વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય અગાઉની એક્ઝામની જેમ ૩ કલાકનો જ રહેશે
રાજય સરકારે ધો. ૧૦ના નિયમિત વિદ્યાર્થીઓને પરીક્ષા નહીં લેવાનો નિર્ણય લીધા પછી ધો. ૧૨ સાયન્સના ૧.૪૦ લાખ અને ૫.૪૩ લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ ૬.૮૩ લાખ વિદ્યાર્થીની લેખિત પરીક્ષા આગામી તા. ૧ જુલાઇથી કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે લેવાનો નિર્ણય લીધો છે અને આ પરીક્ષા જૂની પઘ્ધતિ મુજબ જ લેવામાં આવશે તેમ આજે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય અગાઉની એક્ઝામની જેમ ૩ કલાકનો જ રહેશે.વિજ્ઞાન પ્રવાહના ૧૦૦ ગુણના પ્રશ્નપત્રમાં ૫૦ ગુણના પ્રશ્નો વૈકલ્પિક-એમસીકયુ ઓએમઆર પદ્ધતિના રહેશે અને ૫૦ માર્કના પ્રશ્નો વર્ણનાત્મક રહેશે. પ્રશ્ન પૂછવાની પદ્ધતિ જે અગાઉ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલી છે તે જ પદ્ધતિ રહેશે એટલે વિદ્યાર્થીએ જે પ્રમાણે અત્યાર સુધી તૈયારી કરી તે પ્રમાણે જ પરીક્ષા લેવાશે.
સામાન્ય પ્રવાહમાં કુલ ૧૦૦ માર્કના પ્રશ્નપત્રમાં તમામ પ્રશ્નો વર્ણનાત્મક રીતે લેવાશે.સામાન્ય પ્રવાહમાં પણ પ્રશ્નો પૂછવાની પદ્ધતિ એટલે કેે પ્રશ્નપત્ર સ્ટાઇલ પણ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જે સત્તાવાર જાહેર કરાય તે પ્રમાણેની રહેશે.જે વિદ્યાર્થી કોરોના કે અન્ય કારણોસર પરીક્ષા નહીં આપી શકે એમના માટે ૨૫ દિવસ પછી ફરી પરીક્ષા યોજાશે.
રાજ્યના વિદ્યાર્થીઓની ભાવિ કારકિર્દીના ઘડતર માટે મહત્ત્વપૂર્ણ એવી આ ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષાઓ કોરોના સંક્રમણના આ વિશિષ્ટ સંજોગોમાં કોવિડ-૧૯ પ્રોટોકોલના ચુસ્ત પાલન સાથે યોજવા શિક્ષણ વિભાગને આ બેઠકમાં સૂચનાઓ આપી હતી. શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ પરીક્ષા દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ની ૫૦ ગુણની બહુવિકલ્પ પ્રકારની (MCQ) OMR પદ્ધતિથી અને ભાગ-૨ વર્ણનાત્મક લેખિત સ્વરૂપની ૫૦ ગુણની પરીક્ષા ૩ કલાકની યોજવામાં આવશે.પરીક્ષામાં કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરાશે.
આ જ પ્રમાણે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ, ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની ૩ કલાકની પરીક્ષા યોજવામાં આવશે. પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે તેમજ પરીક્ષા કેન્દ્રો પર પણ સેનિટાઇઝર, થર્મલગન સહિતની કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન્સનું પાલન થાય એ પણ શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરશે, એવું ચૂડાસમાએ ઉમેર્યું હતું.