1લી જુલાઈથી કોરોના એસઓપી સાથે 6.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
પરીક્ષા પદ્ધતિ અને પેપર સ્ટાઈલમાં કોઈ ફેરફાર નહીં, એસઓપી મુજબ પરીક્ષા લેવા સરકારની પણ પરીક્ષા થાય તે નક્કી
એક વર્ગમાં 20 વિદ્યાર્થીને બેસાડાશે: ગેરહાજરની 25 દિવસ બાદ પરીક્ષા લેવામાં આવશે: ધો.10ના 3.50 લાખ રીપીટર્સની પરીક્ષા પણ લેવાનો નિર્ણય કરતું શિક્ષણ વિભાગ
રાજ્ય સરકારે ધો.10ના નિયમીત વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં લેવાનો નિર્ણય લીધા પછી ધો.12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીઓની લેખીત પરીક્ષા આગામી તા.1લી જુલાઈથી કોરોનાની ગાઈડ લાઈનના પાલન સાથે લેવાનો નિર્ણય લીધો છે. ધો.12ની પરીક્ષા દરમિયાન વચ્ચે જે દિવસોમાં ધો.12ની પરીક્ષા નહીં હોય તે દિવસોમાં ધો.10ના 3.80 લાખ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે તેવો નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યો છે. જો કે હવે ગુજરાત સરકાર દ્વારા ધો.12ની પરીક્ષાને લઈને દેશભરમાં સૌપ્રથમ નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે ધો.12ની પરીક્ષા વિદ્યાર્થી કરતા બોર્ડ માટે કસોટી સમાન રહેશે.
ધો.12 અને ધો.10માં પરીક્ષા પદ્ધતિ કે પ્રશ્ર્નપત્ર પુછવાની સ્ટાઈલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કોરોનાને કારણે તે અન્ય કારણથી પરીક્ષામાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીની 1લી જુલાઈએ લેવાનારી પરીક્ષાના 25 દિવસ બાદ નવા પ્રશ્ર્નપત્રો તૈયાર કરીને નવા સમય સાથે લેવાશે તેમ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
જે રીતે સરકાર દ્વારા ધો.12ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે તે માટે હવે વિદ્યાર્થીને 1 મહિનાથી વધુનો સમય પરીક્ષા તૈયારી કરવાનો મળશે. ધો.10ના રીપીટર વિદ્યાર્થીઓને પણ એક મહિના જેટલો સમયગાળો પરીક્ષાની તૈયારી કરવા માટે મળશે. જો કે હવે ધો.12ના 6 લાખથી વધુ વિદ્યાર્થીની પરીક્ષા કોરોનાની ગાઈડ લાઈન વચ્ચે લેવી સરકાર માટે કઠીન સાબીત થશે. કેમ કે એસઓપી પ્રમાણે એક કલાસમાં 20 વિદ્યાર્થી બેસીને પરીક્ષા આપવામાં આવશે અને 3 કલાક સુધી વિદ્યાર્થી પરીક્ષા આપે તો કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી સંભાવના છે. જો કે હવે સરકાર પરીક્ષા માટે કઈ રીતે વ્યવસ્થા કરે તે જોવાનું રહેશે.
અત્યાર સુધી એક વર્ગમાં 30 વિદ્યાર્થી પરીક્ષા આપતા હતા જ્યારે આ વર્ષે કોરોનાની મહામારીને કારણે એક વગમાં 20 વિદ્યાર્થી બેસાડી પરીક્ષા લેવામાં આવશે. જે તાલુકામાં પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીની પરીક્ષા પુરતી થઈ જાય તે તાલુકા મથકને પરીક્ષા કેન્દ્રની મંજૂરી અપાશે અને વિદ્યાર્થીઓને નજીકનું કેન્દ્ર અપાશે. દરેક વર્ગમાં સીસીટીવી કેમેરાથી વિદ્યાર્થી પર નજર રાખવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર પર સેનેટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, થર્મલગન સહિતનું પાલન કરાશે.
