જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની મહામારીમાં લોકડાઉનથી બંધ કરવામાં આવેલ એસ.ટી.બસ વ્યવહાર આજદિન સુધી બંધ રહેતા ગ્રામજનોને જિલ્લા અને તાલુકા મથકે અવર-જવર માટે ભારે હાડમારીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ગ્રામજનોને એસ.ટી. બસ ખૂબ જ આર્શીવાદરૂપ હોય છે. પરંતુ વર્તમાન સમયમાં એક પણ ગામમાં એસ.ટી બસ વ્યવહાર અવર-જવર બંધ જ છે. લોકડાઉન સમયે બંધ થઇ ગયેલી એસ.ટી.બસો હવે ફરી કયારે શરૂ થશે તેની ચર્ચા ગ્રામજનોમાં થઇ રહી છે. કારણ કે નગરપાલિકા અને શહેરી વિસ્તારોને જોડતી એસ.ટી.બસ સેવા કાર્યરત છે. પરંતુ ગામડાઓની એસ.ટી. બસો બંધ રાખેલ છે. જેને લીધે જો કોઇ ગ્રામજનોને તાલુકા કે જિલ્લા મથકે અવર-જવર કરવી હોય તો નાછુટકે ખાનગી વાહનમાં આવવુ પડે છે. જેનુ આર્થિક ભારણ ગ્રામજનો ઉપર આવી પડયુ છે.
અનેકવાર એવુ પણ બને છે કે જરૂરીયાતના સમયે ખાનગી વાહન મળવુ પણ મુશ્કેલ બને છે. સરકાર દ્વારા ગામડાઓમાં એસ.ટી.બસ વ્યવહાર બંધ રાખીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. નાના-મોટા શહેરો માટે એસ.ટી. બસો દોડે છે તો ગામડાઓ માટે કેમ નહી ? તે સવાલ ગ્રામજનો કરી રહ્યા છે.
લોકડાઉન સમયે એસ.ટી. બસો બંધ કરવાનો નિર્ણય સરકારે લીધા પછી એસ.ટી.બસો ચાલુ કરવાનું સરકારી બાબુઓ ભુલી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે રેલ્વે વ્યવહાર, એસ.ટી. બસ વ્યવહાર ચાલુ થઇ ગયો પણ ગામડાને મુશ્કેલીમાંથી કયારે છુટકારો મળશે તેની રાહ જોવી જ રહી ? કારણ કે એસ.ટી.બસ વ્યવહાર બંધ હોવાથી અનેક સમસ્યા ગ્રામજનો માટે ઉભી થઇ છે. જેમા એક પોસ્ટ વિભાગની પોસ્ટ કે પત્ર વ્યવહાર બંધ છે.
આ ઉપરાંત ન્યુઝ પેપરો જે એસ.ટી.બસમાં આવતા બંધ થઇ ગયા છે. અનેક ગામડાઓના બેરોજગાર યુવાનોને રોજગારી માટે એસ.ટી.બસમાં અપડાઉન કરતા હતા. તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર એસ.ટી.બસ બંધ કરી ફરી ચાલુ નહી કરી ગામડાઓ પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે તેવો અહેસાસ ગ્રામજનો અનુભવી રહ્યા છે ત્યારે તાકિદે એસ.ટી.બસ વ્યવહાર ફરી ગામડાઓ કાર્યરત કરે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.