ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા કોવીડ હોસ્પિટલોમાં મોકડ્રીલ:સ્ટાફને પ્રેક્ટિકલ સમજણ અપાઈ
રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા આજે શહેરની આઠ કોવીડ હોસ્પિટલોએ વિવિધ ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં આગના સંજોગોમાં હોસ્પિટલના સ્ટાફે કઈ રીતે સાવચેતી રાખવી અને દર્દીઓને સલામત સ્થળે ખસેડવા તેમજ રાહત બચાવ કાર્ય માટે શું કરી શકાય તે અંગેની પ્રેકટીકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી.
શહેરમાં જે આઠ કોવીડ હોસ્પિટલોએ મોકડ્રીલ કરવામાં આવી હતી જેમાં પરમ કોવીડ હોસ્પિટલ (બસ સ્ટેન્ડની બાજુમાં), સમર્પણ કોવીડ હોસ્પિટલ( રૈયા રોડ),દેવ કોવીડ હોસ્પિટલ (વિદ્યાનગર મેઈન રોડ),નીલકંઠ કોવીડ હોસ્પિટલ( કોઠારીયા રોડ), રઘુવીર કોવીડ હોસ્પિટલ (મવડી) સિનર્જી કોવીડ હોસ્પિટલ (૧૫૦ ફૂટ રીંગ રોડ),શિવ કોવીડ હોસ્પિટલ (મહાપુજા ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ) અને વેદાંત શ્રીજી કોવીડ હોસ્પિટલ( દૂધ સાગર રોડ) ખાતે મોકડ્રીલ કરવામાં આવી હતી.
આ મોકડ્રીલની કામગીરી મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની આજ્ઞાનુસાર ચીફ ફાયર ઓફિસર આઈ. વી. ખેર અને ડે. ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબાના માર્ગદર્શન હેઠળ તમામ ફાયર સ્ટેશન ઓફિસર અને ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.