તાઉતે વાવાઝોડાને કારણે એસટીના રૂટ એક સપ્તાહ પૂર્વે બંધ કરવામાં આવ્યા હતા તો કેટલાંક રૂટમાં ફેરફારો પણ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે વાવાઝોડાની અસર પૂરી થતાં ફરી એસટીની ગાડી પાટે ચડી છે. રાજકોટથી બંધ કરાયેલા રૂટ બુધવારથી પૂર્વવત શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની બસમાં રાત્રી રોકાણ બંધ કરવામાં આવ્યું હતું. વાવાઝોડાના એક સપ્તાહ બાદ હવે તમામ રૂટ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારના પણ રૂટ હવે શરૂ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ મુસાફરો વધતા એસટીની દૈનિક આવક રૂા.૫ લાખ વધવા પામી છે. અત્યાર સુધી રાત્રી કરફર્યુ અને આંશિક લોકડાઉનની અસરતળે એસટીમાં મુસાફરોની સંખ્યા ખુબજ પાંખી જોવા મળતી હતી. જો કે ગત ૨૨ તારીખથી આંશિક લોકડાઉન હટતા ધીમે ધીમે મુસાફરોની સંખ્યા પણ વધી રહી છે અને એસટીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. હાલ અત્યારે એસટીની દૈનિક આવક રૂા.૨૦ લાખે પહોંચી છે. હાલમાં ૨૫૦ રૂટ શરૂ કરવામાં આવ્યા છે.
વાવાઝોડા બાદ એસટી વ્યવહાર પૂર્વત: શરૂ: મુસાફરો વધતા હવે દૈનિક આવક રૂ.૫ લાખ વધી
ગ્રામ્ય વિસ્તારના જે રૂટ શરૂ કરવામાં આવ્યા છે તેમાં લોધીકા તાલુકાના જેતાકુબા, કોઠાપીપળીયા, ખેરડી, મેંગણી, ચાપાબેડા, નોંધણચોરા, તરકાસર, મોરીદળ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે પડધરી તાલુકા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં દોમડા, નગરપીપળીયા, જાબીડા, ખાખરાબેલા, ઉકરડાના રૂટ શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે કાલાવડ તાલુકામાં શામળા, વજીર, ખાખરીયા, દાણીધાર અને બામણ ગામના રૂટ શરૂ કરવામાં આવ્યા છે. આ સીવાય રાત્રી રોકાણ કરતી બસો પણ અત્યાર સુધી બંધ હતી જે હવે પરત બોલાવી લેવામાં આવી છે. એકબાજુ વાવાઝોડાની અસર પૂરી થઈ છે ત્યારે આંશિક લોકડાઉન હટાવી લેવામાં આવ્યું છે જેને લઈ અત્યાર સુધીના બંધ રૂટો ફરી શરૂ કરવમાં આવ્યા છે.
રાજકોટ એસ.ટી.ના ૨૫૦ રૂટ શરૂ થયા: ગ્રામ્ય વિસ્તારના રૂટો ફરી શરૂ થતાં મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયા
જો કે, હજુ રાત્રીના ૯ થી ૬ રાજ્યભરમાં કરફર્યુ હોય મોટા રૂટની બસો હજુ બંધ છે અને રાત્રીના ૯ થી સવારના ૬ સુધી રાજકોટ એસટી ડિવિઝનની તમામ બસો બંધ કરી દેવામાં આવે છે અને ઉપરથી આવતી બસો ગોંડલ ચોકડી, માધાપર ચોકડી અને ગ્રીનલેન્ડ ચોકડીથી બાયપાસ જતી રહે છે. રાજકોટ એસટી ડિવિઝનની ૫૦૫ બસમાંથી હાલ ૩૦૦થી વધુ બસો ફરી કાર્યરત કરવામાં આવી છે. જેમ જેમ રાત્રી કરફયુનો સમય ઘટશે તેમ આ બસોના રૂટો પણ ધીમે ધીમે વધતા જશે.
રાજકોટના માધાપર ચોકડીએ નવું બસ સ્ટેન્ડ બનવા જઈ રહ્યું છે. જો કે ત્યાં જામનગર, દ્વારકા, કચ્છ રૂટની બસો હાલ શરૂ કરી દેવામાં આવી છે.
એટલે મુસાફરોને બસ સ્ટેન્ડ સુધી ધક્કો ખાવાની જરૂર ન પડે તે માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આગામી ૩ થી ૪ માસમાં જ નવું મીની બસ સ્ટેન્ડ પુરજોશમાં કાર્યરત થશે. ત્યારબાદ જામનગર રૂટની તમામ બસોનું સંચાલન માધાપર ચોકડી ખાતે આવેલા બસ સ્ટેન્ડથી જ થશે.