ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ અવાર નવાર દારૂના કેસો સામે આવે છે. દારૂની સપ્લાય અને વેચાણ માટે બુટલેગરો દ્વારા રોજ નવા નુસખા અપનાવામાં આવે છે. હાલમાં જ દારૂનો એક કેસ અમદાવાદમાંથી સામે આવ્યો છે. જે રીતે બુટલેગરો દ્વારા દારૂની સપ્લાય કરવામાં આવતી હતી તે જાણી તમે ચોકી જશો.
અમદાવાદમાં સ્થાનિક પોલીસને દારૂ પકડવામાં સફળતા મળી છે. પોલીસને મળેલી બાતમીના આધારે તેલના ડબા ભરેલો ટેમ્પોને રોક્યા હતા. પ્રથમ દ્રષ્ટિએ જોતા તો તેલનાં પેક ડબ્બા જ લાગતા હતા, પણ પોલીસે કટર મગાવીને ડબા કાપતા તેમાથી દારૂની બોટલ અને બિયરના ટીન નીકળ્યા હતા.
કૃષ્ણનગર પોલીસને મળેલી સફળતા બાદ આરોપીની અટકાયત કરી તપાસ કરી તો અનેક ઘણો મુદ્દામાલ મળી આવતા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની ટીમને બાતમી મળી હતી કે એક વાદળી કલરના ટેમ્પોમાં તેલના ડબાની અંદર દારૂ છુપાવીને લઈ જવાઇ રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન વાદળી કરલનો ટેમ્પો ત્યાંથી નીકળ્યો હતો.
પોલીસે ટેમ્પો રોકીને ટેમ્પો ચાલકની પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન ટેમ્પો ચાલકે પોતાનું નામ બિપિન જાદવ જણાવ્યું હતું. તેણે ટેમ્પોમાં તેલના ડબ્બા હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસને અગાઉથી બાતમી હતી જેથી પોલીસ દ્વારા તેલના ડબાને કટરથી કાપવામાં આવ્યો અને તેમાંથી દારૂની બોટલ નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલિસને તેલના ડબ્બા કાપીને 434 દારૂની બોટલ, 235 બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉલ્લેખનીય છે કે બૂટલેગર દારૂ પહોંચાડ્વા માટે અવનવા કિમીયા કરતા હોય છે ત્યારે પોલીસ ઈચ્છે તો ગુનેગાર ફફડી ઉઠે છે. અને આ કિસ્સો જ તેનું ઉદાહરણ છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવા અનેક બુટલેગર ઝડપાયા હતા. જેઓ ફ્લેટની લિફ્ટમાં કે ભોંયરૂ બનાવી અથવા ગેસ સિલિન્ડરમાં દારૂનો જથ્થો છુપાવી દારૂ વેંચતા હતા. પણ પોલીસે બાતમી આધારે રેડ કરી આવા બુટલેગરને ઝડપી પાડ્યા હતા.