બાર એસો. અને લાયબ્રેરીમાં મારવામાં આવેલા અલીગઢ તાળા ખોલવા રજુઆત
પ્રમુખ બકુલ રાજાણી અને દિલીપ પટેલે ઉચ્ચ સ્તરે પત્ર લખ્યો
રાજકોટ અદાલતોમાં ગત દિવસોમાં આવેલા કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો હતો ત્યાર બાદ કોરોનાની ચેઇનને તોડવા માટે અદલાતોએ સ્વૈચ્છીક રીતે કેટલાક રૂમોમાં તાળા મારી દેવાયા હતા. ત્યારે રાજકોટ બાર એસોસિએશને બારના તાળા ખોલી આપવા અંગે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી છે.
આ રાજુઆતોમાં જણાવ્યા મુજબ રાજકોટ બાર એસોસિએશને જણાવ્યું હતું કે બારના રૂમમાં સિક્કાઓ અને લેટર પેડ પડેલા છે. હાલ કોરોનાના કાળમાં અસંખ્ય વકીલો પણ કોરોનાનો ભોગ બન્યા છે. તેમને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાંથી વેલફેર સ્કીમ હેઠળ મળતા સહાયમાં પણ રાજકોટ બાર એસોસિએશનનું પ્રમાણપત્ર આપવું પડે છે. આ ઉપરાંત આ તાળા બંધીથી વકીલો પરેશાની ભોગવી રહ્યા છે.
જેમાંનું એક કારણ લાયબ્રેરીમાંથી મળતા જજમેન્ટો અને ચોપડાઓ પણ મળી શકતા નથી. ઉલ્લેખનીય છે કે રાજ્ય આખામાં માત્ર પાંચ ટકા જ વકીલો પાસે લાયબ્રેરી છે. જ્યારે અસંખ્ય વકીલો તો બાર એસોસિએશનની જ લાયબ્રેરીનો ઉપયોગ કરતા હોય છે.
આ રજુઆતમાં ભાર દેવામાં આવ્યો હતો કે રાજકોટ સિવાય અન્ય કોઈ બારમાં ક્યાંય પણ બાર એસોસિએશનના રૂમોમાં તાળા મરાયા નથી. તો વહેલી તકે આ પત્ર અન્વયે વકીલોને સહકાર આપવાની અપેક્ષાઓને તાત્કાલિક બાર એસોસિએશનના રૂમના તાળા ખોલી આપવા વિનંતી કરાઈ હતી.
ઉપરોક્ત પત્ર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તથા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સહિતનાઓને બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી, સેક્રેટરી જીજ્ઞેશ જોષી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર દિલીપ પટેલ સહિતનાએ રજુઆત કરી હતી.