સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્નાતકની સેમેસ્ટર-6 અને અનુસ્નાતકની પરીક્ષાઓ જૂનમાં યોજાવાની છે ત્યારે હાલ કોરોનાને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. ત્યારે પરીક્ષા આપતા પહેલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમીત ન થાય તે માટે વેક્સિન સમયસર મેળવી લે તે જરૂરી બન્યું છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્નાતક અનુસ્નાતકની પરીક્ષાઓમાં તકેદારી રાખવામાં આવે તેવી લેખીતમાં રજૂઆત આજરોજ ડો.નિદત બારોટે કુલપતિ નીતિન પેથાણીને કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય ડો.નિદત બારોટે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કુલપતિને આજે પરીક્ષામાં તકેદારી રાખવા રજૂઆત કરવામાં આવી છે અને કુલપતિ રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરવી જોઈએ કે, સૌરાષ્ટ્રના પ્રત્યેક હેલ્થ સેન્ટરમાં દરરોજનો 2 કલાકનો વધારાનો સમય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ માટે રાખવાની વ્યવસ્થા કરવામાં આવે. આમ કરવાથી તમામ વિદ્યાર્થીઓ સમયસર વેક્સિન મેળવવાની અનુકુળતા ઉભી થશે અને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં મુશ્કેલી પણ નહીં પડે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે જે રીતે એક સાથે બે પરીક્ષા જાહેર કરી છે તે પ્રમાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ આ તમામ પરીક્ષાઓ પ્રતમ તબક્કે આપી ન શકે તે માટે બીજા તબક્કાની વ્યવસ્થા કરવી જોઈએ. સરકારની અભિગમને અનુસરવાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નીતિથી વિદ્યાર્થીઓને ખુબજ ફાયદો થઈ શકે તેમ છે અને જે વિદ્યાર્થીઓ પ્રથમ તબક્કામાં પરીક્ષા આપી શકે તેમ ન હોય તે વિદ્યાર્થીનું વર્ષ પણ બચી શકે તેમ છે.