પેપરની સ્ટાઈલ આ વર્ષે જૂની પદ્ધતિ મુજબ રહેશે. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય અગાઉની પરીક્ષાની જેમ 3 કલાકનો રહેશે. વિજ્ઞાન પ્રવાહના 100 ગુણના પ્રશ્ર્નપત્રમાં 50 ગુણના પત્ર એમસીક્યુ ઓએમઆર પદ્ધતિના રહેશે અને 50 ગુણના પ્રશ્ર્ન વર્ણનાત્મક રહેશે. પ્રશ્ર્ન પુછવાની પદ્ધતિ જે અગાઉ શૈક્ષણિક વર્ષની જાહેર કરાયેલ છે તે પદ્ધતિ રહેશે એટલે વિદ્યાર્થીએ જે પ્રમાણે અત્યાર સુધી તૈયારી કરી તે પ્રમાણે જ પરીક્ષા લેવાશે.
સામાન્ય પ્રવાહમાં કુલ 100 માર્કસના પ્રશ્ર્નપત્રમાં તમામ પ્રશ્ર્ન વર્ણનાત્મક રીતે લેવાશે. સામાન્ય પ્રમાણે પ્રશ્ર્ન પુછવાની સ્ટાઈલ પણ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જે સત્તાવાર જાહેર કરાય તે પ્રમાણે રહેશે. જે વિદ્યાર્થી કોરોના કે અન્ય કારણોસર પરીક્ષા ન આપી શકે તેના માટે 25 દિવસ બાદ ફરી પરીક્ષા યોજવામાં આવશે. જો કે હવે ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈ રાજ્યભરમાં બોર્ડના વિદ્યાર્થીઓ ઓનલાઈન જ ભણ્યા છે. વચ્ચે બે મહિના વિદ્યાર્થી ઓફલાઈન ભણવા આવ્યા હતા. જો કે હવે તૈયારીનો પુરતો સમય છે પરંતુ પ્રશ્ર્નપત્ર દર વર્ષ કરતા સરળ નીકળે તેવો વિદ્યાર્થીઓનો સુર ઉઠ્યો છે.
સીબીએસઈ પહેલા ગુજરાત બોર્ડે ધો.12ની પરીક્ષાની પહેલ કરી
ગુજરાત સરકારે ગઈકાલે ધો.12ની પરીક્ષાની તારીખો જાહેર કરી જ દીધી છેે. આગામી તા.1 જુલાઈએ ધો.12ના 6 લાખથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપનાર છે જો કે દેશમાં ધો.12ની પરીક્ષા લેવાનો નિર્ણય ગુજરાત સરકારે સૌપ્રથમ કર્યો છે ત્યારે સીબીએસઈ દ્વારા પણ આ બાબતે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. સીબીએસઈ દ્વારા આગામી 1લી જુનના રોજ પરીક્ષા વિશે નિર્ણય કરવામાં આવશે. સીબીએસઈ ધો.12ની પરીક્ષાનો મુદો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ધો.12ના 300થી વધુ વિદ્યાર્થી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એન.વી.રમન્નાને પત્ર લખ્યો છે. વિદ્યાર્થી ધો.12ની ઓફલાઈન પરીક્ષા નહીં યોજવા તથા મુદાને સુઓમોટો લેવા વિનંતી કરી છે. જો કે હવે ગુજરાત સરકારના નિર્ણય પર સીબીએસઈ નિર્ણય લેશે કે કેમ તેના પર સૌની મીટ છે.
વિદ્યાર્થીઓને 100 ટકા ઓપ્શનવાળુ પ્રશ્ર્નપત્ર આપવું જોઈએ
હવે ધો.12ની બોર્ડની પરીક્ષા લેવાનું ગુજરાત સરકારે નક્કી કર્યું છે ત્યારે વિદ્યાર્થીઓને ગયા વર્ષે ઓનલાઈન ભણાવવામાં આવ્યા હતા. જો કે વચ્ચે 2 મહિનાના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ ઓફલાઈન ભણ્યા હતા ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે વિદ્યાર્થીઓ સંપૂર્ણ તૈયારી કરી શક્યા ન હોય માટે ચાલુ વર્ષે કોરોનાની મહામારીને કારણે વિદ્યાર્થીઓને 100 ટકા ઓપ્શનવાળુ પ્રશ્ર્નપત્ર પુછાય તેવી માંગ ઉઠી છે. જો કે સરકાર દ્વારા જૂની પદ્ધતિએ જ પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો હવે વિદ્યાર્થીઓની માંગ સંતોષાય છે કે કેમ ? તે જોવું રહેશે.
