જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ સહાય પહોચાડવા ગીરમાં પહોચ્યા
તાઉ-તે વાવાઝોડામાં ગીરના નેશમાં વસતા માલધારીઓનુ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આવા સ્થળાંતર કરવામાં આવેલા માલધારી કુટુંબને રૂા. ૩૦ લાખથી વધુની રોકડ અને ઘરવખરી-મકાન સહાય ચુકવવામાં આપી છે, જે સહાય બેન્ક ખાતામાં જમા કરવામાં આવી રહી છે. જ્યારે રોકડ સહાય રૂ ૮ લાખથી વધુ છે, તે જે તે લાભાર્થી કુટુંબને નેશમાં જઇને કર્મચારી અધિકારીઓ દ્વારા રોકડ સ્વરૂપે આપવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લાના ગીર બોર્ડરના વિસાવદર અને મેંદરડા તાલુકામાં આવેલ સેટલમેન્ટમાં ગામ અને નેશ વિસ્તારમાં રહેતા કુટુંબોને રૂા. ૮ લાખથી વધુ રોકડ સહાય ચુકવવામાં આવી છે. તેમજ રૂ. ૨૨ લાખ ઘરવખરી-મકાન સહાય બેન્ક ખાતામાં જમા કરવામાં આવી છે. અને હજુ બેન્કખાતાની વિગતો આવે તેમ નાણાં જમા કરવામાં આવી રહયા છે. નેશ વિસ્તારના માલધારીઓને સહાય ચૂકવવા વન વિભાગનો સહયોગ લેવમાં આવી રહયો છે.
દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ.એસ. મંડોત, નાયબ કલેકટર વી.ડી. સાકરીયા, મેંદરડા મામલતદાર ફાતેમાં માકડા, નાયબ મામલતદારો તેમજ રેવન્યુ તલાટી અને ફોરેસ્ટના કર્મચારીઓ દ્વારા ગીરના નેશ વિસ્તારમાં પહોંચી રોકડ સહાય ચુકવવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે, વિસાવદર અને મેંદરડા તાલુકામાં આવા સેન્ટલમેન્ટના ૫ ગામ અને ૨૦ જેટલા નેશ વિસ્તાર છે. જેમાં વિસાવદર તાલુકામાં ખાંભડા, સુવરડી, ગોરડવાડા, બારપાણીયા, બગોયા,વાંકલઆરા, કાદવાડી, હસનાપુર અને જાંબુથાળાનો સમાવેશ થાય છે. જ્યારે મેંદરડા તાલુકામાં કાસીયા, નવી આલવાણી, કાઠીતળ, દાધીયા, જુની આલવાળી, ગંગાજળીયા, ખડા, દુધાળા, અબુડી, વાણીયાવાવ, કાઠાળા અને લકડવેરાનો નેશનો સમાવેશ થાય છે.