.૨૫) (નર્સિંગ સ્ટાફ) અશોક નારણ કાગડિયા (ઉ.વ.૨૮) (નર્સિંગ સ્ટાફ), મેહુલ ગોરધન કટેશિયા (ઉ.વ.૨૨), નિકુંજ જગદીશ ઠાકર (ઉ.વ.૨૧) અને યશ દિલીપ ચાવડા (ઉ.વ.૨૫)ને સંકજામાં લઈ પૂછતાછ હાથધરી છે.
એસઓજીના જણાવ્યા મુજબ ગોપાલ અને અશોક નર્સિંગ સ્ટાફ સાથે સંકળાયેલા છે. નિકુંજ વિદ્યાનગર રોડ પર આવેલા ક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં નોકરી કરે છે. જ્યારે ડો.વત્સલ પણ ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે. તો અન્ય શખ્સો કઈ કામ ધંધો ન કરતા હોવાનું જાણવા મળ્યું છે.
મ્યુકરની મહામારીમાં જરૂરી ઇન્જેક્શનની હાલ ભારે અછત હોય જેથી દર્દીઓના સગાસબંધીઓના ખિસ્સા ઢીલા કરવા માટે આ કૌભાંડિયાઓએ એન્ફોટેરેસિન ઇન્જેક્શનનો મોટો જથ્થો જેતપુરથી આવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી દર્દીઓને અપાતા ઇન્જેક્શનના અનેક ગણા ભાવ લાઇ કૌભાંડ આચરવામાં આવતું હતું.
પોલીસે છ શખ્સોની અટકાયત કરી પૂછતાછ કરતા દક્ષિણ ગુજરાતના પણ અનેક શખ્સોની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે. જેથી પોલીસે તપાસનો દોર દક્ષિણ ગુજરાત તરફ વાળ્યો છે. જ્યારે પોલીસ દ્વારા જણાવામાં આવ્યું છે કે મ્યુકર ઇન્જેક્શનના કૌભાંડમાં તમામ આરોપીને સકંજામાં લીધા બાદ ગુનો નોંધવામાં આવશે.