પાટડીના ઝેઝરી ગામે બાજુમાંથી ફુલ સ્પીડે કાર ચલાવવા બાબતે એક જ કોમના લોકો વચ્ચે થયેલા ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા ટોળા સાથે આવેલા શખ્સોએ આવેશમાં જઇને આડેધડ ફાયરીંગ કરતા એક મહિલા સહિત કુલ બે યુવાનોને પગમાં ગોળી વાહતા સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ ફાયરીંગ કેસના બનાવમાં અખીયાણાના એક અને ઝેઝરીના 11 શખ્સો મળી 12 શખ્સો વિરૂદ્ધ બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસ ફરાર આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પાટડી તાલુકાના ઝેઝરી ગામે સાહિલખાન જોરાવરખાનની બાજુમાંથી મદીનખાન યાસીનખાન જતમલેક પોતાની આઇ 20 કાર સ્પીડમાં ચલાવીને નીકળતા સાહિલખાને આ બાબતે અમનખાન અબ્દુલખાન જતમલેકને લઇને મદીનખાન યાસીનખાન જતમલેક, મહેબુબખાન યાસીનખાન જતમલેક, સિરાજખાન અયુબખાન જતમલેક ( રહે-ત્રણેય ઝેઝરી ) અને રાહુલખાન અકબરખાન જતમલેક (અખીયાણા)ને આ બાબતે ઠપકો આપવા જતા આ ચારેય શખ્સોએ ઠપકો આપવા આવેલા બંને યુવાનોને ઢિકાપાટુનો માર મારી આરોપી મદીનખાન યાસીનખાન જતમલેકે પેન્ટના નેફામાંથી છરી કાઢી સાહિલખાન જોરાવરખાનને મારવા જતા વચ્ચે પડેલા અમનખાન અબ્દુલખાન મલેકને ડાબા હાથના અંગુઠામાં છરી વાગી હતી.
એટલામાં આકીબખાન એલમખાન જતમલેક, યાસીનખાન એલમખાન જતમલેક, કેસરખાન એલમખાન જતમલેક, મયુરખાન મહંમદખાન જતમલેક, મધુજી રહેમતખાન જતમલેક, અયુબખાન રહેમતખાન જતમલેક, આફ્રિદખાન મધુજી જતમલેક, સાહીલખાન અયુબખાન જતમલેક ( રહે તમામ ઝેઝરી )નાઓ આઇ 20 કાર નંબર GJ-13-AH-7892, નંબર વગરની એક્સયુવી કાર અને ઇનોવા કાર જેવા વાહનો લઇને બનાવના સ્થળે આવી આવેલા તમામ આરોપીઓએ પોતાના હાથમાં પીસ્ટલ તેમજ રીવોલ્વર જેવા હથીયારો ધારણ કરી આકીબખાન એલમખાન જતમલેક અને યાસીનખાન એલમખાન જતમલેકે પોતાના હાથમાં રાખેલી પીસ્ટલ વડે હવામાં ફાયરીંગ કરવાની સાથે મદીનખાન યાસીનખાન જતમલેકે આ બંને યુવાનોને માર મારવા તમામ આરોપીઓને ઉશ્કેરણી કરતા આકીબખાન એલમખાન જતમલેકે તેના હાથમાંથી રીવોલ્વરમાંથી બે-ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરતા અમનખાન અબ્દુલખાન જતમલેકને ડાબા પગે પિંડીના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.
જ્યારે યાસીનખાન એલમખાન જતમલેકે પોતાના હાથમાંની પીસ્ટલમાંથી સાહેદ ઇમરાનખાન ઉપર ફાયરીંગ કરી પગના ઘૂંટીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી તેમજ આરોપી કેસરખાન એલમખાન જતમલેકે પોતાના હાથમાંની પીસ્ટલમાંથી અસુબેન ઉપર ફાયરીંગ કરતા એમને જમણા પગે અંગુઠાના ભાગે ગોળી વાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે આરોપી મયુરખાન મહમંદખાન જતમલેકે પોતાના હાથમાંની પીસ્ટલમાંથી સિરાજખાન અબ્દુલખાન મલેક પર બેથી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી જાનથી મારી નાખવાના ઇરાદે કુલ આઠથી દશ રાઉન્ડ ફાયરીંગ કરવાની સાથે એક મહિલાઓ સહિત કુલ 3 જણાને જીવલેણ ઇજાઓ પહોંચાડવાની સાથે સાહેદનું પલ્સર મોટર સાયકલ નં GJ-13-AQ-0326ની લૂંટ ચલાવી ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા.
પાટડીના ઝેઝરી ગામે ફાયરીંગની ઘટના બાદ ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધા, સુરેન્દ્રનગર એલસીબી પી.આઇ. ડી.એમ.ઢોલ સહિતની એલસીબી ટીમ, બજાણા પીએસઆઇ વી.એન.જાડેજા સહિતની પોલીસ ટીમ તથા પાટડી અને ધ્રાંગધ્રા પોલીસ ટીમે તાકીદે ઝેઝરી ગામે દોડી જઇ આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ વી.એન.જાડેજા ચલાવી રહ્યાં છે. આ અંગે બજાણા પોલીસે જણાવ્યું કે આ કેસમાં હજી ફરાર આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરાઇ છે. અને આ ઝઘડામાં કુલ કેટલા ફાયરીંગ કરાયા એ માટે કારતૂસના આધારે એક્ષપર્ટની મદદ પણ લેવાઇ છે.