ફાઇનલ ડ્રો કે ટાઈ થાય તો બંને ટીમ સંયુક્ત વિજેતા બનશે!!
આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચે ૧૮ જૂનથી સાઉધમ્પ્ટનમાં રમાશે. આઈસીસીએ મેચ માટે પ્લેઇંગ કંડિશન જાહેર કરી દીધી છે. ૨૩ જુનના રોજ રિઝર્વ ડે રખાયો છે. જો પહેલા ૫ દિવસ વરસાદ કે અન્ય કારણોથી સમય ખરાબ થાય તો તે મેચ ૨૩ જુન એટલે કે છઠ્ઠા દિવસ સુધી રમાશે.
વર્તમાન નિયમ પ્રમાણે જો દિવસે રમતમાં ખલેલ પહોંચે છે તો બીજા દિવસે અડધો કલાક પહેલા મેચ શરૂ કરી દેવામાં આવે છે. તેની સાથે જ મેચ પૂરી થવાના નક્કી કરેલ સમય કરતા અડધો કલાક વધુ આપવામાં આવે છે. રિઝર્વ ડે પર મેચ રમાડવાનો અંતિમ નિર્ણય રેફરીનો રહેશે. તે નિયમિત રીતે ટીમ અને મીડિયાને આ અંગે અપડેટ કરશે.
રિઝર્વ ડેનો અંતિમ નિર્ણય પાંચમા દિવસે છેલ્લા કલાકમાં જ થશે. તેની સાથે જ જો મેચ ડ્રો કે ટાઈ થશે તો બંને ટીમો સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. અત્યાર સુધી માત્ર એકવાર આઈસીસી ટુર્નામેન્ટની ટ્રોફી શેર થઇ છે. ૨૦૦૨ માં ભારત અને શ્રીલંકા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી શેર થઇ હતી.
વરસાદના કારણે રિઝર્વ ડે પર પણ તે મેચનું પરિણામ આવી શક્યું ન હતું. ભારતીય ટીમ પોતાની સ્થાનિક મેચ એસ.જી. અને ન્યૂઝીલેન્ડ કુકાબુરાના બોલથી રમે છે. પણ ફાઇનલ મેચ ગ્રેડ ૧ ડ્યુક બોલથી રમાશે. તેની સાથે જ શોર્ટ રનનો નિર્ણય થર્ડ અમ્પાયર જ લઇ શકશે. એલબીડબ્લ્યુ પર રિવ્યુ લેવાથી પહેલા બેટિંગ કે ફિલ્ડીંગ સુકાની અમ્પાયર પુછી શકે છે કે બોલ રમવાનો પ્રયાસ થયો છે કે નહીં.
આઈસીસીએ ૨૦૧૮માં જ નિયમ બનાવી લીધો હતો
આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત ઓગસ્ટ ૨૦૧૯ માં થઇ હતી. જોકે તેની તૈયારી ઘણી પહેલાથી થઇ રહી હતી. આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું કે ૨૦૧૮માં જ પ્લેઇંગ કંડિશન પર નિર્ણય લેવાઇ ચૂક્યો હતો. કોરોનાને કારણે ચેમ્પિયનશિપની સીરિઝ રદ્દ કરવી પડી છે. આઈસીસીએ પોઇન્ટ સિસ્ટમમાં પણ બદલાવ કર્યા છે. ત્યાર બાદ પહેલા નંબર પર રહેનારી ભારતીય ટીમની સાથે બીજા નંબર પરની ન્યૂઝીલેન્ડ ટીમ ફાઇનલમાં પહોંચી. જોકે કેટલાક ખેલાડીઓએ પોઇન્ટ સિસ્ટમની આલોચના કરી અને બદલાવની માંગ કરી હતી.