ચોમાસાની સીઝનના ગણતરીના દિવસો બાકી છે. અને ઉનાળુ પાકો તૈયાર થઈ ચૂક્યા છે. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઉનાળુ પાકોની આવક મોટા પ્રમાણમાં શરૂ થઇ ચુકી છે. અડદ, મગફળી, કપાસ, તલ સહિતના ઉનાળુ પાકો યાર્ડમાં મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. ત્યારે સફેદ અને કાળા તલની મોટા પ્રમાણમાં આવક શરૂ થઈ ચૂકી છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલની આજરોજ સુધીમાં સૌથી વધારે આવક થઈ હતી. સફેદ તલની ૮ હજાર ક્વિન્ટન આવક થઈ છે.
સાથે જ કાળા તલ, કપાસ, જુવાર, ધાણા, રાય, રાયડા સહિતની જણસીની આવક થઈ હતી. ચોમાસુ નજીક હોવાને કારણે ખેડૂતો નવા પાક વાવવા માટે તૈયારી કરી રહ્યા છે જેને કારણે ખેડૂતો ઉગેલા ઉનાળુ પાકને વેચવા યાર્ડમાં આવી રહ્યા છે. યાર્ડમાં જણસીની મોટા પ્રમાણમાં આવક થઈ છે પરંતું મજૂરોની અછતને કારણે વેપારીઓ ખરીદેલી જણસીનો નિકાલ કરી શકતા નથી.
સતાધીશો હાજર મજૂરોને પ્રોત્સાહિત કરી રહ્યાં છે: પ્રવિણભાઇ ભૂત
રાજકોટ માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈ ભુતએ ‘અબતક’ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલ ઉનાળુ પાકની સિઝન ચાલી રહી છે. જેને કારણે યાર્ડમાં ઉનાળુ પાકોની આવક શરૂ થઈ ચૂકી છે. આ સિઝનની સૌથી વધારે તલની આવક આજ રોજ થઈ છે. આજ રોજ ૮ હજાર ક્વિન્ટન તલની આવક થઈ છે. જેમાં તલનો ભાવ ૧૨૦૦થી ૧૫૯૬ ભાવ બોલાયો હતો. ખાસ તો અન્ય રાજ્યોમાં લોકડાઉન હોવાને કારણે મજૂરોની અછત યાર્ડમાં જોવા મળી રહી છે. જેને લઇ રાજકોટ માર્કેટિંગ યાર્ડના સતાધિશો સિટીમાં નવરા થયેલા મજૂરોને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
મજુરોની અછતથી પૂરતો વેપાર થઇ શકતો નથી: વેપારી પ્રવિણભાઇ
યાર્ડના વેપારી પ્રવિણભાઈએ ‘અબતક’ સાથે વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા ૨ મહિના જેટલા સમયથી માર્કેટિંગ યાર્ડ કોરોનાની મહામારીને કારણે બંધ હતું. હવે યાર્ડ ખુલ્યું છે અને ઉનાળુ પાકનો અત્યારે સમય છે. જેને કારણે ઉનાળુ તલની યાર્ડમાં મોટી આવક થઈ હતી. અત્યાર સુધીની સૌથી વધારે ૧૨૦૦૦ બોરી તલની આવક થઇ છે. હાલ અન્ય રાજ્યોમાં લોકડાઉનને કારણે ત્યાંના મજૂરો આવ્યા નથી જેને કારણે મજૂરોની અછત યાર્ડમાં જોવા મળી રહી છે. હાલ ૧૨૦૦૦ ગુણી આવક સામે મજૂરોની અછતને કારણે ૨૫૦૦થી ૩૦૦૦ ગુણીનો વેપાર થશે બાકી પેન્ડિંગ રહેશે. હાલ જ્યાં સુધી આ માલ વેચાશે નહીં ત્યાં સુધી નવી આવક થવા દેવામાં આવશે નહીં. ખેડૂતોને પણ પૈસાની જરૂર હોય તો ખેડૂતો પણ પોતાની જણસી વેચવા માટે આવી રહ્યા છે. જેને કારણે ખેડૂતોને ભાવ પણ ઓછો મળી રહ્યો છે. તલના ૧૫૦૦થી ૧૬૦૦ ભાવ મળ્યા તે તલ માટે ઘણા ઓછા કહી શકાય.