ધો.12ના વિદ્યાર્થીઓને 5 મોડ્યુલ પેપર સેટ અપાશે: ડી.વી.મહેતા
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધો.12 એટલે વિદ્યાર્થીઓનું ભવિષ્યનું ઉજ્જવળ વર્ષ. અત્યાર સુધી જે રીતે રાજ્ય સરકાર દ્વારા ધો.12ની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે ખુબજ આવકારદાયક છે.
કેમ કે ધો.12ની પરીક્ષા લેવું ખુબજ જ જરૂરી હતી અને અમે પણ આ નિર્ણયની રાહ જોતા હતા. એસઓપી પ્રમાણે જે રીતે પરીક્ષા લેવામાં આવશે તે મુજબ એક વર્ગખંડમાં 20 વિદ્યાર્થી બેસાડવામાં આવશે જેથી કોરોના સંક્રમણનો ડર રહેતો નથી. બીજી બાજુ વાત કરીએ તો પ્રશ્ર્નપત્ર કેવું પુછવું ?
અગાઉની પદ્ધતિ મુજબ જ જે રીતે પ્રશ્ર્નપત્ર કાઢવામાં આવે છે તે મુજબ પ્રશ્ર્નપત્ર નિકળશે. કેમ કે, જો સંપૂર્ણ એમસીક્યુ આધારીત પ્રશ્ર્ન પુછાય તો હોંશિયાર વિદ્યાર્થીને અન્યાય થાય માટે જે પદ્ધતિ જૂની છે તે સારી છે અને તે મુજબ જ પરીક્ષા લેવાવી જોઈએ.
હવે જ્યારે રાજ્ય સરકાર દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે તે મુજબ વિદ્યાર્થીને એક મહિનાથી વધુનો સમય તૈયારી માટે મળ્યો છે ત્યારે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આવતીકાલથી તમામ ધો.12ના વિદ્યાર્થીઓને મોડ્યુલ પેપર સેટ આપવામાં આવશે જેમાં 5 પ્રશ્ર્નપત્ર હશે અને આ પ્રશ્ર્નપત્રમાંથી વિદ્યાર્થી તૈયારી કરશે તો તેને પરીક્ષા સમયે કોઈ જ વાંધો નહીં આવે અને આ તમામ પ્રશ્ર્નપત્રમાં આઈએમપી પ્રશ્ર્નો જ હશે. સરકારે જે નિર્ણય કર્યો છે તેને હું આવકારૂ છું અને બીજા રાજ્યો પણ ગુજરાત રાજ્યના નિર્ણય પરથી પ્રેરણા લઈ ધો.12ની પરીક્ષા લે તેવી પૂરી શકયતા છે.
વિદ્યાર્થીઓ મોડલ પેપર તૈયાર કરશે તો પરીક્ષામાં આત્મવિશ્વાસ વધશે: અવધેશ કાનગડ
શુભમ સ્કૂલના સંચાલક અવધેશ કાનગડે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકારનો પરીક્ષા લેવાનો નિર્ણય ખુબજ આવકારદાયક છે. લગભગ 6 લાખથી વધુ વિદ્યાર્થીઓ 1લી જુલાઈથી ધો.12ની પરીક્ષા આપવાના છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ માટે સરકાર અલાયદી વ્યવસ્થા કરશે અને એક વર્ગ ખંડમાં 20 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે એટલે કે એક બેંચ પર એક જ વિદ્યાર્થી બેસશે જેનાથી કોરોનાનો ભય રહેતો નથી. બીજીબાજુ હવે વિદ્યાર્થીઓને એક માસ જેટલો પરીક્ષાની તૈયારી કરવાનો સમય છે ત્યારે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પાંચ મોડલ પેપર તૈયાર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ આ પાંચ મોડલ પેપર તૈયાર કરશે તો પરીક્ષા ખુબજ સરળતાથી આપી શકશે અને માર્કસ પણ મેળવી શકશે તેમજ પરીક્ષામાં વિદ્યાર્થીઓનો આત્મવિશ્ર્વાસ પણ વધશે.