સોશિયલ મીડિયા, ડિજિટલ ન્યૂઝ મીડિયા તેમજ ઓટીટી પ્લેટફોર્મ માટે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા આઈટી નિયમો હેઠળ કંપનીઓએ ડેટાનો રેકોર્ડ રાખી, સાચવી સરકારને મોકલવો પડશે. આ નવા નિયમોથી યુઝર્સની પ્રાઈવેસી પોલીસીનો ભંગ થશે તેમ આરોપ મૂકી શોસિયલ મીડિયા પ્લેટફોર્મ અને એમાં પણ ખાસ વોટ્સએપે સરકારના નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો છે. જેની સામે સરકારે પણ અડગ રહી નવા નિયમો ફરજીયાત લાગુ કરાવવા પર ભાર મુક્યો છે.
તાજેતરમાં આઈટી મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યો હતું કે આવા નિયમો લાગુ કરનાર ભારત માત્ર એક દેશ નથી. વિશ્વના ઘણા બધા દેશોએ આ પ્રકારના નિયમો લાગુ કર્યા છે તો પછી ભારતમાં શું કામ આ કંપનીઓ વિરોધ સુર ઉઠાવી રહી છે ?? યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝિલેન્ડ અને કેનેડા આ આઇટી નિયમોના સમર્થનમાં છે. જે જરૂર પડ્યે સરકારોને નાગરિકોના
રક્ષણ માટે એન્ક્રિપ્ટેડ સંદેશાવ્યવહાર અટકાવવાની સત્તા આપે છે. જો કે આવા કાયદાઓની ટીકા સ્પષ્ટ છે કારણ કે એન્ક્રિપ્ટેડ સંદેશાવ્યવહારને અટકાવવાથી અમુક યુઝર્સની ગોપનીયતા જળવાઈ નહીં પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થતા દૂષણોને અટકાવવા આમ કરવું પણ જરૂરી છે. જ્યાં સુધી એન્ક્રિપ્શનથી સજ્જ મેસેજ હશે ત્યાં સુધી તેને થર્ડ પાર્ટી વાંચી ન શકે પરંતુ જો કોઈ ખોટી માહિતી, કે અસ્લીલ વિગતો વાયરલ થઈ હોય તો તેના મૂળને શોધવા માટે એન્ક્રીપશન તોડવું જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે ભારત આવા ઘણાં બનાવોનો સામનો કરી ચૂક્યું છે કે જ્યાં વોટ્સએપ, ફેસબુક પર ખોટી માહિતી ફેલાઈ હોય અને હિંસા ભડકી હોય. આથી આ પર રોક લગાવવી આવશ્યક છે. વિશ્વના મોટાભાગના દેશો ફેક ન્યુઝને રોકવાની મથામણમાં જુટાયા છે. જેના ભાગરૂપે ઓસ્ટ્રેલિયા, યુએસ, યુકે અને ન્યૂઝીલેન્ડ સહિતના દેશોમાં આવા નિયમો પહેલેથી જ લાગુ છે. ઓસ્ટ્રેલિયામાં એન્ક્રિપ્શન લો૨૦૧૮માં લાગુ થયો હતો. જ્યારે અમેરિકામાં જૂન-૨૦૨૦માં “ધ લોફુલ એસેસ તો એન્ક્રીપ્ટેડ ડેટા એક્ટ” લાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત એન્ક્રિપ્ટેડ ડેટાને કાયદાકીય રીતે સરકાર તપાસ કરી શકે છે.